વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની બેઠક ક્ષમતા 22 હજાર વધી, હવે 1.32 લાખની કેપેસિટી

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની બેઠક ક્ષમતા 22 હજાર વધી, હવે 1.32 લાખની કેપેસિટી

  • ન્ડિયા- ઇંગ્લેન્ડની વચ્ચે રમાનારી મેચમાં સ્ટેડિયમની કેપેસિટીના માત્ર 50% દર્શકોને મેચ જોવા માટે પ્રેવેશ અપાશે
  • GCAએ મોટેરાની બેઠક ક્ષમતા 1 લાખ 32 હજારની જાહેર કરી, સ્ટેડિયમની બહાર બેનરો લગાવાયા
  • ત્રીજી ટેસ્ટના એક દિવસ પહેલાં ભારતીય ટીમે પિંક બોલથી નેટ પ્રેક્ટિસ કરી

ચાહકો ઘણા લાંબા સમયથી અમદાવાદમાં વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ‘મોટેરા’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સ્ટેડિયમ 63 એકર જમીનમાં પથરાયેલું છે અને 1 લાખ 32 હજારની બેઠક ક્ષમતા ધરાવે છે. આ સ્ટેડિયમનો શુભારંભ ઇન્ડિયાની ટીમ ઇંગ્લેન્ડની વિરૂદ્ધ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમીને કરશે. અત્યારે ચાલી રહેલી કોરોના મહામારીના પગલે સ્ટેડિયમની કુલ કેપેસિટીના માત્ર 50% દર્શકોને મેચ જોવા માટે પ્રેવેશ આપવામાં આવશે, એટલે કે 65 હજારથી વધુ લોકો ગ્રાઉન્ડ પર ટીમ ઇન્ડિયાને ચિયર કરી શકશે.

મોટેરાની બેઠક ક્ષમતા 1 લાખ 32 હજારની જાહેર
ઉલ્લેખનીય છે કે મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બની ગયું છે. મેલબર્નની બેઠક-ક્ષમતા 92 હજાર છે અને મોટેરાએ 40 હજારના માર્જિનથી એને માત આપી છે. આ સ્ટેડિયમમાં પહેલા 1 લાખ10 હજારની બેઠક વ્યવસ્થા હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ સ્ટેડિયમની બહાર લાગેલા હોર્ડિંગમાં બેઠક ક્ષમતા વધારીને 1 લાખ 32 હજાર કરી દેવામાં આવી હોવાનું લખેલું છે એટલે કે કુલ 22 હજાર બેઠકો ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા મોટેરા સ્ટેડિયમમાં વધારવામાં આવી છે. આ સંદર્ભે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધિકારીએ જણાવ્યું કે, તેમણે કેમેરા અને અન્ય ટેકનિકલ જગ્યા માટે કુલ સીટોમાંથી વધુ પડતી સીટો બાદ કરી હતી. જે ગણતરીના ફાઇનલ અરેન્જમેન્ટ પછી તેમણે જાણ થઈ કે મોટેરા સ્ટેડિયમમાં બેઠક ક્ષમતા 1 લાખ 10 હજાર નહિં, પરંતુ 1 લાખ 32 હજાર છે.

360 ડીગ્રી સ્ટેડિયમ
સામાન્ય રીતે આપણે ક્રિકેટ સ્ટેડિયમમાં અનુભવ કરતા હોઈએ છીએ કે પ્રેક્ષકો હંમેશાં આગળની હરોળની બેઠક પર પસંદગી ઉતારે છે, જેને લીધે પિલરની કે અન્ય કોઈ અડચણ વગર મેચ જોઈ શકાય. મોટેરા સ્ટેડિયમની ખાસિયત એ છે કે સ્ટેડિયમમાં એકપણ પિલર નથી. મતલબ કે કોઈપણ સ્ટેન્ડમાં બેસીને મેચો સાથે આખું ગ્રાઉન્ડ જોઈ શકાશે.

ત્રીજી ટેસ્ટ માટે ઇન્ડિયન ટીમ સજ્જ
24 ફેબ્રુઆરીએ યોજવનારી ટેસ્ટ મેચને લઈને ઇન્ડિયાની ટીમે નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. વિરાટ સેનાએ ડે-નાઈટ ટેસ્ટના એક દિવસ પહેલા મેચને જીતવા અર્થે નેટ્સમાં પ્રેક્ટિસ કરીને તૈયારીઓને અંતિમ ઓપ આપ્યો. ત્યારપછી ટીમના મોટાભાગના ખેલાડીઓ સ્ટેડિયમમાં ફૂટબોલ પણ રમ્યા હતાં. આ મેચમાં પિંક બોલનો ઉપયોગ થશે અને તેની સાથે આ નવા સ્ટેડિયમમાં પહેલી વખત ટેસ્ટ મેચ રમાવવાની હોવાથી ખેલાડીઓ તમામ બાબતો ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓ આ પિચના મિજાજને સમજવા માટે સતત એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

ટીમ ઈન્ડિયા એક મહિનો અમદાવાદમાં ધામા નાખશે
BCCIએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે માત્ર ત્રણ સ્થળ જ રાખ્યાં છે. ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા પછી ટીમ 2 ટેસ્ટ અને 5 T-20 માટે અમદાવાદ આવશે. T-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, એટલે કે ઇન્ડિયન ટીમ 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ બાયો-બબલમાં રોકાશે.

( Source – Divyabhaskar )