4 તારીખે અમેરિકાથી આવવાનો હતો ગુજરાત, પણ એક્સિડેન્ટ થતાં વિદ્યાર્થીનું નિપજ્યું કરૂણ મોત

4 તારીખે અમેરિકાથી આવવાનો હતો ગુજરાત, પણ એક્સિડેન્ટ થતાં વિદ્યાર્થીનું નિપજ્યું કરૂણ મોત

ધંધૂકા પંથકના અમેરિકા ખાતે અભ્યાસ કરી રહેલાં યુવકનું માર્ગ અકસ્માતમાં કરૂણ મોત થતાં પંથકમાં શોકની લાગણી છવાઈ હતી. ધંધુકા તાલુકાના અડવાણ ગામનો વતની સ્વીજલ વિનોદભાઈ પટેલ (ઉં-24) છેલ્લા બે વર્ષથી અમેરિકા ખાતે ઉચ્ચઅભ્યાસ અર્થે ત્યાં જ હતો. તેણે થોડા દિવસ પહેલાં જ કન્સટ્રક્શન ક્ષેત્રના અભ્યાસમાં માસ્ટર ડિગ્રી સાથે અમેરિકાની યુનિવર્સિટીમાંથી પદવી હાંસલ કરી હતી.

સ્વીજલ આગામી 4 જાન્યુઆરીએ જ તે ભારત પરત ફરવાનો હતો. આખા પરિવારમાં ડિગ્રી સાથે પુત્ર પરત ફરી રહ્યાનો આનંદ પરિવારમાં હતો. ત્યાં જ છેલ્લા 3-4 દિવસથી પુત્રનો સંપર્ક ન થઈ શકતો હોવાથી તેના પિતા વિનોદભાઈ તાત્કાલિક અમેરિકા પહોંચી તપાસ કરતાં જાણકારી મળી કે તેમના પુત્રનું માર્ગ અકસ્માતમાં કરૂણ મોત થયું છે.

પુત્રના મૃતદેહને જોતાં જ પિતા ભાંગી પડ્યા હતા. અને આ સમાચાર ધંધૂકા ખાતે પરિજનોને મળતાં જ પુત્રની ઓચિંતી વિદાયથી પરિજનો પણ ભાંગી ગયા હતા. જુવાનજોધ પુત્રનું અકાળે મોત નિપજતાં પરિવારમાં શોકમાં ડૂબી ગયો હતો. તો સમગ્ર પંથકમાં પણ આ સમાચાર વાયુવેગે ફેલાતાં પંથકમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ હતી.