2750 ટન એમોનિયમ નાઇટ્રેટના વિસ્ફોટમાં અડધું બૈરૂત તબાહ : 100 મોત, 3 લાખ ઘર વિહોણા

2750 ટન એમોનિયમ નાઇટ્રેટના વિસ્ફોટમાં અડધું બૈરૂત તબાહ : 100 મોત, 3 લાખ ઘર વિહોણા

। બૈરૂત ।

લેબેનોનની રાજધાની બૈરૂતના બંદરગાહમાં આવેલા વેરહાઉસમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ૧૦૦ લોકોનાં મોત થયાં છે અને ૪,૦૦૦ લોકોને ઈજા પહોંચી છે. લેબેનોનના વડા પ્રધાન હસન દિયાબે જણાવ્યું હતું કે, બૈરૂત બંદરના વેરહાઉસમાં ૨,૭૫૦ ટન વિસ્ફોટક એમોનિયમ નાઇટ્રેટમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. બૈરૂતના ગવર્નર અબૌદે જણાવ્યું હતું કે, વિસ્ફોટના કારણે અડધું બૈરૂત શહેર તબાહ થયું છે. શહેરને ૩થી પાંચ બિલિયન અમેરિકન ડોલરનું નુકસાન થયું છે. શહેરમાં ઘરવિહોણા લોકોની સંખ્યા ૩ લાખ પર પહોંચી છે. રેડક્રોસે બૈરૂતમાં ૧,૦૦૦ પરિવાર માટે હંગામી શેલ્ટર ઊભા કર્યાં છે. શહેરમાં આવેલી ૯૦ ટકા હોટેલોને નુકસાન થયું છે. લેબેનોનના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, શહેરમાં સેંકડો લોકો લાપતા બન્યાં હોવાની ફરિયાદો મળી રહી છે. જેના પગલે મોતનો આંકડો ઘણો ઊંચો જઈ શકે છે. અમે ઈજાગ્રસ્તોની સારવાર માટે ફિલ્ડ હોસ્પિટલો ઊભી કરી રહ્યાં છીએ. વિસ્ફોટમાં શહેરની ચાર મોટી હોસ્પિટલોને મોટું નુકસાન થતાં બંધ કરી દેવાઈ છે. બૈરૂતમાં એટલો ભયાનક વિનાશ વેરાયો છે જાણે કે શહેરમાં ધરતીકંપ આવ્યો હોય. હજારો લોકો ઘરવિહોણા બન્યાં છે અને હજારો ઈજાગ્રસ્તો દર્દીઓથી છલકાઈ રહેલી હોસ્પિટલોમાં ઊભરાઈ રહ્યાં છે.

બૈરૂતની ઘટનાથી ઘણો આઘાત અને દુઃખ થયાં : મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સવારે જણાવ્યું હતું કે બૈરૂતની ઘટનાથી ઘણો આઘાત લાગ્યો અને દુઃખ થયું છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, બૈરૂત શહેરમાં ભયાનક વિસ્ફોટના કારણે જાનહાનિ અને સંપત્તિને થયેલા નુકસાનથી ઘણો આઘાત લાગ્યો છે. દુઃખિત પરિવારો અને ઈજાગ્રસ્તો સાથે અમારી પ્રાર્થનાઓ છે.

કર્મચારી સલામત, ભારતીયોનાં મોતની માહિતી નથી : ઇન્ડિયન એમ્બેસી

લેબેનોન ખાતેના ભારતીય રાજદૂત સુહેલ એજાઝ ખાને જણાવ્યું હતું કે, દૂતાવાસના તમામ કર્મચારીઓ સુરક્ષિત છે. અમે ભારતીય સમુદાયના લોકોના સંપર્કમાં છીએ. હજુ સુધી ભારતીયના મોતની કોઈ માહિતી મળી નથી.દૂતાવાસે ભારતીયો માટે હેલ્પલાઇન નંબર પણ જારી કર્યાં છે. ( Source – Sandesh )