નવી દિલ્હી, તા. 11 સપ્ટેમ્બર 2019, બુધવાર

સખ્ત ટ્રાફિક કાનુન પર કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, આ રેવન્યૂ કમાવવાની યોજના નથી, શું તમે દર વર્ષે થનારા 1.5 લાખ લોકોના મોતની ચિંતા નથી કરતા? જો રાજ્ય સરકાર વધારો કરવામાં આવેલા દંડની રકમ ઘટાડવા માંગે છે તો શું આ સાચું નથી કે લોકો કાયદાને ના તો યાદ રાખશે અને ના તો તેમને તેનો ડર હશે. ઘણાં રાજ્યોએ નવા ટ્રાફિક કાયદાને લાગૂ કરવાનો ઈનકાર કરી દેતા તેમણે આ નિવેદન આપ્યું.

રાજસ્થાન, મધ્યપ્રદેશ, પ.બંગાળ અને પંજાબની સરકારે કેન્દ્ર સરકારના આ નવા પરિવહન નિયમોને લાગૂ કરવાનો ઈનકાર કરી દીધો. જ્યારે ગુજરાત સરકારે દંડની રકમને મંગળવારે ઘટાડી દીધી છે. ગુજરાત સરકારે 90% સુધી દંડની રકમ ઓછી કરવાની જાહેરાત કરી છે ત્યારે અન્ય કેટલાંક રાજ્યો પણ ભવિષ્ટમાં આવી જાહેરાત કરી શકે છે.

ગડકરીએ કહ્યું કે, ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં 1 લાખ 50 હજારથી વધારે લોકોના મોત થાય છે. તેમાંથી 65% લોકોની ઉંમર 18થી 35 વર્ષ વચ્ચેની હોય છે. દર વર્ષે 2 થી 3 લાખ લોકો માર્ગ અકસ્માતના કારણે દિવ્યાંગ થઈ રહ્યાં છે. અમે યુવાનોના જીવની કિંમત સમજીએ છીએ અને તેમના જીવનને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.

રાજ્ય સરકાર દ્વારા દંડની રકમ માફ કરવાના નિર્ણય પર કહ્યું કે, પ્રદેશની સરકારોને તેનો અધિકાર છે. રાજ્ય સરકાર તે નિર્ણય લઈ શકે છે, તેમને અધિકાર છે. મને તેનાંથી કોઈ વાંધો નથી. જે પણ રેવન્યૂ આવશે તે રાજ્ય સરકાર પાસે જશે. મંત્રી તરીકે હું માત્ર અપીલ કરી શકું છું કે, આ દંડ રેવન્યૂ માટે નથી, લોકોના જીવ બચાવવા માટે છે.