25 વર્ષ જૂની સોસાયટીના 75% સભ્યો સમંત હશે તો પણ રિ-ડેવલપમેન્ટને મંજૂરી

25 વર્ષ જૂની સોસાયટીના 75% સભ્યો સમંત હશે તો પણ રિ-ડેવલપમેન્ટને મંજૂરી

રાજ્ય સરકારે અમદાવાદ શહેર સહિત અન્ય શહેરોમાં ૨૫ વર્ષ જુની સોસાયટીના રિ-ડેવલપમેન્ટને સરળતાથી મંજુરી મળે તે માટે સાત મહિના પહેલાં ગુજરાત ઓનરશીપ ફ્લેટ-૧૯૭૧નો સુધારો મંજૂર કર્યાનું નોટિફિકેશન કર્યું હતુ હવે સાત મહિના બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જુની સોસાયટીના રિ-ડેવલપમેન્ટની પ્રક્રિયાને સરળ કરતો પરિપત્ર કરાયો છે. અમદાવાદ મ્યુનિ.ના નગર વિકાસ ખાતાએ આજે પરિપત્ર કરીને જુની સોસાયટીના રિ-ડેવલપમેન્ટના પ્લાન પાસ કરવાની પ્રક્રિયા સરળ કરી દીધી છે. પહેલાં ૨૫ વર્ષ જુની અને જર્જરિત સોસાયટીના રિ-ડેવલપમેન્ટમાં ૧૦૦ ટકા સભ્યોની મંજુરી હોય તો વિકાસ પરવાનગી અપાતી હતી પણ હવે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તંત્ર સોસાયટીના ૭૫ ટકા સભ્યો સમંતિ આપશે તો પણ વિકાસ પરવાનગી એટલે કે, પ્લાન પાસ કરી આપશે.

અમદાવાદ શહેરમાં જુની સોસાયટીઓ જર્જરિત અને ક્ષતિગ્રસ્ત થયેલી હોય છે જેમાં સલામતીને જોખમ ઉભુ થાય છે. એક વર્ષ પહેલાં શહેરમાં જુની જર્જરિત ઇમારતો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી જેના સંદર્ભમાં જુની જર્જરિત સોસાયટીના રિ-ડેવલપમેન્ટને સરળતાથી મંજુરી મળે તે માટે રાજ્ય સરકારે ગુજરાત ઓનરશીપ ફ્લેટ-૧૯૭૧નો સુધારો મંજૂર કર્યો હતો. તા.૨૧મી મે ૨૦૧૯ના રોજ ગુજરાત ઓનરશીપ ફ્લેટ-૧૯૭૧નો સુધારો મંજૂર કરાયો હતો પછી તા.૨૬મી ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ગુજરાત ઓનરશીપ ફ્લેટ-૧૯૭૧નો સુધારોના રૂલ્સ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, જુની ક્ષતિગ્રસ્ત સોસાયટીના રિ-ડેવલપમેન્ટ માટે સોસાયટી ૨૫ વર્ષ જુની હોવી આવશ્યક હતુ સાથે મ્યુનિ. તંત્રએ તેને ભયજનક ઘોષિત કરેલી હોવી જોઇએ તે પણ શરત હતી. જોકે, સોસાયટીના રિ-ડેવલપમેન્ટમાં ૧૦૦ ટકા સભ્યોની સમંતિ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો જેથી ઘણીવાર કેટલાંક સભ્યો સમંત ન થાય તો સોસાયટીનું રિ-ડેવલપમેન્ટ થઇ શકતુ ન હતુ.

અમદાવાદ મ્યુનિ.ના નગર વિકાસ ખાતાએ આજે પરિપત્ર કરીને અમદાવાદ શહેરની જુની સોસાયટીના રિ-ડેવલપમેન્ટની પ્રક્રિયા જાહેર કરી છે જેમાં ૧. રિ-ડેવલપમેન્ટમાં આવતી સોસાયટીના ૭૫ ટકા કે તેથી વધુ સભ્યો રિ-ડેવલપમેન્ટની સમંતિ આપેલી હોય ૨. સોસાયટી ૨૫ વર્ષથી જુની હોય અથવા સક્ષમ સત્તા દ્વારા તેને ભયજનક ઘોષિત કરવામાં આવેલી હોય તો રિ-ડેવલપમેન્ટની મંજુરી મળી શકશે. હવે સોસાયટીના ૧૦૦ ટકા સભ્યોની સમંતિનો આગ્રહ રાખ્યા વિના ૭૫ ટકા કે તેથી વધુ સભ્યો સમંત હશે તો રિ-ડેવલપમેન્ટને મંજુરી મળી શકશે. અમદાવાદ મ્યુનિ.ના ટીડીઓ રમેશ દેસાઇએ જણાવ્યું હતુ કે, ‘આ નિર્ણયથી અમદાવાદ શહેરમાં આવેલી ૨૫ વર્ષથી જુની કે તેથી વધુ જુની સોસાયટીના રિ-ડેવલપમેન્ટની પ્રક્રિયા ઝડપી બનશે. અસમંત સભ્યોની સમંતિ મેળવવા માટે કાયદાકીય બળ મળશે.’

ઉલ્લેખનીય છે કે, શહેરમાં જુની અને જર્જરિત ઇમારતો ધરાશાયી થવાની ઘટનાઓમાં કેટલાય નિર્દોષ નાગરિકોનો જીવ ગુમાવવો પડયો છે. બે વર્ષ પહેલાં શહેરના ઓઢવ વિસ્તારની શહેરી ગરીબ આવાસ યોજનાનો એક બ્લોક ધરાશાયી થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતુ. ૧૧ મહિના પહેલાં શહેરના અમરાઇવાડી વિસ્તારમાં બંગલાવાળી ચાલીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતુ જેમાં પાંચથી વધુ લોકોનો મોત નિપજ્યાં હતા. આ ઉપરાંત ત્રણ વર્ષ પહેલાં નારણપુરાની એકતા સોસાયટીમાં પાણીની ટાંકી ધરાશાયી થતાં બે લોકોના મોત નિપજ્યાં હતા. શહેરમાં જુના જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ છાશવાર બનતી રહે છે.

૬થી ૯ મીટર સુધીના રોડ ઉપર પણ રિ-ડેવલપમેન્ટમાં છૂટછાટ

કોમન જીડીસીઆરની જોગવાઇ પ્રમાણે, રોડની પહોળાઇ સામે બાંધકામની ઊંચાઇ મંજુર થાય છે. હવે શહેરમાં જુની સોસાયટીઓ ૬ મીટર કે ૯ મીટર સુધીના રોડ ઉપર આવેલી છે તો ત્યાં બાંધકામની ઊંચાઇ અંગેના પ્રશ્ન ઉભા થયા હતા. રાજ્ય સરકારે તાજેતરમાં ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરાયું છે જેમાં ૬ મીટરથી ૯ મીટરના રોડ ઉપર જો જુની સોસાયટીનું રિ-ડેવલપમેન્ટ કરાય તો હયાત જેટલા યુનિટ હશે તેટલા યુનિટને મંજુરી મળી શકશે. ઓછામાં ઓછા ૪૦ ચો.મી.ના કાર્પેટ એરિયાનું યુનિટ બાંધવાનું રહેશે. ઝોન પ્રમાણે FSI પણ વાપરી શકાશે.

GDCRમાં ૩૫ વર્ષ અને કાયદામાં ૨૫ વર્ષની વિસંગતતા હતી

અમદાવાદ શહેર સહિત રાજ્યભરના શહેરોને લાગૂ પડતાં કોમન જીડીસીઆરમાં સોસાયટીના રિ-ડેવલપમેન્ટ માટે ૩૫ વર્ષથી જુની હોય તેવી જોગવાઇ હતી જ્યારે ગુજરાત ફ્લેટ ઓનરશીપ એક્ટમાં આ ઉંમરની જોગવાઇ ૨૫ વર્ષ હતી જે વિસંગતતાને પણ રાજ્ય સરકારે નોટિફિકેશન કરીને દૂર કરી દીધી છે.