40 લાખનું સોનું પણ ના લલચાવી શક્યું આ ભારતીયને, ઈમાનદારી જોઇ UAE પોલીસે કર્યું સન્માન

40 લાખનું સોનું પણ ના લલચાવી શક્યું આ ભારતીયને, ઈમાનદારી જોઇ UAE પોલીસે કર્યું સન્માન

વતનથી બહાર વિદેશમાં વસતા ભારતીયો ભારતની ઓળખ ઉભી કરે છે. વિદેશ ધરતી પર ભારતીય ફક્ત પોતાને નહીં, પરંતુ એક આખા ભારતની છબિ ઘડતા હોય છે. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોને તેઓ દુનિયા સામે મુકીને એક ભારનું ગૌરવ વધારતા હોય છે. સંયુક્ત અરબમાં એક ભારતીયએ પોતાની પ્રામાણિકતાથી પોતાનું જ નહીં, દેશનું પણ માન અને ગૌરવ વધાર્યું છે.

40 લાખનું સોનું અને રોકડ પોલીસને સોંપી

સંયુક્ત અરબ અમિરાતમાં એક ભારતીય નાગરિકને યુએઈની પોલીસ દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. ભારતનાં નાગરિક રિતેશ જેમ્સ ગુપ્તાને યુએઈ પોલીસ દ્વારા એટલા માટે સન્માનિત કરવામાં આવ્યો કારણ કે તેણે રૂપિયા અને સોનાથી ભરેલી બેગ પરત કરી હતી. ગલ્ફ ન્યૂઝનાં જણાવ્યા અનુસાર, રિતેશને મળેલી બેગમાં મોટી રોકડ ઉપરાંત રૂ. 40,00,588ની કિંમતનું સોનું પણ હતું.

રિતેશ ગુપ્તાને પોલીસે એવોર્ડ આપ્યો

અલ કુસૈસ પોલીસ સ્ટેશનનાં ડાયરેક્ટર બ્રિગેડિયર યુસુફ અબ્દુલ સલીમ અલ અદીદીએ રિતેશ ગુપ્તાને પોલીસ સ્ટેશને બોલાવીને એવોર્ડ આપ્યો અને એ બાબત પર ભારપૂર્વક જણાવ્યું કે, પોલીસ અને સમાજ વચ્ચેનું જોડાણ ખૂબ મહત્વનું છે. રિતેશ ગુપ્તાએ એવોર્ડ આપવા બદલ પોલીસનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, પોલીસે મારું સન્માન કરીને જે ભાવના બતાવી છે તે મારા માટે ગૌરવ અને આનંદની વાત છે.

રિતેશની ચારેકોર પ્રશંસા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિતેશને 10,28,580 રૂપિયા અને સોનાથી ભરેલી બેગ ક્યાંક પડેલી મળી આવી હતી. દુબઈમાં રહેતા રિતેશે પોલીસને આ બેગ પરત કરી હતી. ત્યારબાદ પોલીસે તેની પ્રામાણિકતા બદલ રિતેશની પ્રશંસા કરી અને તેને જવાબદાર નાગરિક હોવાનું પ્રમાણપત્ર સોંપ્યું.