આજે છે તમામ પ્રકારના સંકટ હરનાર સંકષ્ટ ચતુર્થી, જાણો તેનું મહત્વ

આજે છે તમામ પ્રકારના સંકટ હરનાર સંકષ્ટ ચતુર્થી, જાણો તેનું મહત્વ

ભગવાન શંકર તથા માતા પાર્વતીના પુત્રનું નામ છે ગણેશજી. ગણેશજીનું એક નામ છે વિઘ્નહર્તા. આ ગણપતિ મહારાજ તેમના ભક્તોનાં તમામ પ્રકારનાં દુઃખ દૂર કરે છે. તેમને ચોથ ખૂબ પ્રિય છે. તેમનો પ્રિય વાર છે મંગળવાર. તેમને જાસૂદનું લાલચટ્ટક પુષ્પ તથા સફેદ દૂર્વા ખૂબ પ્રિય છે. તેમનું વાહન મૂષક છે. તેમનો પ્રિય આહાર કે ભાવતું ભોજન મોદક છે. સુદ તથા વદ ચોથ મહિના દરમિયાન બે વખત આવે છે. સુદ ચોથને વિનાયક ચોથ તથા વદ ચોથને સંકટ ચોથ કહે છે. મંગળવારને સુદમાં આવતી વિનાયક ચોથને અંગારકી વિનાયક ચતુર્થી કહે છે. વદમાં મંગળવારે આવતી ચોથને અંગારકી સંકષ્ટી ચતુર્થી કહે છે.

આમતો બંને ચોથનું પોતાનું મહત્વ છે પણ સંકટ ચતુર્થીને ખાસ કરીને અનુરૂપ સંકટ હરનાર ચોથ કહેવામાં આવે છે. આ દિવસે વ્રત રાખીને ભગવાન ગણેશજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. માન્યતા છે કે સંકટ ચતુર્થી પર કરવામાં આવતી પૂજાથી જીવનના તમામ સંકટો દુર થાય છે.

સંકટ ચતુર્થી આખુ વર્ષ કરી શકાય છે. ચતુર્થી એટલે કે ચોથ તિથિના અધિપતિ દેવતા ગણેશ (ગણપતિ) છે. પંચાંગના શાસ્ત્રાર્થ વિભાગમાં સુદ ચતુર્થી (અજવાળી ચોથ) વિનાયક ચતુર્થી તરીકે ઓળખાય છે. વદ પક્ષની ચતુર્થી ( અંધારિયાની ચોથ) સંકષ્ટ ચતુર્થી તરીકે વિશેષ મહત્વ ધરાવે છે. સંકષ્ટ ચતુર્થીને સાદી ભાષામાં લોકો સંકટ ચોથ પણ કહે છે.

સંકષ્ટ ચતુર્થી ક્યારે આવે?

વ્રતની પૂનમની જેમ સંકષ્ટ ચતુર્થીનો દિવસ નક્કી કરવા માટે ચંદ્રની સ્થિતિને ધ્યાનમાં લેવી પડે છે. ક્યારેક વદ ત્રીજ તિથિ પંચાંગમાં સવારે થોડા કલાક પછી, બપોરે કે સાંજે સૂર્યાસ્ત સમયે સમાપ્ત થતી હોય છે. આવા સમયે બીજા દિવસે પંચાંગમાં ચોથ તિથિ પણ સાંજના સૂર્યાસ્ત પહેલાં સમાપ્ત થઈ જાય તે સ્વાભાવિક છે. આથી ચંદ્ર ઉદય સમયે ચોથ તિથિ હોય ત્યારે જ સંકષ્ટ ચતુર્થી ગણવાની થતી હોવાથી વદ ત્રીજના દિવસે સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવાનું હોય છે.

આમ અમુક સંજોગોમાં સુદ ચૌદશની સાંજે પૂર્ણિમાનો પૂર્ણ ચંદ્ર ઉદય પામતો હોય છે તેને વ્રતની પૂનમ કહે છે. ઉદયાત પૂનમ બીજે દિવસે હોય છે. આમ અમુક સંજોગોમાં સંકષ્ટ ચતુર્થી વદ ત્રીજના રોજ આવી શકે છે. પંચાંગમાં ચોથ તિથિએ ચંદ્રોદય થાય તેને મહત્ત્વ અપાય છે. એક ચાંદ્ર વર્ષમાં 12 સંકષ્ટ ચતુર્થી આવે છે. અધિકમાસ હોય ત્યારે 13 સંકષ્ટ ચતુર્થીનો લાભ મળે છે.

સંકષ્ટ ચતુર્થી પર શું કરશો?

પ્રાતઃકાળે ઊઠી પ્રાતઃકર્મો પતાવી દેવસેવા, ગણેશસેવા કરી લેવી. ગણેશજીનાં 21 નામનો જાપ 21 વખત કરવો. ગણેશઅથર્વશીર્ષનો પાઠ કરવો. ૐ ગં ગણપતયૈ નમઃ મહામંત્રની સાત માળા કરવી. તેમને મોદકનો પ્રસાદ ધરાવવો, ગોળ ઘી પણ ધરાવી શકાય. આમ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે.

જો કોઈ ગણેશ ભક્ત સુદ તથા વદમાં આવતી બંને ચોથ કરે, નિયમિત જીવન જીવે, ભક્તિથી તેમના સ્તવન ગાય તો ગણેશજી જે તે ભક્ત ઉપર ખૂબ પ્રસન્ન રહે છે. તેનાં વિઘ્ન દૂર કરે છે. ગણેશ ભક્તો પર બહુધા સંકટ આવતાં નથી. જો આવે તો ગણેશજી કૃપાથી તે સંકટ ભાગી જાય છે. કારણ કે ગણેશજીનું નામ જ વિઘ્નહર્તા છે.

જો કોઈ ગણેશ ભક્ત દરરોજ અથવા પ્રત્યેક ચોથના દિવસે ગણેશજીને લાલ દાડમ ધરાવે તો ગણેશજી રાજીના રેડ થઈ જાય છે. તેઓ ખૂબ દયાળુ છે. તેમનામાં મા પાર્વતી તથા ભોળા મહાદેવ શિવજીના ગુણ ઠાંસી ઠાંસીને ભરેલા છે. તેથી તેઓ તેમના ભક્તો પર સંકટ આવવા દેતા નથી.