2 જુલાઈએ ભૌમવતી અમાસ, જાણો તેનું શું છે મહત્વ

2 જુલાઈએ ભૌમવતી અમાસ, જાણો તેનું શું છે મહત્વ

હિંદુ ધર્મમાં પૂર્ણિમા, અમાવસ્યા અને ગ્રહણનાં રહસ્યોને ઉજાગર કરવામાં આવ્યું છે. આ સિવાય વર્ષમાં એવા ઘણા મહત્વપૂર્ણ દિવસ અને રાત છે જેમનો ધરતી અને માનવમન ઉપર ઊંડો પ્રભાવ પડે છે. તેમાંથી મહિનાનાં બે મહત્વપૂર્ણ દિવસ છે પૂર્ણિમા અને અમાવસ્યા. ‘મહાનિર્વાણ તંત્ર શાસ્ત્ર’ અનુસાર અમાવસ્યાના દિવસે કરવામાં આવતાં ઉપાયો બહુ જ પ્રભાવશાળી હોય છે. તેમનું ફળ પણ જલદી મળે છે. સાદી ભાષામાં અમાવસ્યાને અમાસ કહેવામાં આવે છે.

પિતૃદોષ હોય, કોઈ ગ્રહની અશુભતા દૂર કરવી હોય, ઘર, નોકરી, ધંધો, આર્થિક, માનસિક, પારિવારિક અન્ય બધા જ પ્રકારની પરેશાનીઓ અમાસનાં ઉપાયથી દૂર થઈ શકે છે. શાસ્ત્રોમાં અમાસની તિથિનાં સ્વામી ‘પિતૃદેવ’ છે. અમાસ સૂર્ય અને ચંદ્રનો મિલનકાળ છે. આ દિવસે બંને એક જ રાશિમાં રહે છે. દરેક મહિનાની અમાસમાં સોમવતી અમાસ, ભૌમવતી અમાસ, મૌની અમાસ, શનિ અમાસ, બુધ અમાસ, હરિયાળી અમાસ, દિવાળી અમાસ, સર્વપિતૃ અમાસ મુખ્યત્વે છે.

ધર્મ ગ્રંથો અનુસાર મંગળવારે આવનારી અમાસને ભૌમવતી અમાસ કહેવામાં આવે છે. ભૌમવતી અમાસ અષાઢ મહિનાની અમાસ છે. આ દિવસે ખેડુતો ખેતીમાં કામ આવનારા પોતાના યંત્રો જેમ કે, હળ વગેરેનું પૂજન કરે છે. આ માટે તેને હળહારિણી અમાસ કહેવામાં આવે છે. આ વર્ષે અમાસ મંગળવારે હોવાને કારણે ભૌમવતી અમાસનો યોગ બની રહ્યો છે.આ દિવસે જે જાતકની જન્મકુંડળીમાં પિતૃદોષ, કાલસર્પ દોષ, નાગ દોષ જેવા દોષને નિવારવા માટે ઉપાય કરી શકાય છે.

આ તિથિ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. અમાસ પર સ્નાન, દાન, શ્રાદ્ધ અને વ્રતનું વિશેષ મહત્વ આપણાં ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે, આ દિવસે કરવામાં આવેલાં ઉપાય જલ્દી જ શુભફળ પ્રદાન કરે છે. 
જાણો આ અમાસ પર તમે કયા-કયા ઉપાયો કરી શકો છો

હિન્દુ ધર્મમાં અમાસને પિતૃઓની તિથિ માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગાયના ગોબરથી બનેલ છાણા અને શુદ્ધ ઘી અને ગોળ મેળવીને ધૂપ સળગાવીને રાખવા જોઈએ. જો ઘી અને ગોળ ન હોય તો ખીરથી પણ ધૂપ આપી શકો છો.

જો શક્ય ન હોય તો ઘરમાં જ પણ તાજુ ભોજન બનેલું હોય, તેનાથી પણ ધૂપ આપીને પિતૃઓને પ્રસન્ન કરી શકાય છે. ધૂપ આપ્યા પછી હથેળીમાં પાણી લો અને અંગુઠાના માધ્યમથી તેને ધરતી ઉપર છોડી દો. આવું કરવાથી પિતૃઓને તૃપ્તિનો અનુભવ પ્રાપ્ત થાય છે અને આપણને આશીર્વાદ આપે છે. જેનાથી આપણાં જીવનમાં સુખ-શાંતિ બની રહે છે.

અમાસના દિવસે પિંડદાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. ખાસ કરીને સોમવતી અમાસ, બુધવારી અમાસ, શનિ અમાવસ્યાનાં દિવસે પિતૃ તર્પણ કરવામાં આવે છે. આ દિવસે ગાય કુતરાને રોટલી ખવડાવવાથી ભિખારીઓને ભોજન કરાવવાથી પિતૃદોષ શાંત થાય છે. શિવજીને પંચામૃતથી અભિષેક કરાવવો જોઈએ. સુખ-સમૃદ્ધિ, આરોગ્ય અને આયુષ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે શનિની સાડાસાતી દુર કરવા શનિ મંત્રોનો જાપ કરવો જોઈએ.