AMCનો સરવે : કોરોના માલેતુજારોનો રોગ, હોસ્પિટલમાં દાખલ 55% દર્દીની માસિક આવક 50 હજારથી વધુ, શ્રમિક વિસ્તારોમાં કેસ ઓછા

AMCનો સરવે : કોરોના માલેતુજારોનો રોગ, હોસ્પિટલમાં દાખલ 55% દર્દીની માસિક આવક 50 હજારથી વધુ, શ્રમિક વિસ્તારોમાં કેસ ઓછા

  • પૂર્વ અમદાવાદ કરતા પશ્ચિમમાં કેસ વધ્યા, પોશ વિસ્તારોમાં ઉચ્ચ વર્ગે નિયમોનું પાલન નહીં કરતા સંક્રમણ વધ્યું
  • નવરંગપુરામાં 7.8% જ્યારે કડિયા નાકાઓ પર 1.4 % પોઝિટિવ કેસ મળ્યા
  • બોપલ, સિંધુ ભવન, SG હાઇવે પર સોશિયલ ડિસ્ટન્સિંગનો સૌથી વધુ ભંગ

અમદાવાદમાં કોરોના હવે ધનપતિઓનો રોગ બની રહ્યો છે! છેલ્લાં કેટલાક સપ્તાહમાં શહેરમાં પૂર્વ વિસ્તાર કરતાં પોશ ગણાતા પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસોનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં જ કરવામાં આવેલા સરવેમાં આ તારણો બહાર આવ્યા છે.

શહેરમાં કડિયાનાકા કે જ્યાં સામાન્ય આવકવાળા લોકો જ્યાં એકઠા થાય છે, તેના કરતાં નવરંગપુરા જેવા પોશ વિસ્તારમાં કોરોનાના કેસોનું પ્રમાણ પાંચ ગણું વધુ હોવાનું બહાર આવ્યું છે. ટ્રેનની મુસાફરી કરનારાના ચેકિંગમાં પણ ઉચ્ચ વર્ગના લોકો જે ટ્રેનમાં સૌથી વધુ મુસાફરી કરે છે એ રાજધાની એક્સપ્રેસમાં કોરોના પોઝિટિવનું પ્રમાણ અનેકગણું વધુ જોવા મળ્યું છે. જે મોટાભાગના અમદાવાદના જ મુસાફરો હતા. આ જોતાં હવે કોરોના સમાજના ઉપલા વર્ગમાં વધુ ફેલાઈ રહ્યો હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

એએમસી દ્વારા છેલ્લા કેટલાક સપ્તાહથી તમામ વોર્ડમાં આક્રમક ઢબે ટેસ્ટિંંગ શરૂ કરાયું છે. જેમાં પૂર્વ અમદાવાદના જમાલપુર, ખાડિયા, ગોમતીપુર, નરોડા અને ઓઢવ જેવા વિસ્તારોની સરખામણીમાં પશ્ચિમના પોશ ગણાતા જોધપુર, બોપલ, બોડકદેવ, ચાંદખેડા, સાબરમતી, પાલડી, નવરંગપુરામાં વધારે પોઝિટિવ કેસો નોંધાયા છે. કોરોના પોઝિટિવ દર્દીઓનો આર્થિક દરજ્જો ચકાસવા માટે 44 ખાનગી હૉસ્પિટલોમાં પણ સરવે કરાયો હતો. શહેરની સીમ્સ, શેલ્બી, સાલ, કિડની હેલ્થ, આનંદ સર્જિકલ હૉસ્પિટલમાં અંદાજે 1,550 કોરોના દર્દીઓને સરવેમાં આવરી લેવાયા હતા. જેના તારણ મુજબ 55% દર્દીઓની માસિક આવક 50 હજાર રૂપિયા કરતા વધારે હતી.

અમદાવાદથી ઉપડતી ટ્રેનોમાં કોરોના ટેસ્ટિંગ.

એએમસીએ કાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડતી ચાર ટ્રેનોના તમામ પેસેન્જરનું ટેસ્ટીંગ કર્યું હતું. 23 દિવસ સુધી સતત આ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ચારે ટ્રેનોના 37,867 પેસેન્જરોનો ટેસ્ટ કરાયો હતો. જેમાંથી 532 પોઝિટિવ મળ્યા હતા. રસપ્રદ તારણ એ છે કે ટ્રેનોમાંથી મળેલા કુલ પોઝિટિવમાંથી 317 (60 %) માત્ર રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં નોંધાયા હતા. રાજધાની એક્સપ્રેસમાં મોટેભાગે ઉચ્ચ વર્ગના લોકો પ્રવાસ કરવાનું પસંદ કરે છે.

સરવેનાં રસપ્રદ તારણો: ટ્રેનોમાં થયેલા ટેસ્ટમાં 60% પોઝિટિવ માત્ર રાજધાની એક્સપ્રેસમાં

  • પૂર્વ કરતાં પશ્ચિમમાં કોરોનાનો ફેલાવો વધારે: પૂર્વ અમદાવાદના જમાલપુર, ખાડિયા, ગોમતીપુર, નરોડા અને ઓઢવ જેવા વિસ્તારોની સરખામણીમાં પશ્ચિમના પોશ ગણાતા જોધપુર, બોપલ, બોડકદેવ, ચાંદખેડા, સાબરમતી, પાલડી, નવરંગપુરામાં વધારે પોઝિટિવ કેસ.
  • શ્રમિકો કરતાં ધનિકોમાં પાંચ ગણા વધારે પોઝિટિવ: એએમસી દ્વારા શહેરના 47 કડિયાનાકાઓમાં 2,886 ટેસ્ટ કરાયા હતા જેમાંથી માત્ર 40 (1.4 %) પોઝિટિવ કેસ મળ્યા હતા. જ્યારે પશ્ચિમ ઝોનમાં આવેલા અને બિઝનેસ હબ ગણાતા પોશ વિસ્તાર નવરંગપુરામાં 395 સેમ્પલમાંથી 31 પોઝિટિવ (7.8%) કેસ નોંધાયા હતા.
  • 55% કોરોના દર્દીઓની આવક 50,000થી વધુ: શહેરની 44 ખાનગી હૉસ્પિટલોમાં 55 % કોરોના દર્દીઓની માસિક આવક 50 હજાર રૂપિયાથી વધારે.

પશ્ચિમ અમદાવાદમાં કેમ પોઝિટિવ કેસો વધ્યા?
એડિશનલ ચીફ સેક્રેટરી અને અમદાવાદમાં કોવિડ મહામારી પર નિયંત્રણ માટેની કામગીરીના ઇન્ચાર્જ ડૉ.રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે પશ્ચિમ અમદાવાદમાં લોકોની નિષ્કાળજી જવાબદાર છે. સિંધુભવન રોડ, પ્રહલાદનગર, રિંગ રોડ અને એસજી હાઇવે જેવા પોશ વિસ્તારોમાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈને સોશિયલ ડિસ્ટન્સિંગ તથા કોવિડ-19 ગાઇડલાઇનનો ભંગ કરી રહ્યાં હતાં. જેના કારણે આ વિસ્તારોમાં કોરોનાનો ફેલાવો વધ્યો છે.

( Source – Divyabhaskar )