૯ સપ્ટેમ્બરે મુંબઈ આવું છું, કોઈના બાપની તાકાત હોય તો રોકી દેખાડે : કંગનાનો લલકાર

૯ સપ્ટેમ્બરે મુંબઈ આવું છું, કોઈના બાપની તાકાત હોય તો રોકી દેખાડે : કંગનાનો લલકાર

બોલિવૂડમાં પોતાના મનની વાત બિનધાસ્ત રીતે રજૂ કરનાર અભિનેત્રી કંગના રનૌત અને શિવસેનાના નેતા સંજય રાઉત વચ્ચેનો વિવાદ વકર્યો છે. કંગના અને રાઉત વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. મુંબઈ મરાઠી માનુષના બાપનું છે તેવી રાઉતની ટિપ્પણી પર પલટવાર કરતા કંગનાએ કહ્યું કે હું ૯ સપ્ટેમ્બરે મુંબઈ આવી રહી છું. કોઈની તાકાત હોય તો મને રોકી દેખાડે. કંગનાએ કહ્યું કે મહારાષ્ટ્ર કોઈના બાપનું નથી, ઉખાડો, મારું શું ઉખાડશો?  બીજા ટ્વિટમાં કંગનાએ લખ્યું કે એક મહાન પિતાની સંતાન હોવું જ તમારી એકમાત્ર ઉપલબ્ધિ ન હોઈ શકે. મને મહારાષ્ટ્ર પ્રેમ અથવા તો નફરતનું સર્ટિફિકેટ આપનાર તમે કોણ છો ? તમે એવું કેવી રીતે નક્કી કરી લીધું કે તમે મારી કરતા મહારાષ્ટ્રને વધારે પ્રેમ કરો છો અને હવે મને મુંબઈ આવવાનો કોઈ અધિકાર નથી. મહારાષ્ટ્ર કોઈના બાપનું નથી. મહારાષ્ટ્ર એવા લોકોનું છે જેમણે મરાઠી ગૌરવને પ્રતિષ્ઠિત કર્યું છે અને હું ડંકાની ચોટ પર કહું છું કે હું મરાઠી છું, ઉખાડો મારું શું ઉખાડી લેશો.

કંગના માફી નહીં માગે તો તેને પાઠ ભણાવીશું : મનસેની ધમકી

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા અમેય ખોપકરે એવું જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકાર કંગનાની સામે દેશદ્રોહનો કેસ દાખલ કરીને તેની તાત્કાલિક ધરપકડ કરે. કંગનાને શરમ આવવી જોઈએ કે જે શહેરે તેને બધું આપ્યું તેને જ તે બદનામ કરી રહી છે. જો કંગના માફી નહીં માગે તો મનસેની મહિલા વિંગ તેને જરૂરથી પાઠ ભણાવશે. કંગના માનસિક રોગની શિકાર બની છે.

મરાઠી માનુષના બાપનું મુંબઈ : દુશ્મનોનું શ્રાદ્ધ કર્યા વગર નહીં રહીએ : સંજય રાઉત

સંજય રાઉતે ટ્વિટ કરીને જણાવ્યું કે મુંબઈ મરાઠી માનુષના બાપની છે જેમને આ મંજૂર ન હોય તે પોતાનો બાપ દેખાડે. શિવસેના મહારાષ્ટ્રના દુશ્મનોનું શ્રાદ્ધ કર્યા વગર રહેશે નહીં, પ્રોમિસ જય હિંદ, જય મહારાષ્ટ્ર.

કંગના રનૌત અને સંજય વચ્ચેનો વિવાદ અહીંથી શરૂ થયો

થોડા દિવસો પહેલાં કંગનાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તે બોલિવૂડની ડ્રગ લિંક પર ઘણું બધું જાણે છે અને જો તેને સુરક્ષા મળે તો તે એનસીબીની મદદ કરવા તૈયાર છે. કંગના આ ટ્વિટ બાદ ભાજપ નેતા રામ કદમે મહારાષ્ટ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. બીજા ટ્વિટમાં કંગનાએ લખ્યું કે મને મુંબઈ પોલીસથી ડર લાગે છે. કંગના આ નિવેદન પર શિવસેના નેતા સંજય રાઉતે એવું જણાવ્યું હતું કે જો કંગનાને એટલો બધો ડર લાગતો હોય તો તેણે મુંબઈ ન આવવું જોઈએ. રાઉત પર પલટવાર કરતા કંગનાએ લખ્યું હતું કે મુંબઈ હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવું લાગે છે.