૩૭૦ રદ થયા બાદ કાશ્મીરમાં પહેલી ઈદ : સરકારની અગ્નિપરીક્ષા

૩૭૦ રદ થયા બાદ કાશ્મીરમાં પહેલી ઈદ : સરકારની અગ્નિપરીક્ષા

કાશ્મીરમાં કલમ ૩૭૦ દૂર થયા બાદ સોમવારે પહેલી ઈદ આવી રહી છે. આ ઈદની ઉજવણી કેન્દ્ર સરકાર માટે મોટો પડકાર બની ગઈ છે. અહીંયા લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રવિવારે સવારે ખરીદી માટે બજાર ખોલાયા બાદ આતંકી હુમલાના ભયે બજારો બંધ કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત લોકોને મુશ્કેલી ન પડે તે માટે લોકોના ઘરે જ ઈંડા, બ્રેડ, શાકભાજી, ફળો અને અન્ય વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. સૂત્રોના મતે કાશ્મીરમાં આતંકી ઘુસાડવા અને હુમલા કરવા પીઓકેમાં મોટાપાયે તૈયારીઓ ચાલતી હોવાની જાણકારી બાદ સરકારે સઘન વ્યવસ્થા ગોઠવી દીધી છે.

ઈદના પ્રસંગે લોકોને જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓ ઘેર સુધી પહોંચતી કરવા સરકાર અને પ્રશાસન કમર કસી હતી. પ્રશાસન દ્વારા કાશ્મીર ડિવિઝનમાં ૩૬૯૭ રેશન ઘાટ શરૂ કરાયા હતા. સરકારી વાન દ્વારા લોકોના ઘર સુધી શાકભાજી, એલપીજી, ચિકન, ઈંડા વગેરે સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી હતી. પ્રશાસન દ્વારા બહાર પડાયેલા એક નિવેદનમાં કહેવાયું કે સરકારે તમામ જરૂરી સામાનનો સ્ટોક જમા કરી રાખ્યો છે. સરકારની પાસે લગભગ ૬૫ દિવસ સુધી ચાલી શકે તેટલો ઘઉ, ૫૫ દિવસ સુધી ચાલનાર ચોખા, ૧૭ દિવસ સુધી ચાલે તેટલું મટન, ૧ મહિનાનું ચિકન, ૩૫ દિવસનું કેરોસીન, ૧ મહિના સુધી ચાલે તેટલો રાંધણગેસ અને ૨૮ દિવસ સુધી ચાલે તેટલા પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક છે.  છૂટીછવાઈ હિંસાની ઘટના બાદ શ્રીનગરમાં ફરી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો. પોલીસના વાહનોએ શેરીઓમાં ફરી ફરીને લોકોને તેમના ઘર રહેવાની તથા દુકાનદારોને દુકાનો બંધ કરવાની અપીલ કરી હતી. રાજ્યપાલ સત્યપાલ મલિકે લોકોને ઈદની શુભેચ્છા પાઠવી હતી. બીજી તરફ સૂત્રોના મતે નજરકેદમા રહેલા પીડીપી ચીફ મહેબૂબા મુફતી અને એનસી નેતા ઓમર અબ્દુલા વચ્ચે બોલાચાલી થઈ હતી. કાશ્મીરના હરિ નિવાસમાં ઉપરના માળે મહેબૂબા તો નીચેના માળે ઓમરને રખાયા હતા. સૂત્રોના મતે ઓમરને બીજા ગેસ્ટહાઉસમાં ખસેડવામાં આવ્યા છે.

૩૦૦ ટેલિફોન બૂથ બનાવાયાં

સિવિલ પ્રશાસને નિવેદનમાં જણાવ્યું કે ઈદને ધ્યાનમાં રાખીને લોકો તેમના સગાવહાલા તથા મિત્રો સાથે વાતચીત કરી શકે તે માટે લગભગ ૩૦૦ ટેલિફોન બૂથ બનાવાયાં છે. ઈદની પૂર્વસંધ્યાએ રિયાસી, રામબન અને કિશ્તવાડ જિલ્લાઓમાં લોકો ખરીદી કરવા ઉમટયાં હતાં. આ જિલ્લાઓમાં રવિવારે બેકરી, પોલ્ટ્રી અને મટનની દુકાનો ખુલ્લી રાખવામાં આવી હતી અને તેની બહાર લોકોની ભીડ જામી હતી. ઈદને ધ્યાનમાં રાખીને ખીણ વિસ્તારમાં રવિવારે પણ બેન્કોને ચાલુ રાખવામાં આવી હતી.

ઈદ માટે રાજ્ય પ્રશાસનની તૈયારીઓ

  • જમ્મુ કાશ્મીરના કર્મચારીઓને પગાર, જીપી ફંડ, પેન્શન, ગ્રેજ્યુઈટી આપી દેવાઈ
  • શ્રીનગર શહેરમાં છ મંડીઓ બનાવાઈ, ઈદની કુર્બાની માટે ૨.૪ લાખ ઘેટાંઓ ઉપલબ્ધ કરાવાયાં
  • ૩,૬૯૭ રેશન ઘાટોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ
  • હાજીઓની સુવિધા માટે હાજી હાઉસ અને એરપોર્ટ પર સ્પેશિયલ હેલ્પલાઈન
  • દરેક મહત્વપૂર્ણ જગ્યાએ મેજિસ્ટ્રેટની તૈનાતી
  • ૨૪ કલાક વીજળી મળી રહે તે માટે વધારાના વીજ કર્મચારીઓની તૈનાતી
  • ઈદની તૈયારી માટે તમામ પ્રોવિઝન, બેકરી, મિઠાઈ, પોલ્ટ્રી, મટનની દુકાનો ચાલુ રહી

ભારત પર અફઘાની હુમલાનું આઈએસઆઈનું કાવતરું, બકરીઈદ પર એલર્ટ

ગુપ્તચર એજન્સીઓએ દેશમાં આતંકી હુમલાની ચેતવણી આપી છે. પાક. ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ભારતમાં અફઘાની નાગરિકો પર હુમલાનું કાવતરું કરી રહી હોવાનો પણ રિપોર્ટ હતો. તે ઉપરાંત બકરીદની નમાઝ દરમિયાન આતંકીઓ મોટી સરકારી સંસ્થાઓ,બસ, મેટ્રો અને એરપોર્ટ પર હુમલો કરે તેવી પણ ભીતિ છે.

લાહોરમાં મહારાજા રંજિતસિંહની પ્રતિમા ખંડિત : ૨ ની ધરપકડ

પાકિસ્તાનના લાહોર શહેરમાં બે ઉપદ્રવકારીઓએ મહારાજા રંજિતસિંહની પ્રતિમા ખંડિત કરી હતી. પોલીસે બન્ને યુવકોની ધરપકડ કરી હતી. આ વર્ષના જુનમાં લાહોરના કિલ્લામાં ૧૯ મી સદીના શીખ સામ્રાજ્યના શાસક રહેલા મહારાજા રંજિતસિંહની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.

૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા ઉપર હુમલો થવાની ભીતિ, એલર્ટ જારી કરવામાં આવ્યું

ગુપ્તચર એજન્સીઓએ ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા ઉપર પણ હુમલો થવાની ભીતિ ઉચ્ચારી હતી. આ ચેતવણી બાદ દેશભરમાં અને ખાસ કરીને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધારવા એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. લાલ કિલ્લાની ૩ કિ.મીના વિસ્તારમાં વિસ્ફોટ કરવાનો પ્લાન હોવાના એલર્ટ જારી થયા બાદ તમામ વાહનોનું ચેકિંગ વધારી દેવાયું હતું. તે ઉપરાંત એરપોર્ટ ઉપર પણ સિક્યોરિટી સજ્જ કરાઈ હતી.