13 દેશ કોરોના મુક્ત થયા, 131 દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન ચાલુ થયું  : WHO

13 દેશ કોરોના મુક્ત થયા, 131 દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન ચાલુ થયું : WHO

। ન્યૂયોર્ક ।

સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ કાબુમાં આવવાની આંશિક શરૂઆત થઈ છે છતાં આખા વિશ્વમાં ૯.૬૧ કરોડથી વધુ લોકોને સંક્રમણ થયું છે. કુલ સંક્રમિતોની સંખ્યા ૯,૬૧,૦૦,૪૪૧ થઈ છે જ્યારે ૨૦,૫૧,૮૦૮ લોકોનાં મોત થયાં છે. ૬,૮૭,૭૩,૦૨૦ લોકો સાજા થયા છે. ૨,૫૨,૭૫,૬૧૩ લોકો સારવાર હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૪,૭૪,૨૪૦ કેસ આવ્યા છે જ્યારે ૯૨૪૦નાં મોત થયાં છે.  બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ વિશ્વમાં ૧૩ દેશ અને ટાપુઓ કોરોના મુક્ત થયા છે. જો કે ૧૩૧ દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન ચાલુ થયું છે. જેમાં અમેરિકા, ફ્રાન્સ, પાકિસ્તાન, યુકે, બ્રાઝિલ, યુકે જેવા દેશો સામેલ છે. ભારતમાં હજી કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું નથી.

અમેરિકાનાં ૩૦ રાજ્યોમાં કોરોનાથી મોતના આંકડામાં સતત વધારો

અમેરિકામાં વકરેલા કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. શિયાળો જામી રહ્યો છે ત્યારે યુએસનાં ૩૦ રાજ્યોમાં કોરોનાને કારણે થઈ રહેલો મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે. કુલ ૪,૦૮, ૬૨૩ લોકો કોરોનાનાં ખપ્પરમાં હોમાયાં છે. બ્રિટન અને યુકેથી ફેલાયેલા નવા વાઈરસે કેટલાંક રાજ્યોમાં પગપેસારો કરતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. ન્યૂયોર્કનાં ગવર્નર કુઓમોઓ જ્યાં નવો વાઈરસ ફેલાયો છે તેવા દેશમાંથી આવતા પ્રવાસીઓ માટે ટ્રાવેલ પ્રતિબંધ લાદવા માગણી કરી છે. સરકારે બ્રિટન અને બ્રાઝિલથી આવતા લોકો પર પ્રતિબંધ મૂક્યો છે. એરિઝોનામાં સ્થિતિ વધારે ગંભીર છે જ્યાં દરરોજ થતા મોતની સરેરાશ ૯૦થી વધીને ૧૬૦ થઈ છે. ૧૭ જાન્યુઆરીએ અહીં ૧૬૦ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. લોસ એન્જલસમાં દર ૬ મિનિટે ૧ વ્યક્તિનું મોત થઈ રહ્યું છે.

( Source – Sandesh )