370, રામ મંદિર બાદ હવે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા તખ્તો તૈયાર

370, રામ મંદિર બાદ હવે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા તખ્તો તૈયાર

કેન્દ્ર સરકારનો આગામી એજન્ડા

દરેક ધર્મના જુદા જુદા પારિવારિક અને લગ્ન સંબંધી કાયદાઓનું સ્થાન યુનિફોર્મ સિવિલ કોડ લઇ શકે છે

નવી દિલ્હી, તા. 11 ફેબ્રૂઆરી, 2020, મંગળવાર

કેન્દ્ર સરકાર રામ મંદિર બાદ હવે યુનિફોર્મ સિવિલ કોડ પર કામ કરી રહી છે, ભાજપે જે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો તેમાં રામ મંદિર ઉપરાંત આર્ટિકલ 370 અને યુનિફોર્મ સિવિલ કોડનો પણ સમાવેશ થાય છે. હાલ બે મહત્વના મુદ્દા 370 અને રામ મંદિરનો વિવાદ પુરો થઇ ગયો છે તેથી હવે સરકાર યુનિફોર્મ સિવિલ કોડ પર કામ કરી રહી હોવાના અહેવાલો છે. 

યૂનિફોર્મ સિવિલ કોડનો મતલબ છે દેશમાં દરેક નાગરિક માટે એક સમાન કાયદો લાગુ પાડવો, પછી તે નાગરિક કોઇ પણ ધર્મ કે જાતિનો કેમ ન હોય. હાલ દેશમાં અલગ અલગ ધર્મો માટે અલગ અલગ પર્સનલ લો છે.

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી દેવાથી દરેક ધર્મના નાગરિકો માટે એક સમાન કાયદો હશે. હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ કે અન્ય કોઇ પણ ધર્મ કે સંપ્રદાયના લોકો હોય તેમના માટે લગ્ન, તલાક, પોતાની પૈતૃક સંપત્તિ જેવા મામલાઓમાં ેએક જ કાયદો હશે.

મહિલાઓનો પોતાના પિતાની સંપત્તિ પર અિધકાર અને દત્તક લેવા જેવા મામલે પણ એક સમાન જ નિયમ લાગુ રહેશે. જોકે જ્યારે પણ દેશમાં દરેક ધર્મના લોકો માટે એક સમાન કાયદો લાગુ કરવાની વાત આવે છે ત્યારે તે રાજકીય સ્વરૂપ ધારણ કરી લે છે અને તેનો વિરોધ પણ થવા લાગે છે. 

આઝાદીના તુરંત બાદ 1951માં પણ જ્યારે બંધારણના ઘડવૈયા ડો. ભીમરામ આંબેડકરે હિંદુ સમાજ માટે હિંદુ કોડ બિલ લાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેનો સંસદમાં જ ભારે વિરોધ થવા લાગ્યો હતો. સાથે એક ચોક્કસ ધર્મ માટે આવો કાયદો લાવવા પર પણ સવાલો ઉઠવા લાગ્યા હતા.

વિવાદ બાદ આ બિલને ચાર ભાગમાં વહેચી નાખવામાં આવ્યું, બાદમાં જ્યારે પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની વાત આવી ત્યારે તેનો વિરોધ થતો રહ્યો. વિરોધીઓની એવી દલીલ છે કે દરેક પર એક ધર્મનો જ કાયદો લાગુ કરી દેવાના પ્રયાસો છે. જ્યારે બીજો વર્ગ કહે છે કે કાયદામાં કઇ જ ખોટુ નથી અને દરેક વ્યક્તિ સમાન છે તો કાયદો પણ સમાન રીતે જ લાગુ થવો જોઇએ.

હાલની સિૃથતિ પ્રમાણે દરેકના ધર્મ આધારીત અલગ અલગ કાયદા છે જેમાં હિંદુઓનો અલગ, મુસ્લિમોનો અલગ, આ કાયદા પરીવાર સાથે જોડાયેલી બાબતો જેવી કે લગ્ન, સંપત્તિ વગેરે સાથે સંકળાયેલા છે અને તેેમાં કેટલોક આધાર પણ ધર્મનો લેવામાં આવ્યો છે.