ચર્ચામાં જેફ બેઝોસ : બેઝોસ દર સેકન્ડે 1.81 લાખ રૂ. કમાય છે, ચંદ્ર પર કોલોની વસાવવા ઇચ્છે છે

ચર્ચામાં જેફ બેઝોસ : બેઝોસ દર સેકન્ડે 1.81 લાખ રૂ. કમાય છે, ચંદ્ર પર કોલોની વસાવવા ઇચ્છે છે

  • કેમ કે એમેઝોનના સીઇઓનું પદ છોડીને કાર્યકારી અધ્યક્ષ બની રહ્યા છે
  • બેઝોસ બહુ હસે છે, તેમના હાસ્યના ઘણાં કિસ્સા છે. બેઝોસ કહે છે કે તેઓ બહુ હસતા હોવાથી લોકો તેમની સાથે ફિલ્મો પણ નથી જોતા.
  • જન્મ- 12 જાન્યુ. 1964 (ન્યૂ મેક્સિકો)
  • શિક્ષણ- કમ્પ્યૂટર સાયન્સ અને ઇલેક્ટ્રિકલ એન્જિ.માં ગ્રેજ્યુએટ (પ્રિન્સ્ટન યુનિવર્સિટી અમેરિકા)
  • સંપત્તિ- 14.11 લાખ કરોડ રૂ. (ફોર્બ્સની રિયલ ટાઇમ નેટવર્થ)
  • પરિવાર- લોરેન સાન્ચેઝ (પ્રેમિકા), મેકેન્ઝી (પૂર્વ પત્ની), 3 પુત્ર અને 1 દત્તક પુત્રી

વિશ્વના સૌથી ધનિક શખસ 57 વર્ષના જેફ બેઝોસ હવે અેમેઝોનમાં પોતાની ભૂમિકા બદલી રહ્યા છે. તેમણે મંગળવારે જાહેર કર્યું કે તેઓ સીઇઓનું પદ છોડીને કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સંભાળશે. 25 વર્ષથી સીઇઓ બેઝોસ સ્પેસ પ્રોગ્રામ અંગેની તેમની કંપની બ્લૂ ઓરિજિન, અર્થ ફંડ અને ધ વૉશિંગ્ટન પોસ્ટ અખબાર પર ધ્યાન આપવા માગે છે. બિઝનેસ ઇનસાઇડર મુજબ, બેઝોસ વર્ષ 2020માં દર સેકન્ડે 1.81 લાખ રૂ. કમાયા. તેમને ઓળખતા લોકોનું માનવું છે કે તેઓ હંમેશા સમયથી આગળ રહ્યા.

1982માં હાઇ સ્કૂલમાં બેઝોસે કહ્યું હતું, ‘પૃથ્વી સીમિત છે, જો વિશ્વની વસતી અને અર્થતંત્ર સતત વધતા રહ્યા તો અવકાશમાં જવું જ એકમાત્ર રસ્તો બચશે.’ બેઝોસે વર્ષ 2000માં બેઝોસે બ્લૂ ઓરિજિનની સ્થાપના કરી હતી. તેના બે વર્ષ બાદ ઇલોન મસ્કે સ્પેસએક્સની સ્થાપના કરી પણ આટલા વર્ષોમાં બ્લૂ ઓરિજિન કંઇ ખાસ નથી કરી શકી. કહેવાય છે કે અવકાશમાં શક્યતાઓને ધ્યાનમાં રાખીને બેઝોસ તે તરફ ધ્યાન આપી રહ્યા છે. બ્લૂ ઓરિજિન આ વર્ષે એપ્રિલથી પર્યટકોને અવકાશમાં મોકલવાનું શરૂ કરી રહી છે. બેઝોસ ચંદ્ર પર કોલોની વસાવવા ઇચ્છે છે.

આવી છે દિનચર્યા – સવારે વહેલા ઊઠે છે, પહેલી મીટિંગનો સમય 10 વાગ્યે
2018માં ધ ઇકોનોમિક ક્લબ ઑફ વોશિંગ્ટન ડીસીમાં ઇન્ટરવ્યૂ દરમિયાન બેઝોસે તેમની દિનચર્યા જણાવી હતી. તેઓ રાત્રે વહેલા સૂઇ જાય છે, જેથી સવારે વહેલા ઊઠી શકે. કામમાં સ્ફૂર્તિ જાળવી રાખવા 8 કલાકની ઊંઘ બાબતે ક્યારેય બાંધછોડ નથી કરતા. તેઓ સવાર આરામથી ગાળે છે. નિરાંતે કોફી પીતાં પીતાં અખબાર વાંચે છે, બાળકો સાથે નાસ્તો કરે છે. બેઝોસ તેમની પહેલી મીટિંગ 10 વાગ્યે રાખે છે. હાઇ આઇક્યુવાળી મીટિંગ લંચ પહેલાં પૂરી કરી લે છે. લંચ પછી હળવી મીટિંગ્સ જ રાખે છે. સાંજે કોઇ અગત્યની મીટિંગ હોય તો તે બીજા દિવસે સવારે 10 વાગ્યે રાખી લે છે.

આ રીતે શરૂઆત કરી – 20 પ્રોડક્ટનો અભ્યાસ કર્યો, એમેઝોન નદી પરથી નામ રાખ્યું
બેઝોસ વૉલ સ્ટ્રીટમાં ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ડીઇ શૉ એન્ડ કંપનીમાં રહ્યા, 8 વર્ષમાં ત્યાં વાઇસ પ્રેસિડેન્ટ બની ગયા. 1994માં ઇ-કોમર્સ નહોતું. બેઝોસે એવી 20 પ્રોડક્ટની યાદી બનાવી કે જેમનું માર્કેટ સારું હતું પણ તે ઓનલાઇન નહોતી. બુક્સનો વેપાર સમજવા તેઓ અમેરિકન બુકસેલર કન્વેન્શનમાં ગયા. પછી એક દિવસ તેમના બૉસને ઓનલાઇન બુક સ્ટોર ખોલવાનો આઇડિયા સંભળાવ્યો. નોકરી છોડી 5 જુલાઇ, 1994ના રોજ પિતાના ગેરેજમાંથી અમેઝોનની શરૂઆત કરી. શરૂમાં કેડબ્રા નામ રાખ્યું. તેઓ ઇચ્છતા હતા કે તેમના બિઝનેસના નામમાં પણ વિશાળતા દેખાય. તેથી નામ બદલીને એમેઝોન નદીના નામ પરથી એમેઝોન રાખી લીધું.

આવા બૉસ છે બેઝોસ – પ્રેઝન્ટેશન નહીં, કર્મચારીના રીઝનિંગની ચકાસણી કરે છે
બેઝોસે મીટિંગ્સમાં પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન પર પ્રતિબંધ લાદેલો છે. મીટિંગની શરૂની 30 મિનિટ બધા રિલેટેડ ડોક્યુમેન્ટ્સ વાંચે છે. તેઓ કહે છે કે આનાથી સાર્થક ચર્ચા થાય છે. બેઝોસ ઇચ્છતા હતા કે કંપનીમાં જોડાતી દરેક વ્યક્તિમાં સ્ફૂર્તિ હોવી જોઇએ. તેથી કર્મચારીઓનું રીઝનિંગ ચકાસવા સેટ સ્કોર ચેક કરતા. એમેઝોનની કોર વેલ્યૂમાં ગ્રાહકોને તેમણે સર્વોપરી રાખ્યા. બેઝોસ તેમનું ઇમેલ આઇડી jeff@amazon.com સાર્વજનિક રાખે છે. ગ્રાહકોની ફરિયાદોના મોટાભાગના મેલ વાંચીને જે-તે વિભાગને મોકલે છે. સિએટલની ઓફિસમાં મીટિંગ દરમિયાન એક ખુરશી ગ્રાહક માટે ખાલી છોડે છે.

આ રીતે બિઝનેસ કરે છે – 20 વર્ષ પહેલાં ફેલ પ્રોડક્ટ આજે સૌથી સફળ થઈ છે
અેમેઝોનને બેઝોસ લેબ કહેતા, જ્યાં ગ્રાહકોના વર્તન સંબંધી પ્રયોગો થતા. દરેક ગ્રાહકનું વર્તન રેકોર્ડ અને ટ્રેક કરાતું. તેમના વર્તનના અભ્યાસ માટે વિજ્ઞાની એન્ડ્રિયાસ વેગન્ડને હાયર કર્યા. એમેઝોન ત્યારે શેરમાર્કેટમાં લિસ્ટેડ થઇ તો રોકાણકારોને લખ્યું કે લાંબાગાળે નફો કરશો. બેઝોસે હરીફોને ખતમ કરવામાં અઢળક નાણાં ખર્ચ્યા, જેના કારણે કંપની લાંબો સમય ખોટમાં રહી. એમેઝોને 20 વર્ષ પૂર્વે ‘ફાયર’ નામથી ફોન લૉન્ચ કર્યો હતો. વોઇસ આસિસ્ટન્ટ અને 4 કેમેરા સાથેનો તે ફોન ફેલ ગયો હતો પણ તે જ વોઇસ આસિસ્ટન્ટ ટેક્નિકથી તૈયાર એલેક્સા આજે એમેઝોનની સૌથી સફળ પ્રોડક્ટ્સ પૈકી એક છે.

( Source – Divyabhaskar )