૫૦ વર્ષ પછીનું વિશ્વ આવું હશે

૫૦ વર્ષ પછીનું વિશ્વ આવું હશે

લંડન :

આવનારા ૫૦ વર્ષમાં અંડરવોટર હાઇવે, હોવરબોર્ડ આધારિત સ્પોર્ટ અને રજાઓ અંતરિક્ષમાં ગાળવાની ઘટના સામાન્ય બની રહેશે. ભાવિ ટેક્નોલોજી વિષેના એક અહેવાલમાં આ વાત કરવામાં આવી છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે થ્રી-ડી પ્રિન્ટેડ અવયવો, આપણા આરોગ્યની તકેદારી રાખવા થનારા પ્રત્યારોપણ, જાતે જ સફાઇ કરી લેતા (સેલ્ફ ક્લિનિંગ હોમ) બધું જ રોજિંદા જીવનનો ભાગ બની રહેશે. ટેક યુકેના પ્રમુખ તેમ જ એન્જિનિયરિંગ એન્ડ એજ્યુકેશનના નિયામક ડો. રાયસ મોરગન તેમજ ફુડ ફ્યુરિસ્ટ ડો.મોર્ગેન ગાયે સહિતના લોકો દ્વારા આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. ટેક્નોલોજી કંપની સેમસંગે લંડનના કિંગ્સ ક્રોસ ખાતે પોતાના નવા રિટેલ સ્ટોર સેમસંગ કેએક્સની શરૂઆત કરતાં આ અહેવાલ બહાર પાડયો હતો. સ્ટોર ખાતે જ ભાવિ ટેક્નોલોજીનો અનુભવ કરાવતી સુવિધાઓનું નિદર્શન પણ થાય છે. ટેક ટયુટોરિયલ્સ સ્ટોરમાં તેની સમજ આપતાં હોય છે. સ્ટોર ખાતે આરોગ્ય સંબંધી ભાવિ ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રની ટેક્નોલોજીનું નિદર્શન પણ થાય છે.

લંડનના સ્ટોરમાં ભાવિ ટેક્નોલોજીનું નિદર્શન

લંડન ખાતે ઊભો થયેલો સેમસંગ સ્ટોર આ ભાવિ ફેરફારોની પ્રત્યક્ષ ઝાંખી પણ કરાવે છે. કંપનીનું કહેવું છે કે નવી પ્રોડક્ટનું ઉત્પાદન તેનો હેતુ નથી, પણ લોકો ભાવિ ટેક્નોલોજીનો સ્વીકાર કરવા આત્મવિશ્વાસપૂર્વક તૈયાર થાય તે કંપનીનો હેતુ છે. સ્ટોરની મુલાકાત લેનારા નવી ટેકનોલોજીને પ્રત્યક્ષ નિહાળી શકે છે.

આરોગ્ય ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવશે

ટેકનોલોજીના વિકાસ અને વિસ્તાર સાથે ૫૦ વર્ષના ગાળામાં વર્ચ્યુઅલ કંપેનિયન (શરીરની અંદર ઇમ્પ્લાન્ટ થનારું ઉપકરણ) તે સામાન્ય ઘટના બની રહેશે. તે ઉપકરણ તમારા આરોગ્ય સ્ટેટસ વિશે સતત જાણકારી આપતું રહેશે. કોઇક રોગનાં લક્ષણો જોવા મળે તો પણ આ સિસ્ટમ તમને અનેક ભાષામાં જાણ પણ કરી શકશે. જેમને અવયવના પ્રત્યારોપણની જરૂર હશે તેમના માટે મહત્ત્વના અવયવોનું મોટાપાયે થ્રી ડી પ્રિન્ટિંગ થશે. તેમનું માનવું છે કે ઇનસેક્ટ્સ તે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત બની રહેશે. રસોડાના સાધનો પણ બદલાઇ જશે.

પરિવહન મોરચે આવશે ક્રાંતિ

આ સ્ટોરનું કહેવું છે કે વર્ષ ૨૦૬૯ સુધીમાં પરિવહન વ્યવસ્થામાં ક્રાંતિ આવી જશે. તે સમય સુધીમાં બ્રિટન અને યુરોપ વચ્ચે અંડરવોટર ટયૂબ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો ઉપયોગ શરૂ થઇ ગયો હશે. કેટલાક દેશો વચ્ચે હાઇ સ્પીડ પોડ્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો પણ આરંભ થઇ ગયો હશે. શહેરને ભીડભાડથી બચાવવા ફ્લાઇંગ ટેક્સી કે બસ સેવાનો આરંભ થઇ ગયો હશે. લાંબા અંતરની મુસાફરી માટે રિયૂઝેબલ રોકટ સેવાનો આરંભ થઇ ગયો હશે. આ સેવાની મદદથી લંડનથી ન્યૂયોર્ક માત્ર ૩૦ મિનિટમાં પહોંચી શકાશે. ડિજિટલ ક્રાંતિ । અભ્યાસ અહેવાલના સહલેખિકા ડી રોજાસનું કહેવું છે કે ૨૫૦ વર્ષ પહેલાં જેમ ઔદ્યોગિક ક્રાંતિએ જીવનશૈલીને બદલી નાખી તે જ રીતે આવનારા ૫૦ વર્ષમાં થનારી ડિજિટલ ક્રાંતિ અને ટેકનોલોજીમાં આવનારા પરિવર્તનો જીવન તરાહને જ બદલી નાખશે. બ્રિટનવાસીઓ વચ્ચે આ સંબંધમાં થયેલા સરવેના તારણો કહે છે કે રોબોટ ટેકનોલોજીથી સજ્જ સેલ્ફ ક્લિનિંગ હોમ પ્રથમ પસંદ છે.