35 દિવસના આંદોલન અને 7 વખતની વાતચીત પછી 2 મુદ્દા પર સહમતી, 4 જાન્યુઆરીએ ફરી વાતચીત

35 દિવસના આંદોલન અને 7 વખતની વાતચીત પછી 2 મુદ્દા પર સહમતી, 4 જાન્યુઆરીએ ફરી વાતચીત

ગુજરાતીમાં કહાવત છે- જેમના અન્ન ભેગા, તેમના મન ભેગા, એટલે કે જેનું અન્ન એક, તેનું મન પણ એક. જેનું મહત્ત્વ સમજવું હોય તો બુધવારે દિલ્હીના વિજ્ઞાનભવનમાં જે થયું એને જોઈ લો. દિલ્હીના દરવાજા પર 35 દિવસથી ધામા નાખીને બેઠેલા ખેડૂતો અહીં સરકાર સાથે સાતમી વખત વાતચીત કરવા માટે ગયા હતા. દર વખતની જેમ આ વખતે પણ પોતાનું જમવાનું સાથે લઈને ગયા હતા. આ વખતે અલગ એ રહ્યું કે સરકારના બે મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલ ખેડૂતોના લંગરમાં સામેલ થઈ ગયા. ત્રણ કલાક પછી બેઠક સમાપ્ત થઈ અને બે મુદ્દા પર સહમતી થઈ. આગામી 4 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યાથી બેઠક થશે.

4 મુદ્દા પર મતભેદ હતા, થોડુંક સરકારે નમતું આપ્યું અને થોડુંક ખેડૂતોએ
ખેડૂતોના 4 મહત્ત્વના મુદ્દા છે. પહેલો- સરકાર ત્રણ કૃષિ કાયદાને પાછા લે. બીજો- સરકાર એ લીગલ ગેરંટી આપે કે તે મિનિમમ સપોર્ટ પ્રાઈસ એટલે કે MSP ચાલુ રાખશે. ત્રીજું- વીજળી બિલ પાછું લેવામાં આવશે. ચોથો- પરાલી સળગાવવા માટે સજાની જોગવાઈને પાછી લેવામાં આવે.

5 કલાકની વાતચીતમાં અડધી વાતનો ઉકેલ નીકળ્યો
પાંચ કલાકની વાતચીત પછી વીજળી બિલ અને પરાલી સાથે જોડાયેલા મુદ્દા પર સહમતી બની ગઈ છે. સરકાર ખેડૂતોની ચિંતાઓને દૂર કરવા માટે માની ગઈ છે. ત્યાર પછી ખેડૂત નેતાઓએ પણ નરમ વલણ દેખાડ્યું. તેમણે 31 ડિસેમ્બરે યોજાનારી ટ્રેક્ટર રેલીને ટાળી દીધી. કૃષિ કાયદા અને MSP પર હાલ પણ મતભેદ યથાવત્ છે.

બેઠક પછી કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે ખેડૂતોનું કહેવું હતું કે પર્યાવરણ સાથે જોડાયેલા બિલમાં પરાલીના મામલામાં ખેડૂતોને સામેલ ન કરવા જોઈએ. સરકાર અને ખેડૂતોમાં આ મુદ્દા પર સહમતી બની ગઈ છે. બીજો મુદ્દો વીજળી બિલનો છે, જે હાલ આવ્યું નથી. ખેડૂતોને લાગે છે કે આ એક્ટથી તેમને નુકસાન થશે. ખેડૂતોને સિંચાઈ માટે જે સબસિડી આપવામાં આવે છે, એવી જ ચાલવી જોઈએ. આમાં પણ સહમતી થઈ ગઈ છે.

કૃષિ કાયદા અંગે ખેડૂતોને મનાવી રહી છે સરકાર
તોમરે જણાવ્યું, ખેડૂત યુનિયન ત્રણ કૃષિ કાયદાને પાછા લેવાની વાત કરતું રહ્યું. અમે અમારા તર્કથી તેમને એ જણાવવાનો પ્રયાસ કર્યો કે ખેડૂતોની મુશ્કેલી ક્યાં છે? જ્યાં મુશ્કેલી છે ત્યાં સરકાર ખુલ્લા મને વિચાર કરવા માટે તૈયાર છે. MSPના વિષયમાં પણ સરકાર પહેલાંથી કહેતી રહે છે કે એ લાગુ રહેશે. ખેડૂતોને એવું લાગે છે કે MSPને કાયદાકીય દરજ્જો મળવો જોઈએ. બન્ને મુદ્દા પર ચર્ચા ચાલી રહી છે. અમે 4 જાન્યુઆરીએ 2 વાગ્યે ફરીથી ભેગા થઈશું અને આ વિષયો પર ચર્ચા આગળ વધારીશું.

આ વખતે સરકાર ખેડૂતોનું ભોજન જમી
બુધવારે લંચ વખતે ખેડૂતો સાથે મંત્રીઓએ પણ ભોજન લીધું હતું. ખેડૂત લંગરમાં બનાવેલી દાળ-રોટલી સાથે લાવ્યા હતા. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલે તેમની સાથે ભોજન લીધું. તેમની સાથે ચા પર પણ ચર્ચા કરી હતી.

( Source – Divyabhaskar )