23 વર્ષ સુધી ભરણપોષણ ન મળતાં મહિલાના ગુજરાત હાઈકોર્ટમાં ધા, પતિને USથી પરત બોલાવો

23 વર્ષ સુધી ભરણપોષણ ન મળતાં મહિલાના ગુજરાત હાઈકોર્ટમાં ધા, પતિને USથી પરત બોલાવો

અમદાવાદ : ભરણપોષણ પેટે મહિને રૂ. દોઢ લાખ મેળવવામાં ૨૩ વર્ષ સુધી સફળતા ન મળતાં, અમેરિકામાં રહેલા પતિને ભારત પરત લાવવા અને કોર્ટના આદેશનુ પાલન ન કરવા બદલ તેને સજા કરવાની માગ સાથે અમદાવાદની એક મહિલાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકારના વકીલને સુચના આપી છે કે, આ અંગે જરૂરી વિગત આપો. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

આ મહિલાના વકીલનુ કહેવું છે કે, વર્ષ ૧૯૯૨માં અરજદાર સોનલ પટેલના લગ્ન અમેરિકાના ગ્રીન કાર્ડ હોલ્ડર જીતેન્દ્ર પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ, ચાર-પાંચ દિવસમાં જ જીતેન્દ્ર પટેલ તેની પત્નીને છોડીને અમેરિકા જતો રહ્યો હતો. આ સમયે, તેણે પત્નીને કહેલું કે તે તેના વિઝાની પ્રક્રિયા ટુંક સમયમાં જ શરૂ કરશે.

જેથી તેણી અમેરિકા આવી શકે. જો કે, આ અંગે કોઈ કાર્યવાહી થઈ નહીં અને વર્ષ ૧૯૯૭માં અરજદારે ભરણપોષણ માટે કોર્ટમાં કેસ કર્યો હતો. આ સમયે, તેને રજૂઆત કરી હતી કે સાસરિયાએ તેને દહેજ માટે હેરાન કરી હતી. આ ઉપરાંત, પતિએ પણ તેને છેતરી હતી. જેમાં, વિઝાની પ્રક્રિયા હાથ ધરવાના નામે કોરા કાગળ પર સહી કરાવી લીધી હતી. આ પછી, આ કાગળ પર પતિએ તેને છૂટાછેડાની જાણ કરી હતી.

વર્ષ ૨૦૦૩માં ટ્રાયલ કોર્ટે હુકમ કર્યો હતો કે, પતિએ ભરણપોષણ પટે દર મહિને તેની પત્નીને રૂ. દોઢ લાખ ચુકવે. જેની સામે, પતિએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેને હાઈકોર્ટે ફગાવી હતી. આ પછી, પતિ ક્યારેય ભારત પરત ફર્યો નહીં. અરજદાર મહિલાએ પતિના માતા-પિતાની મિલકતમાંથી ભરણપોષણ મેળવવા પ્રયાસ કરેલો, પણ સુપ્રીમ કોર્ટે રોક લગાવેલી.

વર્ષ ૨૦૧૭માં ફરી એકવાર અરજદાર મહિલાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજદાર મહિલાના વકીલની રજૂઆત હતી કે ભારત-અમેરિકા વચ્ચે સંધિ છે, તે મુજબ કેન્દ્રીય ગૃહ વિભાગ ફોર્મ ભરીને અમેરિકાના એટોર્ની જનરલને મોકલી આપે. આ પછી, અરજદારના પતિને શોધીને પકડી પાડો.

( Source – Sandesh )