ટ્રમ્પેનો નિર્ણય બાઇડેન સરકારે રદ કરતા અમેરિકાની નાગરિક્તા માટે ભારતીયોને મોટી રાહત મળી

ટ્રમ્પેનો નિર્ણય બાઇડેન સરકારે રદ કરતા અમેરિકાની નાગરિક્તા માટે ભારતીયોને મોટી રાહત મળી

યોગ્ય લાયકાત ધરાવતા વિદેશી નાગરિકોને ઝડપથી અમેરિકાની નાગરિકતા મળે તેનો માર્ગ સરળ બનાવતા જો બાઇડેન સરકારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નાગરિકતા માટે દાખલ કરાયેલી આકરી કસોટી પદ્ધતિ રદ કરી દીધી હતી. હવે વર્ષ 2008ના સિવિક ટેસ્ટ મોડયૂલ પ્રમાણે અમેરિકાની નાગરિકતા માટે ટેસ્ટ લેવાશે. હવે અમેરિકાના નાગરિક બનવા માટે અંગ્રેજીના મૂળભૂત જ્ઞાન સાથે સિવિક ટેસ્ટ પસાર કરવાની રહેશે. ટ્રમ્પ સરકાર દ્વારા દાખલ કરાયેલી કસોટી જટિલ અને વિચારધારા પર આધારિત હતી. દાખલા તરીકે કસોટીમાં સવાલની સંખ્યા 100થી વધારીને 128 કરાઈ હતી. 1 ડિસેમ્બર 2020 પછી અમેરિકાની નાગરિકતા માટે અરજી કરનારા ઉમેદવારો માટે આ કસોટી દાખલ કરાઈ હતી.

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝે જણાવ્યું હતું કે, 2020ની સિવિક ટેસ્ટ વિકાસની પ્રક્રિયા, કન્ટેન્ટ, પરીક્ષાની પ્રક્રિયા અને તેના અમલની પદ્ધતિ કુદરતી પ્રક્રિયામાં અવરોધ ઊભા કરતી હતી. અમેરિકાની કાયદેસરની ઇમિગ્રેશન સિસ્ટમમાં વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવાના પ્રમુખ જો બાઇડેનના એક્ઝિક્યુટિવ ઓર્ડર મુજબ સિવિક ટેસ્ટ 2020 રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

ઇમિગ્રેશન નિષ્ણાત ડઘ રેન્ડે જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2020માં ટ્રમ્પે વિચારધારા આધારિત કસોટી દાખલ કરીને નાગરિકતા મેળવવામાં મોટા અવરોધ ઊભા કર્યાં હતાં. જો બાઇડેન સરકારે તેને દૂર કરીને 2008માં અમલી બનાવાયેલી કસોટી પુનઃસ્થાપિત કરી છે. જે લોકો સિવિક ટેસ્ટ મોડયૂલ 2020નો અભ્યાસ કરી રહ્યાં છે તેમને 19 એપ્રિલ સુધી આ મોડયૂલની પરીક્ષામાં હાજર રહેવાની છૂટ અપાઈ છે. 1 માર્ચ 2021 પછી નાગરિકતા માટે અરજી કરનારે વર્ષ 2008ના મોડયૂલ પ્રમાણે પરીક્ષા આપવાની રહેશે.

અમેરિકાની નાગરિકતાની રાહ જોઈ રહેલા ભારતીયોને મોટી રાહત

બાઇડેન સરકારના આ નિર્ણયને કારણે અમેરિકાની નાગરિકતાની રાહ જોઈ રહેલા ભારતીયોને મોટી રાહત થઈ છે. અમેરિકામાં નાગરિકતા માટે રાહ જોઈ રહેલો બીજો સૌથી મોટો સમુદાય ભારતીયોનો છે. 30 સપ્ટેમ્બર 2019 સુધીના 12 મહિનાના ગાળામાં 61,843 ભારતીયોને અમેરિકાની નાગરિકતા અપાઈ હતી. જે તે સમયગાળામાં અપાયેલી કુલ નાગરિકતાના 7.5 ટકા હતી. તેના અગાઉના વર્ષમાં 52,194 ભારતીયોને અમેરિકાની નાગરિકતા અપાઈ હતી.

( Source – Sandesh )