પશ્ચિમ બંગાળમાં અમિત શાહની પરિવર્તન યાત્રા : જય શ્રીરામનો સૂત્રોચ્ચાર અહીં નહીં તો શું પાક.માં કરાશે? : અમિત શાહ

પશ્ચિમ બંગાળમાં અમિત શાહની પરિવર્તન યાત્રા : જય શ્રીરામનો સૂત્રોચ્ચાર અહીં નહીં તો શું પાક.માં કરાશે? : અમિત શાહ

ગૃહમંત્રી શાહે કહ્યું – કોરોના વેક્સિનેશન પૂરું થયા બાદ સીએએ લાગુ કરાશે

આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે પશ્ચિમ બંગાળમાં આયોજિત જુદા જુદા કાર્યક્રમોમાં સામેલ થયા હતા. શાહે કૂચબિહારથી ભાજપની ચોથી પરિવર્તન યાત્રા રવાના કરી હતી. અહીં રેલીને સંબોધતાં શાહે કહ્યું કે બંગાળ ચૂંટણી મોદીના વિકાસ મૉડલ અને મમતાના વિનાશ મૉડલ વચ્ચેની લડાઈ છે.

ભાજપની પરિવર્તન યાત્રા રાજ્યમાં મુખ્યમંત્રી, મંત્રી કે ધારાસભ્ય બદલવા નહીં પણ રાજ્યની સ્થિતિ બદલવા માટે છે. મમતા જય શ્રીરામ બોલતા ખચકાય છે. જો જય શ્રીરામ અહીં નહીં બોલાય તો શું પાકિસ્તાનમાં બોલાશે. આ મમતા દીદીને અપમાન લાગે છે કેમ કે તેમને તુષ્ટીકરણના માધ્યમથી એક સમાજના વૉટ જોઈએ છે. હું ગેરન્ટી આપું છું કે ચૂંટણી સમાપ્ત થતા સુધીમાં મમતા દીદી જય શ્રીરામ બોલવા લાગશે. આ વખતે પરિવર્તન યાત્રા ફોઈ-ભત્રીજા(મમતા અને અભિષેક)ના ભ્રષ્ટાચારને ડામવા માટે છે.

મતુઆ સમુદાયના ગઢ ઠાકુરનગરમાં શાહની રેલી
અમિત શાહે ઠાકુરનગરમાં પણ એક રેલી સંબોધી હતી. રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ઠાકુરનગર આ વખતે બંગાળના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ મનાય છે. આ મતુઆ સમુદાયનો ગઢ મનાય છે. તે બાંગ્લાદેશની સરહદથી ફક્ત 15 કિલોમીટરના અંતરે જ છે.

જો શાહ અહીંથી ચૂંટણી લડીને જીતે તો તેમને ગૃહમંત્રી બનાવી દઇશ : મમતા

જો અમિત શાહ અહીંથી ચૂંટણી લડીને જીતી જાય તો તેમને બંગાળના મુખ્યમંત્રી બનાવી દઇશ. અમે કોઈ ભારતીયને બહારના નથી કહેતા પણ જે બહારથી ગુંડાગર્દી કરવા આવે છે તેમને અમે ‘બાહરી’ કહીએ છીએ. અમારે ત્યાં કોઇને કોઈ તકલીફ નથી. અમે બહારથી આવીને કોઈને રાજ્યને લૂંટવા નહીં દઈએ. બંગાળની વ્યક્તિ જ બંગાળને કન્ટ્રોલ કરશે. – મમતા બેનરજી, મુખ્યમંત્રી, પ.બંગાળ

90 બેઠકો પર શરણાર્થી નિર્ણાયક
વિભાજનથી લઈને અત્યાર સુધી બંગાળમાં ચૂંટણીમાં જીત-હારમાં શરણાર્થી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા રહ્યા છે. ગુરુવારે શાહની રેલીમાં મોટી સંખ્યામાં મતુઆ સમુદાયના લોકો જોડાયા હતા. 2011ની વસતીગણતરી મુજબ બંગાળમાં અનુસૂચિત જાતિની વસતી 1.84 કરોડ છે. જેમાં મતુઆ સમુદાયની હિસ્સેદારી 50%થી વધુ છે. ઉત્તર, દક્ષિણ 24 પરગણા, નદિયા જિલ્લાની છ લોકસભા બેઠક પર તેની ભૂમિકા નિર્ણાયક છે. હવે તેમની વસતી 1 કરોડથી વધુ થવાનો અંદાજ છે. જે 294 વિધાનસભા બેઠકોમાંથી 90 બેઠક પર દખલ કરી શકે છે.

પશ્ચિમ બંગાળમાં વૉટનું ગણિત
પ.બંગાળમાં 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 17 ટકા વૉટ સાથે કુલ 2 બેઠક મળી હતી પણ 2019માં ભાજપને 40.2% વૉટ અને 18 બેઠક મળી. જ્યારે ટીએમસીને 2014માં 39.7% વૉટ અને 34 બેઠક મળી પણ 2019માં તૃણમૂલને 12 બેઠકોનું નુકસાન થયું અને 22 બેઠક મળી. જોકે તેનો વૉટ શેર વધી 43.3% થઈ ગયો. 2016ની વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીએ 211 બેઠક જીતી અને તેનો વૉટશેર 44.91 ટકા હતો. જ્યારે ભાજપને ફક્ત ત્રણ બેઠક અને 10.16% વૉટ મળ્યા.

( Source – Divyabhaskar )