ભારતીયોને ફક્ત ૧૫% H-1B વિઝા જારી કરવા અમેરિકાની ધમકી

ભારતીયોને ફક્ત ૧૫% H-1B વિઝા જારી કરવા અમેરિકાની ધમકી

। નવી દિલ્હી ।

અમેરિકાએ ભારતે ફરી એકવાર ધમકી આપતાં જણાવ્યું છે કે, અમે વિદેશી કંપનીઓને તેમનો ડેટા સ્થાનિક સ્તરે સ્ટોર કરવાની ફરજ પાડતા દેશો માટેના એચ-વનબી વિઝા પર લગામ કસવા વિચારણા કરી રહ્યાં છીએ. અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિઓ નવી દિલ્હીની મુલાકાતે આવે તે પહેલાં જ અમેરિકા દ્વારા નવી ચેતવણી ઉચ્ચારવામાં આવતાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ વ્યાપી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે અમલમાં મૂકેલા ડેટા સ્ટોરેજ માટેના નવા નિયમોના કારણે માસ્ટરકાર્ડ સહિતની વિદેશી કંપનીઓ નારાજ છે. ભારત સરકારે લાગુ કરેલા આ નિયમોના કારણે અમેરિકા પણ રોષે ભરાયો છે. અમેરિકામાં એચ-વનબી વિઝાના સૌથી મોટા લાભાર્થી ભારતીયો જ છે તેથી અમેરિકાએ ભારતનું નાક દબાવવાનો પ્રયાસ કર્યો છે. અમેરિકાએ ભારતને માહિતી આપી હતી કે, અમેરિકી સરકાર ભારતીયોને જારી કરાતા એચ-વનબી વિઝા ૧૫ ટકા સુધી જ મર્યાદિત કરવાની યોજના બનાવી રહી છે. અમેરિકામાં દર વર્ષે ૮૫,૦૦૦ એેચ-વનબી વિઝા જારી કરાય છે. જેમાંથી ૭૦ ટકા વિઝા ભારતીયોને મળે છે. અમેરિકાની આ યોજના સ્થાનિક સ્તરે ડેટા સ્ટોરેજનો અંત લાવવા માટે છે. વિશ્વના કેટલાક દેશોએ સ્થાનિક સ્તરે ડેટા સ્ટોરેજ ફરજિયાત બનાવીને ડેટા પર વધુ નિયંત્રણ હાંસલ કરવા અને કંપનીઓની સત્તાઓ પર કાપ મૂકવાનો પ્રયાસ કર્યો છે તેથી અમેરિકી કંપનીઓ સમગ્ર વિશ્વમાં આ પ્રકારના નિયમો સામે લડત આપી રહી છે.

વેપાર તણાવ બાદ ભારતને નમાવવા અમેરિકાનો નવો પાસો

તાજેતરમાં જ ભારત અને અમેરિકાએ એકબીજાની નિકાસો પર જકાત લાદી દેતાં વેપાર તણાવમાં વધારો થયો છે. અમેરિકાએ ભારતીય નિકાસોને અપાયેલા વિશેષાધિકારને પાછો ખેંચી લીધા બાદ ભારતે અમેરિકાની ૨૮ વસ્તુઓ પર કસ્ટમ ડયૂટી લાદી હતી.

ડેટા લોકલાઇઝેશનવાળા દેશો અમેરિકાથી નારાજ : અહેવાલ

સૂત્રોના મતે અમેરિકા એવા દેશોના એચ-૧બી વિઝાની સંખ્યા મર્યાદિત કરવા વિચારી રહ્યું છે જે વિદેશી કંપનીઓને સ્થાનિક સ્તરે ડેટા સ્ટોર કરવા માટે મજબૂર કરે છે. ભારતને પણ તેની જાણકારી આપવામાં આવી છે. આરબીઆઈએ ગત વર્ષે જ ડેટા લોકલાઇઝેશનની પોલિસી લાગુ કરી હતી. તેના હેઠળ વિઝા, માસ્ટરકાર્ડ જેવી વિદેશી કંપનીઓના ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા વિદેશી સર્વરની જગ્યાએ ભારતમાં જ સ્ટોર કરવા પડે છે. અમેરિકી સરકાર અને કંપનીઓને ભારતના આ નિયમ સામે વાંધો છે.

હજી સુધી અમેરિકાએ કોઈ જાણ કરી નથી

સૂત્રોના મતે ભારતે આ અંગે કોઈ ખુલાસો કર્યો નહોતો. સૂત્રોના મતે ભારતે જણાવ્યું કે, અમને હજી સુધી આ મુદ્દે અમેરિકા દ્વારા કોઈ જાણ કરવામાં આવી નથી. અમેરિકા આવા કોઈ પગલાં લેશે તો અધિકારિક રીતે જાહેરાત કરશે અને જાણ પણ કરશે. અમેરિકન આઈટી કંપનીઓએ પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી રહી છે.

૧૦ લાખ કરોડની આઈટી ઇન્ડસ્ટ્રીને ફટકો પડશે

અમેરિકા દ્વારા બીજા દેશોના કર્મચારીઓને પોતાને ત્યાં નોકરી કરવાની મંજૂરી આપવા માટે આ વિઝા જારી કરાય છે. આ વિઝા હેઠળ કામ કરવાની લિમિટ પહેલાં ૩ વર્ષ હતી હવે તેને વધારીને ૬ વર્ષ કરી શકાય છે. ભારતીય કર્મચારીઓ તેનો સૌથી વધારે લાભ લેતા હોય છે. તેમાં પણ સૌથી વધારે આઈટી સેક્ટરમાં કામ કરનારા લોકો તેનો લાભ લે છે. ટીસીએસ અને ઇન્ફોસિસ જેવી આઈટી સેક્ટરની ટોચની કંપનીઓ આ વિઝા હેઠળ પોતાના એન્જિનિયર્સ અને ડેવલપર્સને અમેરિકા મોકલે છે. ભારતીય આઈટી કંપનીઓ માટે અમેરિકા સૌથી મોટું બજાર છે. ભારતીય આઈટી કંપનીઓનું ત્યાં ૧૦ લાખ કરોડ રૂપિયાનું બજાર છે.

એચ-વનબી ઉપર નિયંત્રણનો અર્થ…

૧ .અમેરિકા દર વર્ષે ૮૫,૦૦૦ એચ-વનબી વિઝા આપે છે

૨. તેમાંથી ૭૦ ટકા એટલે કે ૫૯,૫૦૦ ભારતીયોને મળે છે

૩. ભારતીયોને વિઝામાં ૧૦-૧૫ ટકાની મર્યાદા લદાય તો..?

૪. ભારતીયોને દર વર્ષે ફક્ત ૧૨,૭૫૦ વિઝા જ પ્રાપ્ત થાય

૫. ભારતીય IT કંપનીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવે. કર્મીઓ ઉપરાંત આર્થિક નુકસાનનો ભય છે.