2 માતાઓનો ઉલ્લેખ કરી PM મોદીએ ઈશારામાં કહ્યું, “આવા તો કેટલાય આવ્યા ને ગયા”

2 માતાઓનો ઉલ્લેખ કરી PM મોદીએ ઈશારામાં કહ્યું, “આવા તો કેટલાય આવ્યા ને ગયા”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખ પ્રવાસ દરમિયાન આજે લેહમાં જવાનોને સંબોધિત કર્યા. આ સંબોધનમાં એક તરફ પીએમ મોદીએ ભારતીય જવાનોનો ઉત્સાહ વધાર્યો, તો બીજી તરફ તેમણે ચીનને જોરદાર સંભળાવ્યું. પીએમ મોદીએ કહ્યું કે ભારતીય જવાનોએ દુનિયાને પોતાની બહાદુરીનો પરચો આપ્યો છે. લદ્દાખમાં ચીની હરકતો પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે વિસ્તારવાદનો જમાનો જતો રહ્યો છે, વિકાસવાદનો સમય છે. પીએમ મોદીએ ચીનને ચેતવ્યું કે આવી શક્તિઓ નાશ પામે છે.

વિસ્તારવાદે માનવજાતિનો વિનાશ કર્યો

PM મોદીએ ચીનને ખરુંખરું સંભળાવતા કહ્યું કે, “વિસ્તારવાદનો યુગ ખત્મ થઈ ગયો છે અને વિકાસવાદનો યુગ છે. ઝડપથી બદલાતા સમયમાં વિકાસવાદ જ પ્રાસંગિક છે. વિકાસવાદ માટે અવસર છે એ જ વિકાસનો આધાર છે. ગત સદીમાં વિસ્તારવાદે માનવજાતિનો વિનાશ કર્યો. કોઈ પર વિસ્તારવાદની જીદ સવાર હોય તો હંમેશા તે વિશ્વ શાંતિ માટે ખતરો છે.” પીએમ મોદીએ કહ્યું કે, “ઇતિહાસ સાક્ષી છે કે આવી તાકાતો નષ્ટ થઈ જાય છે.” ઉલ્લેખનીય છે કે ચીન સમય-સમયે લદ્દાખ, અરૂણચાલનાં વિસ્તારો પર પોતાનો દાવો કરતુ રહે છે. એટલું જ નહીં હાલમાં રશિયા અને ભૂટાનની જમીન પર પણ તેણે પોતાનો દાવો કર્યો હતો.

2 માતાઓને યાદ કરીને લઉં છું નિર્ણય: PM મોદી

જવાનો સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, “આપણે વાંસળીવાળા શ્રીકૃષ્ણની પૂજા કરીએ છીએ. તો સુદર્શનચક્રધારી કૃષ્ણને પણ આદર્શ માનીએ છીએ.” પીએમ મોદીએ કહ્યું કે, “જ્યારે જ્યારે રાષ્ટ્ર રક્ષાનાં નિર્ણયો પર વિચારું છું ત્યારે સૌથી પહેલા બે માતાઓને યાદ કરું છું. સૌથી પહેલા આપણી ભારત માતા, બીજી આપણી વીર માતાઓ જેમણે સૈનિકોને જન્મ આપ્યો છે.” ત્યારબાદ પીએમ મોદીએ કહ્યું કે, “જવાનોનાં સુરક્ષા ઉપકરણો અને હથિયારોની દરેક સંભવ મદદ કરવાનો પ્રયત્ન સરકાર કરી રહી છે.” પીએમ મોદીએ કહ્યું કે, “અમે સશસ્ત્રદળોની જરૂરિયાતો પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યા છીએ.”

દુશ્મનોએ જોઈ લીધો છે તમારો જોશ અને ગુસ્સો

વડાપ્રધાન મોદીએ જવાનોનો ઉત્સાહ વધારતા કહ્યું કે, તેમની ભુજાઓ પથ્થરો જેવી છે. ત્યારબાદ પીએમ મોદી બોલ્યા કે, દુશ્મનોએ જવાનોનો જોશ અને ગુસ્સો જોઇ લીધો છે. જવાનોની પ્રશંસામાં પીએમ મોદીએ કહ્યું, “તમે જે વીરતા હાલમાં જ બતાવી છે તેનાથી વિશ્વમાં ભારતની તાકાતને લઇને એક સંદેશ ગયો છે. તમારા (જવાનો) અને તમારા મજબૂત સંકલ્પનાં કારણથી આત્મનિર્ભર ભારત બનવાનું આપણો સંકલ્પ મજબૂત થયો છે.” પીએમ મોદીએ કહ્યું કે, “તમારી ઇચ્છાશક્તિ હિમાલય જેવી મજબૂત અને અટલ છે, દેશને તમારા પર ગર્વ છે.”