30 એપ્રિલ સુધી લૉકડાઉન માટે બધા રાજી, મોદી બોલ્યા – હવે અમારી નીતિ છે ‘જાન ભી, જહાન ભી…’

30 એપ્રિલ સુધી લૉકડાઉન માટે બધા રાજી, મોદી બોલ્યા – હવે અમારી નીતિ છે ‘જાન ભી, જહાન ભી…’

  • શિવરાજ, કેજરીવાલ, અમરિન્દર, ઉદ્ધવ સહિત 10 મુખ્યમંત્રીઓનું લૉકડાઉન વધારવા સમર્થન
  • કેન્દ્રનો નિર્ણય બાકી, ઓડિશા-મહારાષ્ટ્ર પછી પંજાબ, બંગાળ, તેલંગાણાએ લૉકડાઉન વધાર્યું
  • લૉકડાઉનના બીજા તબક્કામાં છૂટછાટ આપે તેવી શક્યતાઓ છે

નવી દિલ્હી. દેશવ્યાપી લૉકડાઉન 30 એપ્રિલ સુધી વધારવા અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંમતિ થઈ ગઈ છે. કેન્દ્રએ હજી તેની ઔપચારિક જાહેરાત કરી નથી. પરંતુ મહારાષ્ટ્ર સરકારે શનિવારે લૉકડાઉન 30 એપ્રિલ સુધી વધારવાની જાહેરાત કરી હતી. ઓડિશા અને પંજાબ સહિત ત્રણ રાજ્યોમાં લૉકડાઉનની મુદ્દત વધી ચૂકી છે. મુખ્યમંત્રીઓ સાથેની વીડિયો કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે લૉકડાઉન બે સપ્તાહ વધારવા પર લગભગ તમામ રાજ્યો સહમત થયા હતા. તેમણે કહ્યું પહેલા સરકારી નીતિ હતી જાન હૈ તો જહાન હૈ પણ હવે તે જાન ભી, જહાન ભી થઈ ગઈ છે. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્યોના પ્રયાસોના કારણે કોરોના મહામારીની અસર ઘટાડવામાં ઘણી મદદ મળી છે. પરંતુ પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. સતત દેખરેખ જરૂરી છે.

અમુક રાજ્યોએ આર્થિક સહાય માગી
સંક્રમણ રોકવા લીધેલા પગલાની અસર આગામી ત્રણ-ચાર સપ્તાહમાં દેખાશે. તેમણે રાજ્યોને આગ્રહ કર્યો હતો કે, લૉકડાઉનનું કડકાઈથી પાલન કરવામાં આવે. દરમિયાન કેન્દ્ર સરકારના પ્રવક્તા કે.એસ.ધતવાલિયાએ ટ્વિટ કરી કહ્યું હતું કે મોટાભાગના મુખ્યમંત્રીઓએ બે સપ્તાહ લૉકડાઉન વધારવાનો આગ્રહ કર્યો છે. સરકાર તેના પર વિચાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, 25 માર્ચથી લાગુ 21 દિવસનું લૉકડાઉન 14 એપ્રિલે ખતમ થઈ રહ્યું છે. ગમછાને માસ્કની જેમ ઉપયોગ કરી બેઠકમાં પહોંચેલા વડાપ્રધાને કહ્યું કે આ સંકટ આત્મનિર્ભર બનવાનું અને ભારતને આર્થિક મહાશક્તિ બનવાની તક લઈ આવ્યું છે. ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ માટે સુરક્ષા સાધનોની ઘટ અંગે તેમણે આશ્વાસન આપતા કહ્યું કે તેનો પુરવઠો સુનિશ્ચિત કરવા પગલા ભરાઈ રહ્યા છે. રાજ્યોએ કોરોનાની લડાઈ માટે સંસાધન મેળવવા કેન્દ્ર સરકાર પાસે નાણાંકીય સહાય પણ માંગી હતી.

  • આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે જો કડક પગલા ના ભર્યા હોત તો સંક્રમન 41 ટકા દરે ફેલાયું હોત.
  • કેન્દ્ર મુજબ કોરોનાના દર્દીઓ માટે 1 લાખ આઈસોલેશન બેડ, 11500 આઈસીયુ બેડ રિઝર્વ કરાવાયા છે.

અમુક રૂટ પર ટ્રેન અને વિમાન સેવા આંશિક રીતે શરૂ કરવા કેન્દ્રનો વિચાર
લૉકડાઉન-2માં કેન્દ્ર સરકાર લોકોને અમુક રાહત આપવા વિચારી રહી છે. કેન્દ્રએ 15 એપ્રિલ પછી પસંદગીના રૂટ પર ટ્રેન-વિમાન સેવા શરૂ કરવા વિચાર શરૂ કર્યો છે. 30 એપ્રિલ પછી દેશભરમાં એકસાથે આ બંને સેવા શરૂ કરવી શક્ય નથી. આ દરમિયાન કોરોનાનો પ્રકોપ રોકવા બંધ કરાયેલા તમામ મંત્રાલય સોમવારે ખૂલી જશે. મંત્રાલયોમાં લૉકડાઉન પૂરું થયું પછઈ અર્થતંત્રમાં તેજી લાવવાની યોજનાઓ પર કામ થશે. 

ટ્રેનના જનરલ ડબા નહીં હોય, રિઝર્વેશનથી જ પ્રવાસ શક્ય
એક તૃતિયાંશ રૂટ પર ટ્રેન સેવા શરૂ થઈ થશે, પરંતુ તેમાં જનરલ ડબા નહીં હોય. ફક્ત રિઝર્વેશન કરાવીને જ પ્રવાસ કરી શકાશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખતા અડધી ટિકિટ જ આરક્ષિત કરાશે. કોરોના સંક્રમણના હોટ સ્પોટ પર પણ ટ્રેનો નહીં રોકાય. આ સાથે ભીડથી બચવા સ્ટેશનો પર સ્ટોપેજનો સમય બમણો કરાશે.

વિમાનસેવા શરૂ થઈ તો રિપોર્ટિંગ ટાઈમ 45 મિનિટથી વધારીને બે કલાક 
સ્થાનિક રૂટ પર એકદમ ઓછી સંખ્યામાં ફ્લાઈટ શરૂ કરવાનો વિચાર કરાઈ રહ્યો છે. આ ઉપરાંત ફ્લાઈટ ઓપરેશનનો સમય વધારાશે. ભીડથી બચવા રિપોર્ટિંગ ટાઈમ 45 મિનિટથી વધારીને બે કલાક કરાશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા બાંધકામ સ્થળો, મોટા મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો અને ફાર્મા ઈન્ડસ્ટ્રીને શરતો સાથે કામ કરવાની છૂટ મળશે. આ અગાઉ મોદીએ 20 માર્ચ અને 2 એપ્રિલના રોજ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. કોરોના વાઈરસના સંક્રમણને અટકાવાવ માટે 21 દિવસનું દેશવ્યાપી લોકડાઉન 14મી એપ્રિલના રોજ પૂરું થવા જઈ રહ્યુ છે. અત્યાર સુધી 9 રાજ્યોએ કેન્દ્ર સરકારને લોકડાઉન વધારવાની માંગ કરી છે. એવું માનવામાં આવે છે કે લોકડાઉન 30 એપ્રિલ સુધીમાં દેશભરમાં લંબાવી શકાય છે. 14 એપ્રિલ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાને લઈને ચોથી વાર દેશને સંબોધન કરી શકે છે. મોદીએ 24 માર્ચે પોતાના બીજા સંબોધનમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી.

કેન્દ્ર સરકાર લોકડાઉનમાં કેટલાક ફેરફાર કરી શકે છે

  • સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, લોકડાઉન કેટલાક ફેરફારો સાથે આગળ વધવાની ધારણા છે. રાજ્યોમાં આવશ્યક સેવાઓ સિવાય પ્રતિબંધો ચાલુ રહેશે. શાળા-કોલેજો અને ધર્મસ્થાનો પણ બંધ રહેવાની સંભાવના છે.
  • લોકડાઉનને કારણે, દેશના અર્થતંત્રને નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે, કેટલાક ક્ષેત્રોને સોશિયલ ડિસ્ટન્સિંગને વળગી રહેવાની શરતે લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી શકે છે. રિઝર્વ બેંકે પોતાના અહેવાલમાં કોરોના સંકટ વચ્ચે અર્થતંત્રમાં ઝડપથી સુધારો થવાની સંભાવના વ્યક્ત કરી હતી.
  • લોકડાઉનથી વિમાન ક્ષેત્રને સૌથી વધુ અસર થઈ છે. આવી સ્થિતિમાં, સરકાર એરલાઇન્સ કંપનીઓને ફ્લાઇટ શરૂ કરવાની મંજૂરી આપી શકે છે, પરંતુ તેઓએ તમામ વર્ગોમાં વચ્ચેની સીટ ખાલી રાખવી પડશે.

ઓડિશા અને પંજાબે 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવ્યું છે
ઓડિશા લોકડાઉન અવધિનો વિસ્તાર કરનાર પ્રથમ રાજ્ય છે. 30 એપ્રિલ સુધી લોકડાઉન રાખવા અને 17 જૂન સુધી શાળા-કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ કેન્દ્રને ફ્લાઇટ્સ બંધ કરવા અપીલ કરી છે. આ ઉપરાંત પંજાબે પણ 30 એપ્રિલ સુધી કર્ફ્યુ વધાર્યો છે. કર્ણાટક પણ લોકડાઉન વધારવાની તૈયારી કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, આસામ, મધ્યપ્રદેશ, છત્તીસગ અને પોન્ડિચેરી પણ લોકડાઉન વધારવાના પક્ષમાં છે.

મોદીના કોરોના પર અત્યાર સુધીના 3 સંબોધન

  • પ્રથમ: 19 માર્ચે વડા પ્રધાને જનતા કરફ્યુ લાદવાની વાત કરી હતી. આ પછી, 22 માર્ચે દેશભરમાં બધું જ બંધ રહ્યું હતું. સાંજે લોકોએ ઘરની અંદરથી તાળીઓ વગાડીને પ્લેટ વગાડીને કોરોના લડવૈયાઓને આભાર માન્યો.
  • બીજું: મોદીએ 24 માર્ચે કોરોનાને રોકવા માટે 25 માર્ચથી 14 એપ્રિલ સુધી દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના ચેઇનને તોડનારા લોકોએ તેમના ઘરોમાં રહેવા માટે લક્ષ્મણ રેખાને અનુસરવું જોઈએ.
  • ત્રીજું: વડા પ્રધાન મોદીએ 3 એપ્રિલે એક વીડિયો સંદેશ રજૂ કર્યો. આ દરમિયાન લોકોને 5 મી એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યે ઘરોની લાઇટ બંધ કરીને ઘરોમાં લેમ્પ, મીણબત્તીઓ અને મોબાઈલ લાઇટ લગાડીને એકતા બતાવવા અપીલ કરવામાં આવી હતી.