અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશીઓને હાંકી મૂકવા ટ્રમ્પની ધમકી

અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશીઓને હાંકી મૂકવા ટ્રમ્પની ધમકી

અમેરિકાનાં પ્રમુખપદની ચૂંટણી માટે પુનઃ ઉમેદવારી નોંધાવવાની જાહેરાતની પૂર્વસંધ્યાએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા કરોડો લોકોને હાંકી કાઢવાની ધમકી ઉચ્ચારી છે. શ્રોણીબદ્ધ ટ્વિટમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકાનો ઇમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટ વિભાગ અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા અને ગેરકાયદેસર રહેતા તમામ વિદેશીઓને દેશનિકાલ કરવાની પ્રક્રિયા આગામી સપ્તાહથી શરૂ કરશે. તેઓ જેવા ઝડપાશે કે તેમને દેશમાંથી હાંકી કાઢવામાં આવશે.

ટ્રમ્પ વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, અદાલતો દ્વારા દેશનિકાલના અંતિમ આદેશો અપાયાં હોવા છતાં અમેરિકામાં વસવાટ કરી રહેલા 10 લાખથી વધુ લોકોને હાંકી કાઢવા પર સૌપ્રથમ ધ્યાન કેન્દ્રિત કરાશે.

અમેરિકાની કાયદા એજન્સીઓ દ્વારા આ પ્રકારના દરોડાની સામાન્ય રીતે જાહેરાત કરાતી નથી. ટ્રમ્પ સરકારના કેટલાક અધિકારીઓ એમ માને છે કે જો આ પ્રકારે દરોડા પાડીને સામૂહિક ધરપકડો કરવામાં આવે તો તેની ધારી અસરો થશે. જે લોકો અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવા અને વસવાટ કરવા માગે છે તેમને આકરો સંદેશો પાઠવી શકાશે.

ડોનાલ્ડ ટ્રમ્પે દેશની દક્ષિણ સરહદેથી મધ્ય અમેરિકન સ્થળાંતરીઓના પ્રવાહને ખાળવા ઘણા પ્રયાસ કર્યાં છે. તેમણે હવે શ્રોણીબદ્ધ આકરાં પગલાંની ધમકી ઉચ્ચારી છે. તાજેતરમાં જ ટ્ર્મ્પે મેક્સિકોને જકાત લાદવાની ધમકી આપી હતી.

2016ના ચૂંટણી પ્રચારમાં પણ ટ્રમ્પે ગેરકાયદેસર વસાહતીઓનો મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. 2020માં ટ્રમ્પ પ્રમુખપદની ઉમેદવારી કરવા જઈ રહ્યાં છે ત્યારે ફરી એકવાર ગેરકાયદેસર વસાહતીઓ પર ગાજ પડે તેવી સંભાવના છે.

અમેરિકી કામદારોને સંરક્ષણ આપવા ગ્રીનકાર્ડ પરની મર્યાદા હટાવવા માટેનો સુધારા ખરડો રજૂ

રોજગાર આધારિત ગ્રીનકાર્ડ મેળવવા દાયકાઓથી રાહ જોઈ રહેલા અને અમેરિકી કામદારોને સંરક્ષણ આપવાના હેતુથી ગ્રીનકાર્ડ પરની મર્યાદા હટાવવા માટેનો સુધારા ખરડો અમેરિકી સંસદમાં રજૂ કરાયો છે. ખરડામાં રજૂ કરાયેલા સુધારા અનુસાર અમેરિકામાં એચ-વનબી વિઝાધારક કામદારોને સ્પોન્સર કરતા નોકરીદાતાએ જોબ અંગેની વિવિધ માહિતી જેમ કે નોકરીનો હોદ્દો, જરૂરી શૈક્ષણિક લાયકાત,સ્થળ વગેરેને ઓછામાં ઓછા 30 દિવસ ઓનલાઇન પ્રસિદ્ધ કરવા પડશે. તે ઉપરાંત લેબર કન્ડિશન એપ્લિકેશન માટે અરજી ફી લાગુ કરવાની પણ માગ કરવામાં આવી છે.