આજે અમદાવાદનો સ્થાપના દિવસ : શહેર તેની 609 વર્ષની સફર પુરી કરશે

આજે અમદાવાદનો સ્થાપના દિવસ : શહેર તેની 609 વર્ષની સફર પુરી કરશે

૨૬મી ફેબ્રુઆરી ૧૪૧૧ના દિવસ અમદાવાદ શહેરની સ્થાપના. શુક્રવારે અમદાવાદ શહેર તેની ૬૦૯ વર્ષની સફર પુરી કરશે. નગરમાંથી નગરપાલિકા, અને તેમાંથી મહાનગરનો દરજ્જો આ શહેરને મળ્યાને ૭૦ વર્ષ પુરા થશે. કાપડ ઉદ્યોગ માટેના માનચેસ્ટરના બિરૂદથી લઈ અમદાવાદ આજે સ્માર્ટ સિટી અને વર્લ્ડ હેરીટેજ શહેરના દરજ્જા સુધી પહોંચ્યુ છે.

અમદાવાદ એટલે લાલ બસનું શહેર, આ લાલ બસ એટલે કે, એ.અમ.ટી.એસ.બસ સેવાને ૭૪ વર્ષ થયા. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પણ અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાંથી ચૂંટાઈને આવ્યા હતા. અમદાવાદના લોકોને સારી સારવાર મળે એવી હોસ્પિટલની જરૂર આવતા દાતાઓના દાનની મદદથી ૯૧ વર્ષ અગાઉ અમદાવાદ શહેરની વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ શરૂ કરાઈ હતી. શાસકોના અવિચારી નિર્ણયના લીધે આ હોસ્પિટલ પોતે ડાયાલીસીસ પર હાલ છે.

વર્ષ ૨૦૧૦માં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરીટેજનો દરજ્જો મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. વર્ષ ૨૦૧૭માં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરીટેજનો દરજ્જો મળ્યો છે. અને છેલ્લા ચાર વર્ષમાં ૬૦૦ વર્ષથી જળવાઈ રહેલા અમદાવાદ શહેરની ઐતિહાસિક ધરોહરો પ્રત્યે ગુનાહિત બેદરકારી અને દુર્લક્ષ્ય સેવવામાં આવી રહ્યુ ંછે. માત્ર ચોપડે હેરિટેજનો દરજ્જો મળ્યાથી ખુશ થઈ શહેરના વહીવટકર્તાઓએ આ દરજ્જાને ધૂળે નાંખ્યો હોય તેમ હેરિટેજ અમદાવાદની ઓફિસે પણ તાળા વાગી ગયા છે.

૧૮૮૫માં શહેરને પ્રથમ ભૂગર્ભ પાણી-ડ્રેનેજની સુવિધા

અંગ્રેજ સરકારે જેમને રાવ બહાદુરનો ખિતાબ  આપ્યો હતો એવા રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ વર્ષ-૧૮૮૫માં અમદાવાદ મ્યુનિસિપિલના પ્રથમ પ્રમુખ બન્યા. વર્ષ-૧૮૬૧માં અમદાવાદમાં તેમણે પ્રથમ કાપડની મિલ શરૂ કરી હતી. અમદાવાદ શહેરને પ્રથમ અંડરગ્રાઉડ પાણી અને ડ્રેનેજની સુવિધા આપવાનો યશ એમને જાય છે. બ્રિટીશ શાસન હોવા છતાં તેમણે અમદાવાદમાં ઘેર-ઘેર નળ મારફત પાણી મળે અને ગટરની સુવિધા મળે એ માટે કામગીરી કરાવી હતી.

( Source – Sandesh )