60 ટકા લોકો માસ્ક ગળામાં લટકાવી માત્ર દેખાડો કરે છેઃ સુપ્રીમ

60 ટકા લોકો માસ્ક ગળામાં લટકાવી માત્ર દેખાડો કરે છેઃ સુપ્રીમ

સરકારોએ સમજવું પડશે કે કોરોનાની આ બીજી લહેર છે, આવું ચાલશે તો હાલત બગડશે

સુપ્રીમકોર્ટે દેશમાં કોરોનાના વધી રહેલા કેસો અંગે ચિંતા વ્યક્ત કરી. કહ્યું કે કેન્દ્ર સરકાર ગાઈડ લાઈન જાહેર કરી ચૂકી છે પરંતુ માત્ર તેમ કરવાથી કામ થશે નહીં. તેનો અમલ પણ જરૂરી છે. કેન્દ્ર સરકાર આ માટે લીડ લે. તે સુનિશ્ચિત કરે કે રાજ્ય સરકારો તેની ગાઈડ લાઈનનું પાલન કરે. સુપ્રીમકોર્ટના જસ્ટિસ અશોક ભૂષણ, સુભાષ રેડ્ડી અને એમ.આર. શાહની બેન્ચે કહ્યું કે સરકારે જે નવી એસઓપી જાહેર કરી છે તેને રેકોર્ડ પર મૂકવામાં આવી નથી.

નિયમોનું પાલન કરાવાની જવાબદારી રાજ્ય સરકારોની
કોરોના બેકાબૂ થઈ રહ્યો છે. મોટાભાગના લોકો માસ્ક બરાબર પહેરતા નથી. લગ્ન સમારંભ અને રાજકીય ઉજવણીમાં 60 ટકાથી વધુ લોકોએ માસ્ક પહેર્યો હોતો નથી. બાકીના જે લોકો પહેરે છે તે ગળામાં લટકાવેલો હોય છે. દેખાડો લાગે છે. સરકારે સમજવું પડશે કે આ સેકન્ડ વેવ છે અને જો આવું જ ચાલ્યું તો પરિસ્થિતિ વધુ બગડશે. જ્યાં સુધી વેક્સિન આવે નહીં ત્યાં સુધી નિયમોનું કડકાઈથી પાલન કરાવવાની જવાબદારી જે તે સરકારોની છે. આ માટે કડક પગલાં લેવાની જરૂર છે.

77% દર્દી દેશનાં 10 રાજ્યોનાઃ કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં એક સોગંદનામું દાખલ કરી કહ્યું કે દેશના 77% દર્દી 10 રાજ્યમાંથી આવી રહ્યાં છે. તેમાં મહારાષ્ટ્રનું યોગદાન સૌથી વધુ છે. ત્યાં દેશના 18.9% દર્દી નોંધાયા છે. આ ઉપરાંત કેરળના 14.7%, દિલ્હી 8.5%, પ.બંગાળ 5.7%, કર્ણાટક 5.7%, ઉત્તર પ્રદેશ 5.4%, રાજસ્થાન 5.5%, છત્તીસગઢ 5%, હરિયાણા 7% અને આંધ્ર 3.1%નો સમાવેશ થાય છે.