મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નં. 12 નીરવ મોદી માટે યોગ્ય રહેશે : બ્રિટિશ કોર્ટ

મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નં. 12 નીરવ મોદી માટે યોગ્ય રહેશે : બ્રિટિશ કોર્ટ

। નવી દિલ્હી ।

વેસ્ટમિંસ્ટર અદાલતના મેજિસ્ટ્રેટ સેમ્યુઅલ ગોજીએ જણાવ્યું કે, નીરવ મોદીને ભારત આવીને ઘણા સવાલોના જવાબ આપવાના રહેશે. ભારતમાં તે દોષિત સાબિત થાય તેવી પૂરતી શક્યતાઓ છે. તેની સામે પૂરતા પુરાવા છે કે, તે દોષિત છે. પ્રાથમિક દૃષ્ટિએ જ લાગે છે કે, નીરવ મોદી આરોપી છે. તેને ભારત મોકલવો જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું કે, આ કેસમાં દેખાઈ રહ્યું છે કે, નીરવ મોદી દ્વારા પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેણે સાક્ષીઓને પણ ધમકાવ્યા હતા. નીરવ મોદી માનસિક રીતે પણ સ્વસ્થ છે અને તેને કોઈ મુશ્કેલી હોય તેવું જણાતું નથી.

નીરવ મોદીના વકીલોએ જણાવ્યું કે, નીરવ સામે ખોટા આરોપો ઘડવામાં આવ્યા છે. તેણે કોઈ છેતરપિંડી કરી નથી. નીરવની માનસિક સ્થિતિ સારી નથી. તેને સારવારની જરૂર છે. તેની મુંબઈની જેલમાં યોગ્ય સારવાર કરવામાં આવશે નહીં. માનસિક સ્થિતિ બગડે તો તે આત્મહત્યા પણ કરી શકે તેમ છે. બીજી બાજુ ક્રાઉન પ્રોસિક્યૂશને જણાવ્યું કે, નીરવની સ્થિતિ સારી જ છે. તેણે સભાનતા સાથે છેતરપિંડી કરી છે. તેણે ત્રણ પાર્ટનરશિપવાળી કંપનીઓના માધ્યમથી બેન્ક સાથે કરોડોની છેતરપિંડી કરી છે. વકીલોએ જણાવ્યું કે, તે એક પોન્ઝી સ્કીમ ચલાવતો હતો. આ ઉપરાંત મની લોન્ડરિંગ અને છેતરપિંડી માટે પણ તે જવાબદાર છે. તેના કારણે જ પીએનપીના કરોડો રૂપિયાની ઉચાપત થઈ છે. આ પછી કોર્ટે જણાવ્યું કે, નીરવ મોદીની માનસિક સ્થિતિ સારી છે. તેની ભારતમાં પણ યોગ્ય તકેદારી રાખવામાં આવશે. ભારતની જેલમાં તેને સારી સ્વાસ્થ્ય સેવાઓ આપવામાં આવશે જેના કારણે તે આત્મહત્યા જેવું પગલું નહીં લે. આર્થર રોડ જેલમાં પૂરતા પ્રમાણમાં સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ છે. મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નં. ૧૨ નીરવ મોદી માટે યોગ્ય રહેશે.

ઉલ્લેખનીય છે કે, નીરવ મોદીને પ્રત્યર્પણ વોરન્ટ હેઠળ ૧૯ માર્ચ ૨૦૧૯ના રોજ લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં જ છે.

( Source – Sandesh )