હવે જમાઈ અને દીકરાની વહુએ પણ સાસુ-સસરાનું ભરણ પોષણ કરવું પડશે

હવે જમાઈ અને દીકરાની વહુએ પણ સાસુ-સસરાનું ભરણ પોષણ કરવું પડશે

। નવી દિલ્હી ।

માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોનું ભરણ પોષણ અને કલ્યાણ બિલ, ૨૦૧૯ સાથે સંકળાયેલું વિધેયક બજેટ સત્રમાં રજૂ થશે. ૮ માર્ચથી બીજા તબક્કાના બજેટ સત્રનો આરંભ થશે. સંસદની સ્થાયી સમિતિ તરફથી આ બિલને મંજૂરી મળી ચૂકી છે. ખરડામાં વૃદ્ધોને ગુજરાન ભથ્થાં  મળવા સંબંધમાં અને તેઓ ગરિમાપૂર્ણ જીવન જીવી શકે તે હેતુસર કડક જોગવાઈ થયેલી છે. બિલની જોગવાઈ મુજબ પોતાના સંતાન ઉપરાંત મિલકતમાં અધિકાર ધરાવનારા અન્ય દત્તક પુત્ર કે પુત્રી, જમાઈ, દીકરાની વહુ, ઓરમાન સંતાન કે સગાંસંબંધી પણ સંતાનની કક્ષામાં આવશે અને વરિષ્ઠ નાગરિકને ગુજરાન ભથ્થું આપવા જવાબદાર રહેશે. આ ખરડો સંસદમાં પસાર થયા પછી માતા-પિતા કે સાસુ-સસરાનું ધ્યાન ના રાખનારા કે સંપત્તિ હડપ કરવાના પ્રયાસ કરનારને મોંઘું પડશે.

વિશેષ રજા મંજૂર કરવા પણ ભલામણ 

એક અંદાજ મુજબ દેશમાં હાલ લગભગ ૧૨ કરોડ વરિષ્ઠ નાગરિક છે. આગામી પાંચ વર્ષમાં તેની સંખ્યા વધીને ૧૭ કરોડ થઈ શકે છે. આટલી મોટી વસતી માટે ગરિમાપૂર્ણ જીવન તે સરકારની પ્રાથમિકતા છે. સમિતિએ વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ સાક્ષરતા સાથે સાંકળવા અને એક જ સંતાન ધરાવતા હોય તો ખાસ રજાઓ મંજૂર કરવાની જોગવાઈ કરવા પણ સૂચવ્યું છે.

( Source – Sandesh )