21 ટકા બ્રિટિશ બાળકોને ખ્યાલ જ નથી કે, ગાય-ભેંસ દૂધ આપે છે

21 ટકા બ્રિટિશ બાળકોને ખ્યાલ જ નથી કે, ગાય-ભેંસ દૂધ આપે છે

। લંડન ।

બ્રિટનમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જમીની દુનિયાથી દૂર અને વર્ચ્યુઅલ વર્લ્ડમાં રહેતાં બાળકો વિશે ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. ડેરી એર્લા દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસમાં ૬થી ૧૧ વર્ષનાં એક હજાર બાળકોને જુદી-જુદી ખાદ્ય ચીજવસ્તુઓના મૂળ સ્ત્રોત વિશે સવાલ કરવામાં આવ્યા હતા. જેમાં બહાર આવ્યું કે, ૨૧ ટકા બાળકોને તો બિલકુલ જ ખ્યાલ નહોતો કે, દૂધ ગાય અને ભેંસ આપે છે. એ જ રીતે આ બાળકોમાં બ્રેડ અને ચોકલેટ વિશે પણ ખોટી માન્યતાઓ બહાર આવી હતી.

આ અભ્યાસ કરનારી ટીમના સભ્ય ડેની મિકલેથવેઇટે કહ્યું હતું કે, ‘જો બાળકોને અત્યારે મૂંઝવણ થતી હોય તો એવી પૂરેપૂરી શક્યતા છે કે, તેઓ મોટા થશે ત્યારે ભોજનની યોગ્ય પસંદગી કરવામાં તેમને મુશ્કેલી થશે.’ આ જ શક્યતાને ધ્યાનમાં રાખીને એરલા દ્વારા બાળકોમાં પશુપાલનને સંબંધિત ખોટી માન્યતાઓને દૂર કરવા માટે એક ‘જ્હોની એન્ડ જેલી ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ’ નામનું આ પુસ્તક બહાર પાડવામાં આવ્યું હતું.

સર્વેનાં તારણો 

  1. ૨૧ ટકા બાળકો જાણતા નહોતાં કે, ગાય અને ભેંસ દૂધ આપે છે.
  2. અગિયાર ટકા બાળકો માને છે કે, દૂધનો સ્ત્રોત સુપરમાર્કેટ છે.
  3. ૧૮ ટકા બાળકો બ્રેડ ખેતરમાં ઊગે છે જ્યારે અગિયાર ટકાએ જણાવ્યું હતું કે, ચોકલેટ પણ ખેતરમાં જ ઊગે છે.
  4. આ સર્વેમાં ભાગ લેનારા ૬થી ૧૧ વર્ષના ૩૬ ટકા બાળકો વિચારે છે કે, તેમના માટે દૂધ કરતાં સ્ક્વોશ વધારે સારું છે. છથી સાત વર્ષના ૪૩ ટકા બાળકો માને છે કે, ગ્લાસ ભરેલા દૂધ કરતાં ગ્લાસ ભરેલા સ્ક્વોશમાં વધારે પોષકતત્ત્વો હોય છે.
  5. નવ ટકા બાળકો ક્યારેય ખેતરમાં ગયાં નથી. આ સંશોધન કરનારા સંશોધકો અનુસાર આ હકીકતના લીધે જ કદાચ દૂધ અને અન્ય ઉત્પાદનોના સ્ત્રોત વિશે તેમને ગેરસમજ છે.