4 મેથી 17 મે સુધી લોકડાઉન / સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી બહાર નિકળી શકાશે

4 મેથી 17 મે સુધી લોકડાઉન / સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી બહાર નિકળી શકાશે

  • ઓરેન્જ ઝોનમાં ખાનગી ગાડીઓ અને કેબમાં પાછલી સીટ પર બે લોકો બેસી શકશે, ગ્રીન ઝોનમાં બસોમાં 50 ટકા મુસાફરોને પ્રવાસની મંજૂરી
  • ગ્રીન ઝોનમાં દારૂ, બીડી, પાન-ગુટખાની દુકાનો ખોલવામાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે મંજૂરી

નવી દિલ્હી. કોરોના મહાસંકટનો સામનો કરવા માટે લાગુ કરાયેલ લોકડાઉનમાં ત્રીજી વખત કેન્દ્ર સરકારે વધારો કર્યો છે. શુક્રવારે સાંજે જાહેર કરાયેલ નિર્ણય મુજબ 3 મેએ પૂરી થનારી લોકડાઉનની મુદતમાં વધુ બે અઠવાડિયાનો ઉમેરો કરાયો છે. આથી હવે 17 મે સુધી સમગ્ર દેશ લોકડાઉનમાં રહેશે. ભારતમાં હવે કુલ 56 દિવસનું લોકડાઉન થયું છે.

સૌથી પહેલા જાણો કે લોકડાઉન કેમ વધારવામાં આવ્યું
25 માર્ચથી ચાલી રહેલા લોકડાઉનથી પહેલા 4.2 દિવસોમાં કોરોનાના કેસ બમણા થઇ રહ્યા હતા. હવે 11 દિવસમાં કેસ બમણા થઇ રહ્યા છે. 14 દિવસ પહેલા રિકવરી રેટ 13 ટકા હતો. હવે 25 ટકા પહોંચી ગયો છે. મતલબ કે સંકેત સારા છે પરંતુ સરકાર કોરોનાને કાબૂ કરવામાં મળેલી સફળતાને ગુમાવવા માગતી નથી. તેથી પાબંદીઓ સાથે એકસાથે લોકડાઉન હટાવવા કરતા ધીમે ધીમે હટાવી રહી છે. લોકડાઉનનો પહેલો દોર 25 માર્ચથી 15 એપ્રિલ વચ્ચે હતો. ત્યારબાદ તેને 3મે સુધી વધારવામાં આવ્યો. વચ્ચે 20 એપ્રિલ અને 25 એપ્રિલના દુકાનોને છૂટ મળી પરંતુ મોલ અને બજારો બંધ રહ્યા.

લોકડાઉન વધારવાનો નિર્ણય કેવી રીતે થયો ?
ગત સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી હતી. તેમાં સામેલ થયેલા 9માંથી 6 મુખ્યમંત્રી લોકડાઉન વધારવાના પક્ષમાં હતા. ત્યારબાદ શુક્રવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે દેશભરના 733 જિલ્લાની યાદી જાહેર કરી. તેમાં જણાવ્યું કે 130 જિલ્લા રેડ ઝોનમાં, 284 જિલ્લા ઓરેન્જ ઝોનમાં જ્યારે 319 જિલ્લા ગ્રીન ઝોનમાં છે. ત્યારબાદ પ્રધાનમંત્રીની આગેવાની હેઠળ બેઠક થઇ. તેમાં લોકડાઉન વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો. સાંજે ગૃહમંત્રાલયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદો 2005 અંતર્ગત આદેશ પણ જાહેર કરી દીધા. 

સતત વધતા કોરોનાના કેસને રોકવા નિર્ણય

દેશભરમાં લાગુ કરાયેલ લોકડાઉનની બીજી મુદત આગામી 3 મેના રોજ પૂર્ણ થાય એ પહેલાં ગૃહ મંત્રાલયે વધુ બે અઠવાડિયાનો વધારો જાહેર કરી દીધો છે. દેશભરમાં કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસને રોકવા અને ખાસ તો અત્યાર સુધી લોકડાઉનના ચુસ્ત પાલન વડે મેળવેલ ફળશ્રુતિને આગળ વધારવા લોકડાઉનની અવધિ લંબાવવામાં આવી છે. આ અંગે ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં નવી માર્ગદર્શિકા પણ જાહેર કરશે. આગામી બે સપ્તાહ સુધી રેલ વ્યવહાર, બસ સેવા, મેટ્રો, હવાઇ સેવા (ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક) બંધ રહેશે. આ સિવાય સ્કૂલ, કોલેજ, મોલ પણ બંધ રહેશે.

ક્લસ્ટર એરિયામાં ચુસ્તપણે પાલન કરવામાં આવશે

અગાઉ રાજ્ય સરકારોએ નક્કી કરેલ રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનના વિસ્તારોમાં આંશિક છૂટછાટો મળી શકે છે. ક્લસ્ટર એરિયામાં જોકે લોકડાઉનનું પૂરી સખ્તાઈથી પાલન કરવામાં આવશે. લોકડાઉનની અવધિ લંબાવવામાં આવતાં હવાઈ સેવા, જાહેર પરિવહન અને રેલવે સેવા સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રહેશે.  

આ પાબંદીઓ જનતા કર્ફ્યૂના દિવસથી લાગૂ છે, 17મે સુધી લાગૂ રહેશે
સ્કૂલ, કોલેજ, શિક્ષણ, ટ્રેનિંગ, કોચિંગ સંસ્થાઓ બંધ જ રહેશે. 
હોટલ, રેસ્તરાં, સિનેમા હોલ, શોપિંગ મોલ, જિમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્વીમિંગ પૂલ, એન્ટરટેન્મેન્ટ પાર્ક, થિએટર, બાર, ઓડિટોરિયમ બંધ રહેશે. 
દરેક પ્રકારના ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક, સામાજિક કાર્યક્રમોના આયોજન પર પાબંદી રહેશે. 
ધાર્મિક સ્થાન પણ બંધ રહેશે. ધાર્મિક ઉદ્દેશ્યના જમાવડાઓ પર પાબંદી રહેશે. 
જે લોકો જરૂરી સેવાઓમાં નથી, તેઓ સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી રસ્તાઓ પર નિકળી નહીં શકે. 
65 વર્ષથી મોટી ઉંમરના લોકો, ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને બહાર આવવાની મંજૂરી નહીં હોય. 
એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાની મંજૂરી નહીં હોય. 
જો કોઇ રાજ્ય સંપૂર્ણપણે ગ્રીન ઝોનમાં હોય તો સ્થાનિક વહીવટીતંત્ર એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાની મંજૂરી આપી શકે છે. 

દેશમાં શું ખુલી શકશે ?
દારૂ, પાન અને તમાકુની દુકાનો ખુલી શકશે પરંતુ ત્યાં એક સમયે પાંચથી વધુ લોકો એકત્ર નહીં થઇ શકે અને લોકો વચ્ચે છ ફુટનું અંતર  રાખવું પડશે. 
શોપિંગ મોલ છોડીને સામાન વેચતી દરેક દુકાનો ખુલી શકશે. તેમાં આસાપાસની દુકાનો , ફળ, દૂધ, શાકભાજી અને કરિયાણાની દુકાનો સામેલ છે. 
ખેતી અને પશુપાલનથી જોડાયેલી દરેક પ્રવૃત્તિઓ થશે. 
બેન્ક, ફાઇનાન્સ, ઇન્શ્યોરન્સ અને કેપિટલ માર્કેટ એક્ટિવિટી ચાલુ રહેશે. આંગણવાડીનું કામ ચાલુ રહેશે. 
પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા, આઇટી સેક્ટર, ડેટા અને કોલ સેન્ટર, કોલ્ડ સ્ટોરેજ, પ્રાઇવેટ સિક્યોરિટી સર્વિસ, મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ડ્રગ્સ, ફાર્મા, મેડિકલ ડિવાઇસ, જૂટ ઇન્ડસ્ટ્રી ચાલુ રહેશે. પરંતુ અહીં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે. 

રેડ ઝોનમાં શું બદલાશે ?
રેડ ઝોનમાં જે જિલ્લા છે ત્યાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે અને કેસ બમણા થવાની દર પણ અહીં સૌથી વધુ છે. 
આવા રેડ ઝોનમાં સાઇકલ રિક્શા, ઓટો રિક્શા, ટેક્સી, કેબ, બસોનું પરિવહન, હેર સલૂન, સ્પા, શોપિંગ મોલ બંધ રહેશે. 
ફોર વ્હીલરથી બહાર જઇ રહ્યા હો તો ડ્રાઇવર સિવાય બે થી વધુ લોકો નહીં બેસી શકે.
ટૂ વ્હિલર પર પાછળની સીટ પર કોઇ બેસી નહીં શકે. 
ગામડાઓમાં ઇન્ડસ્ટ્રિઅલ અને કન્સ્ટ્રક્શન કામ થઇ શકશે. મનરેગા અંતર્ગત કામગીરીની મંજૂરી મળશે. ફુડ પ્રોસેસિંગ યુનિટ્સ, ઇંટના ભઠ્ઠા ખુલી શકશે. 
મોટાભાગના કોમર્શિયલ અને પ્રાઇવેટ સંસ્થાઓ ખુલી શકશે. તેમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયા, આઇટી સર્વિસ વગેરેનો સમાવેશ થાય છે. 

ઓરેન્જ ઝોનમાં શું બદલાશે ?
ઓરેન્જ ઝોન મતલબ એ જિલ્લા જ્યાં છેલ્લા 14 દિવસથી કોરોનાના નવા કેસ સામે નથી આવ્યા. 
ઓરેન્જ ઝોનમાં ટેક્સી અને કેબ ચલાવવાની મંજૂરી હશે. જોકે શરત એ છે કે 1 ડ્રાઇવર અને 2 પેસેન્જર જ તેમાં બેસી શકશે. 
એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં માત્ર એ ગાડીઓ જ જઇ શકશે જેમને મંજૂરી મળી છે. 
ફોર વ્હિલરમાં ડ્રાઇવર સિવાય બે પેસેન્જરને મંજૂરી હશે. 

ગ્રીન ઝોનમાં શું બદલાશે ?
બસોની છૂટ રહેશે પરંતુ એક બસમાં 50 ટકા મુસાફરો બેસી શકશે. બસ ડેપોમાં 50 ટકા કેપેસિટી સાથે કામ થશે. 
એક ડ્રાઇવર અને બે પેસેન્જર સાથે ટેક્સી અને કેબ ચલાવવાની મંજૂરી હશે. ટૂ વ્હીલપર પર બે લોકો બેસી શકશે. 
કોઇ પણ પ્રકારના કાર્યક્રમ માટે મંજૂરી લેવી પડશે. કાર્યક્રમમાં સીમિત લોકો જ સામેલ થઇ શકશે. 
દરેક પ્રકારની ગતિવિધિઓ માટે મંજૂરી લેવી પડશે પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જરૂરી.