લોકો ટ્રેનમાં બિનજરૂરી પ્રવાસ ન કરે તે માટે ભાડાં વધાર્યાં : રેલ મંત્રાલયનું વિચિત્ર કારણ

લોકો ટ્રેનમાં બિનજરૂરી પ્રવાસ ન કરે તે માટે ભાડાં વધાર્યાં : રેલ મંત્રાલયનું વિચિત્ર કારણ

। નવી દિલ્હી ।

ભારતીય રેલવે દ્વારા ટૂંકા અંતરની લોકલ ટ્રેનનાં ભાડાંમાં લગભગ બમણો વધારો ઝીંકવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલ ભડકે બળી રહ્યા છે અને મોંઘવારી માઝા મૂકી રહી છે ત્યારે લોકલ ટ્રેનનાં ભાડામાં અસહ્ય વધારાએ લોકોનાં ખિસ્સા ખંખેરીને આમ આદમીનો બોજ બે કે ત્રણ ગણો વધાર્યો છે. લોકલ ટ્રેનનાં ભાડાં વધારવા પાછળ રેલ મંત્રાલય દ્વારા એવો તર્ક રજૂ કરાયો છે કે કોરોના મહામારીને કારણે લોકો ટ્રેનમાં ઓછો પ્રવાસ કરે અને ભીડભાડ ઓછી થાય તે જરૂરી છે. લોકડાઉન પછી અનલોકનાં ગાળામાં રેલવે દ્વારા અનેક ટ્રેનોને મેલ અને એક્સ્પ્રેસ તરીકે ચલાવવામાં આવી રહી છે. જેનાં ભાડાં સામાન્ય સ્તર કરતા લગભગ દોઢા છે. આવા સમયે લોકલ ટ્રેનનાં ભાડાંમાં વધારાએ બળતામાં ઘી હોમ્યું છે. ભાડાં વધારા પાછળનો બીજો તર્ક એવો છે કે લોકો જ્યાં પ્રવાસ ટાળી શકાય તેમ છે ત્યાં પ્રવાસ ટાળે જેથી કોરોનાને વકરતો રોકી શકાય. ટ્રેનનાં ભાડાંનો આ વધારો પરાંની ટ્રેનોને લાગુ પડશે નહીં.

કોવિડ-૧૯ સરકાર માટે અવસર : રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકલ ટ્રેનનાં ભાડાંમાં કરાયેલા વધારાનો વિરોધ કર્યો હતો. તેમણે ટ્વિટ કર્યું હતું કે કોવિડ-આપદા આપકી …અવસર સરકાર કા…પેટ્રોલ…ડીઝલ…ગેસ…ટ્રેન કિરાયા.

મધ્યમવર્ગ કો બૂરા ફસાયા…લૂંટને તોડી જુમલો કી માયા…

( Source – Sandesh )