H-1B વિઝાનું ભારતીયો 9 માર્ચથી કરાવી શકશે રજિસ્ટ્રેશન, 31 માર્ચ સુધીમાં લોટરીથી આવશે રિઝલ્ટ

H-1B વિઝાનું ભારતીયો 9 માર્ચથી કરાવી શકશે રજિસ્ટ્રેશન, 31 માર્ચ સુધીમાં લોટરીથી આવશે રિઝલ્ટ

અગાઉ ટ્રમ્પ શાસને પરંપરાગત લોટરી પદ્ધતિથી H-1B વિઝા જારી કરવાનું બંધ કર્યુ હતું

ભારતીય પ્રોફેશનલ્સ માટે અમેરિકામાં નોકરીનો માર્ગ ખોલનારા H-1B વિઝાનું રજિસ્ટ્રેશન 9 માર્ચથી શરૂ થવા જઈ રહ્યું છે. લોટરીના ડ્રો દ્વારા સફળ અરજદારોની પસંદગી કરીને તેમને 31 માર્ચ સુધીમાં જાણકારી આપવામાં આવશે. આ માહિતી અમેરિકન શાસને આપી હતી.

અમેરિકન સિટિઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિઝ (USCIC)એ આ નોટિફિકેશન જારી કર્યુ છે. અમેરિકન શાસને એક દિવસ અગાઉ જ વિદેશી પ્રોફેશનલ્સને કામ માટે વિઝા જારી કરવાની પરંપરાગત લોટરી વ્યવસ્થાને યથાવત્ રાખવાનું એલાન કર્યુ હતું.

USCICએ એલાન કર્યુ હતું કે નાણાકીય વર્ષ 2022ના H-1B વિઝા માટે રજિસ્ટ્રેશન 9 માર્ચે બપોરથી શરૂ થશે. 25 માર્ચ બપોર સુધી આ કાર્યક્રમ ચાલશે. H-1B વિઝા અમેરિકન કંપનીઓને વિશેષજ્ઞતા ધરાવતા પ્રોફેશનલ્સને જોબ પર રાખવાની અનુમતિ આપે છે. આઈટી કંપનીઓ આ વિઝા પર વધુ નિર્ભર રહે છે.

દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારોની સંખ્યામાં કર્મચારીઓને આના દ્વારા અમેરિકામાં નોકરી મળે છે. ફેડરલ એજન્સીએ કહ્યું હતું કે જો તેને 25 માર્ચ સુધીમાં પૂરતી સંખ્યામાં રજિસ્ટ્રેશન પ્રાપ્ત થઈ જશે તો કોઈ ક્રમ વિના રજિસ્ટ્રેશનની પસંદગી પામેલા લોકોની જાણકારી 31 માર્ચ સુધીમાં આપશે. અમેરિકા દર વર્ષે જેટલા H-1B વિઝા જારી કરે છે, તેમાંથી 70 ટકા સુધી આઈટી પ્રોફેશનલ્સને મળે છે.

USCIC એક વર્ષમાં 65000 H-1B વિઝા જારી કરી શકે
USCIC દર વર્ષે 65000 H-1B વિઝા જારી કરી શકે છે. જો કે, તે અન્ય 20000 H-1B વિઝા વિદેશી સ્ટુડન્ટ્સ માટે પણ જારી કરી શકે છે જેમણે અમેરિકન યુનિવર્સિટીમાંથી સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ (STEM) વિષયો સાથે ઉચ્ચ અભ્યાસ પૂરો કર્યો હોય.

1 ઓક્ટોબરથી સફળ અરજદારો નવી જોબ મેળવશે
USCIC દ્વારા H-1B વિઝા માટે પસંદ થયેલા લોકો અમેરિકન નાણાકીય વર્ષના પ્રારંભે એટલે કે 1 ઓક્ટોબરથી પોતાની નવી જોબ શરૂ કરી શકશે. દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારો કર્મચારીઓને આ વિઝાના આધારે આઈટી કંપનીઓ દ્વારા હાયર કરવામાં આવતા હોય છે.

ટ્રમ્પે લોટરી પદ્ધતિથી વિઝા જારી કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો
અગાઉ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઇન્ફર્મેશન ટેક્નોલોજીક્ષેત્રે કામ કરતા વિદેશી પ્રોફેશનલ્સને એચ-1બી વિઝા આપવા માટેની કમ્પ્યુટરાઇઝ્ડ લોટરી સિસ્ટમ સમાપ્ત કરીને એની જગ્યાએ વેતન આધારિત પસંદગી પ્રક્રિયા અપનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે અમેરિકન કોર્ટે ટ્રમ્પના આ નિર્ણયને રદ કર્યો છે.

( Source – Divyabhaskar )