29 વર્ષ પછી રક્ષાબંધન પર મહાસંયોગ, જાણો ક્યારે છે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

29 વર્ષ પછી રક્ષાબંધન પર મહાસંયોગ, જાણો ક્યારે છે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. ભાઈ-બહેનના પવિત્ર સંબંધને મજબુત કરતો આ તહેવાર આવતા સોમવારે એટલે કે 3 ઓગસ્ટના છે. આ રક્ષાબંધન પર્વ ખૂબ વિશેષ બનવા જઇ રહ્યું છે કારણ કે આ વર્ષે સર્વાર્થ સિદ્ધિ અને આયુષ્માન દીર્ઘાયુ શુભ યોગ બની રહ્યો છે. જ્યોતિષીઓના મતે રક્ષાબંધન પર આ શુભ સંયોગ 29 વર્ષ પછી આવ્યો છે.

રક્ષાબંધનનું શુભ મુહૂર્ત
સોમવાર, 3 ઓગસ્ટે શ્રાવણ મહિનાના સુદ પક્ષની પૂનમ છે. આ તિથિએ રક્ષાબંધન ઉજવવામાં આવે છે. આ વર્ષે સવારે 9.29 વાગ્યા સુધી ભદ્રા રહેશે. ભદ્રા પછી જ બહેન પોતાના ભાઇને રાખડી બાંધી શકશે. 9.29 પછી આખો દિવસ રાખડી બાંધી શકાશે. 3 તારીખે સવારે 7.30 વાગ્યા પછી આખો દિવસ શ્રવણ નક્ષત્ર રહેશે.

રક્ષાબંધન પર મહાસંયોગ
રક્ષાબંધનના પાવન પર્વ પર ખુબજ સારા ગ્રહોનો અને નક્ષત્રોનો સંયોગ બની રહ્યો છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે જે તમામ મનોકામના પૂર્ણ કરનાર યોગ છે. સોમવાર પૂર્ણિમા અને આયુષ્માન દીર્ઘાયુ શુભ યોગ બહુ ઓછા સમયે સાથે જોવા મળે છે આથી આ વખતે રક્ષાબંધન ખુબજ ખાસ રહેશે.

આ સિવાય 3 ઓગસ્ટે ચંદ્રમાનું શ્રવણ નક્ષત્ર છે. મકર રાશિનો સ્વામી શનિ અને સૂર્ય એકસાથે મળીને સમસપ્તક યોગ બનાવી રહ્યા છે. શનિ અને સૂર્ય બંને આવરદા વધારે છે. આવો શુભ યોગ 29 વર્ષ પછી આવ્યો છે.

આ રીતે રાખડી બાંધવી
રક્ષાબંધનના દિવસે સવારે વહેલા ઉઠી જવુ. સ્નાન કર્યા બાદ દેવી-દેવતાઓની પૂજા કરવી. પિતૃઓ માટે ધ્યાન કરવું. આ શુભ કામ પછી પીળા રેશમી વસ્ત્રમાં સરસો, કેસર, ચંદન, ચોખા, દૂર્વા અને પોતાના સામર્થ્ય પ્રમાણે સોનું કે ચાંદી રાખીને રક્ષાસૂત્ર બનાવી લેવું. ત્યાર બાદ ઘરના મંદિરમાં એક કળશની સ્થાપના કરવી.

તેના ઉપર રક્ષાસૂત્ર રાખવું. વિધિવત પૂજા કરવી. પૂજામાં હાર-ફૂલ ચઢાવો. વસ્ત્ર અર્પણ કરો, ભોગ ધરાવો, દીવો પ્રગટાવી આરતી કરો. પૂજા બાદ આ રક્ષાસૂત્રને જમણા હાથે બંધાવી લેવું જોઇએ. રક્ષા બાંધતી વખતે ભાઇને માથા પર તિલક લગાવવાનું ન ભૂલવુ. ભાઇના ઓવારણા લેવા. ( Source – Sandesh )