ગુજરાત હાઇકોર્ટની હીરક જયંતી મહોત્સવ : જૂના મિત્રોના ચહેરા સ્ક્રીન પર જોયા, અનેક વડીલોને અહીં જોઇને મને બહુ આનંદ થયો

ગુજરાત હાઇકોર્ટની હીરક જયંતી મહોત્સવ : જૂના મિત્રોના ચહેરા સ્ક્રીન પર જોયા, અનેક વડીલોને અહીં જોઇને મને બહુ આનંદ થયો

ગુજરાત હાઇકોર્ટે કોરોનાકાળમાં જે રીતે ઓનલાઇન કામ કર્યુ તે કાબિલેદાદ : મોદી

ગુજરાત હાઈકોર્ટને ડાયમંડ જ્યુબિલી અવસરે અભિનંદન. ગુજરાત હાઈકોર્ટે સત્ય અને ન્યાય સાથે જે રીતે કામ કર્યું છે તેથી ભારતીય ન્યાયિક વ્યવસ્થા અને લોકશાહી મજબૂત થઈ છે. જ્યુડિશિયરી અને સરકારની જવાબદારી છે કે લોકશાહીમાં સાથે મળીને વર્લ્ડક્લાસ જ્યુડિશિયરી સિસ્ટમ ઊભી કરે. ગુજરાત હાઈકોર્ટે જે રીતે લૉકડાઉનમાં વીડિયો કોન્ફરન્સ, એસએમએસ, કોલઆઉટ, કેસની ઈફાઈલિંગની સુવિધા શરૂ કરી, કોર્ટરૂમનું યુટ્યૂબ પર સ્ક્રીનિંગ શરૂ કર્યું, જજમેન્ટ અને ઓર્ડર વેબસાઈટ પર મૂક્યા તે બતાવે છે કે આપણી જસ્ટિસ સિસ્ટમ કેટલીક એડપ્ટિવ અને અપગ્રેડેડ છે.

ગુજરાત પહેલું રાજ્ય જેણે ઇવનિંગ કોર્ટ શરૂ કરી
ગુજરાત હાઈકોર્ટ કોરોનાકાળમાં પેન્ડિંગ કેસનું લાઈવ સ્ટ્રિમિંગ કરનાર દેશની પ્રથમ કોર્ટ છે. ઓપન કોર્ટની વાતને પણ ગુજરાત હાઈકોર્ટે સાકાર કરી છે. દેશની 18 હજારથી વધુ કોર્ટ કોમ્પ્યુટરાઈઝ્ડ બની છે. તમામ અદાલતોમાં ઈપ્રોસિડિંગમાં તેજી આવી છે. સુપ્રીમકોર્ટ દુનિયામાં વીડિયો કોન્ફરન્સથી સુનાવણી કરનાર પહેલી કોર્ટ બની છે. વિદેશી રોકાણકારોનો ભરોસો વધ્યો છે કે તેમના ન્યાયિક અધિકાર ભારતમાં સુરક્ષિત રહેશે. ગુજરાત પહેલું એવું રાજ્ય હતું કે જેણે ઈવનિંગ કોર્ટની પરંપરા શરૂ કરી હતી. અનેક ઈનિશિયેટિવ લીધા હતા. – નરેન્દ્ર મોદી, વડાપ્રધાન

ગુજરાત હાઇકોર્ટને 60 વર્ષ પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સથી પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ સહિત સિટિંગ અને નિવૃત્ત જજીસ હાજર રહ્યા હતા. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે આ પ્રસંગે એવું વકતવ્ય આપ્યંુ હતું કે, આજે ન્યાયનો મંચ છે અને ગુજરાતનો સંદર્ભ છે તો હું એમ કહીશ કે ગુજરાતના લોકપ્રિય નરેન્દ્ર મોદી ન્યાય નિષ્ઠાનું ઉદાહરણ છે. તેમણે માત્ર રાષ્ટ્ર જ નહીં સમગ્ર વિશ્વની સુરક્ષાનો સંકલ્પ ચરિતાર્થ કર્યો છે. જો નેતૃત્વ ન્યાયવાન હોય તો તેમના દળની પ્રતિભાઓને તેમાંથી પ્રેરણા મળે છે. તેમણે ગુજરાત હાઇકોર્ટના જજીસનો ફાળો અને જયુડીશ્યરી વિભાગે આપેલ યોગદાનની પ્રશંસા કરી હતી.

​​​​​​​સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર શાહે આ પ્રસંગે વકતવ્ય આપતા જણાવ્યુ હતુ કે,ગુજરાત હાઇકોર્ટની સ્ટેમ્પ બહાર પાડવાના પ્રસંગે મને ગર્વ થાય છે કે હું, વાયબ્રન્ટ, પ્રેમાળ,લોકપ્રિય અને દુરંદેશી વડાપ્રધાનની સાથે આ પ્રસંગે હાજર છું. તમારા કારણે ગુજરાત હાઇકોર્ટની સ્ટેમ્પ બહાર પડી રહી છે તેના માટે હાઇકોર્ટના જજીસ અને તમામ સ્ટાફ તમારા આભારી છે. કટોકટીના સમયમાં પણ ગુજરાત હાઇકોર્ટના જજીસે હંમેશા માનવ અધિકારોનું રક્ષણ કર્યુ છે. આપણા દેશમાં ગુજરાત હાઇકોર્ટે કોર્ટ કાર્યવાહીનું સૌથી પહેલા જીવંત પ્રસારણ શરૂ કર્યુ છે. ગુજરાત હાઇકોર્ટ હંમેશા સ્વતંત્ર ન્યાયપ્રણાલી અને માનવ અધિકારીઓના રક્ષણ માટે ખડે પગે રહી છે.

( Source – Divyabhaskar )