2020માં ફેસબુક લોન્ચ કરશે બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી લિબ્રા

2020માં ફેસબુક લોન્ચ કરશે બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી લિબ્રા

દુનિયામાં સૌથી મોટી સોશિયલ મીડિયા નેટવર્કિંગ કંપની ફેસબુકે બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરી છે અને એને લિબ્રા એવું નામ આપ્યું છે. લિબ્રાને 2020ની શરૂઆતના છ મહિનામાં લોન્ચ કરી દેવામાં આવશે. કંપનીએ કહ્યું છે કે આ કરન્સી દુનિયાભરના કરોડો લોકોની રોજબરોજની આર્થિક જરૂરિયાતો પૂરી કરશે.

આ પ્રોજેક્ટ પર ગત એક વર્ષથી કામ ચાલી રહ્યું છે અને ફેસબુકે આશરે એક અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. લિબ્રા એવી કરન્સી છે જેને ઉબર, માસ્ટરકાર્ડ, વોડાફોન, ઇબે અને સ્પોટીફાય સહિતની ૨૭ કંપનીઓએ માન્યતા આપી દીધી છે.

ફેસબુક દ્વારા લેવામાં આવેલું આ ઐતિહાસિક અને મોટું પગલું છે. લિબ્રા ગ્લોબલ ક્રિપ્ટોકરન્સી છે જેને બ્લોકચેન ટેકનોલોજીના આધારે બનાવવામાં આવી છે. આના દ્વારા લોકો પોતાના પૈસાનું ટ્રાન્ઝેક્શન કરી શકશે. પૈસા મોકલવા, રિસીવ કરવા, ખર્ચ કરવા અને સુરક્ષિત કરવા એ ઉપયોગી બનશે.

ફેસબુકના અધિકારી ડેવિડ માર્કસે કહ્યું હતું કે લિબ્રા પાસે દુનિયાભરનાં અબજો લોકો સુધી ઓપન ફાઇનેન્શિયલ ઇકોસિસ્ટમ પહોંચાડવાની સંભાવના છે.

યુઝરને કઈ રીતે થશે ફાયદો? 
લિબ્રાને ૨૦૨૦ સુધીમાં લોન્ચ કરી દેવામાં આવશે. લોન્ચ બાદ એ ફેસબુકના તમામ પ્લેટફોર્મ એટલે કે મેસેન્જર, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર કામ કરશે. કંપનીના દાવા મુજબ અહીં લોકોના પૈસા અને એની જાણકારી સલામત રહેશે. કંપની એના માટે અનેક સિક્યોરિટી મેઝર્સ પણ લાવશે અને એમાં અનેક પ્રકારના વેરીફિકેશન પ્રોસેસ હશે. કંપની આ માટે લાઇવ સપોર્ટ પણ રાખશે.

ગયા વર્ષે ભારતમાં પણ બિટકોઈન લોકપ્રિય બની હતી અને એનું ટ્રેડિંગ પણ થતું હતું. ભારતમાં બિટકોઈન બાદ ક્રિપ્ટોકરન્સી વિશે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. જોકે એના ભાવમાં ચડઉતર થતાં ઘણા લોકોને એના ટ્રાન્ઝેક્શનમાં નુકસાન થયું હતું. ફેસબુક જે કરન્સી લાવી રહ્યું છે એ પણ બિટકોઇન જેવી છે, પણ એમાં સલામતી ફીચર્સ ઘણાં છે.

શું છે લિબ્રા? 
લિબ્રા એ જીનીવામાં આવેલું એક નોન-પ્રોફિટ એસોસિએશન છે અને ફેસબુકે તેની સાથે ક્રિપ્ટોકરન્સી ઓપરેટ કરવા માટે કરાર કર્યો છે. ફેસબુકના બે અબજથી વધારે યુઝર્સ દુનિયાભરમાં ખૂબ જ આસાનીથી પૈસાની લેવડદેવડ કરી શકે એ માટે આ કરન્સી તૈયાર કરાઈ છે.

ફેસબુકના ક્રિપ્ટોકરન્સી આધારિત પ્રોજેક્ટ માટે માસ્ટર કાર્ડ, પેપલ, વિઝા અને સ્ટ્રાઇપ જેવી કંપનીઓએ પહેલેથી ફેસબુકને ૧૦ મિલિયન ડોલર્સ આપી દીધા છે જેથી ફેસબુક તેમને પોતાના નેટવર્કમાં સામેલ કરી શકે.

ફેસબુકે કહ્યું છે કે હાલમાં આ કરન્સી માટે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જોકે એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ફેસબુક લિબ્રા ક્રિપ્ટોકરન્સી દ્વારા ૧૯ અબજ ડોલરની આવક ઉભી કરી શકશે.