૨૦૧૯માં સ્થળાંતર મામલે ભારતીયો અવ્વલ, ૧.૭૫ કરોડ વિદેશોમાં સ્થાયી

૨૦૧૯માં સ્થળાંતર મામલે ભારતીયો અવ્વલ, ૧.૭૫ કરોડ વિદેશોમાં સ્થાયી

। સંયુક્ત રાષ્ટ્ર ।

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી કરાયેલા અહેવાલ અનુસાર વિદેશોમાં સ્થળાંતરના મામલે ભારતીયો અવ્વલ છે. ૧.૭૫ કરોડ ભારતીયો વિદેશોમાં સ્થાયી થયા છે. ૨૦૧૯માં વિદેશોમાં સ્થળાંતર કરી સ્થાયી થનારાની સંખ્યા ૨૭ કરોડ ૨૦ લાખ પર પહોંચી ગઈ છે. યુએન ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ (DESA) દ્વારા જારી કરાયેલા અહેવાલ ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ સ્ટોક ૨૦૧૯માં વિશ્વના તમામ દેશ અને પ્રદેશોમાં પહોંચેલા આંતરરાષ્ટ્રીય સ્થળાંતરીઓ અંગેની તમામ માહિતી આપવામાં આવી છે. આ રિપોર્ટ વસતી ગણતરીના આધારે વિદેશમાં જન્મેલા અથવા તો વિદેશીઓ, વસતીના રજિસ્ટરો અથવા તો નેશનલ રિપ્રેઝન્ટેટિવ સરવેના આધારે તૈયાર કરાયો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આખા વિશ્વમાં વિદેશોમાં જઈ વસતા લોકોમાં એક તૃતીયાંશ લોકો ફક્ત ૧૦ દેશોના છે. જેમાં ટોચના સ્થાને ભારત છે. ભારતના ૧ કરોડ ૭૫ લાખ નાગરિકો વિદેશોમાં સ્થળાંતર કરીને સ્થાયી થયા છે. સંયુક્ત રાષ્ટ્રના અંડર સેક્રેટરી જનરલ લિઉ ઝેનમિને જણાવ્યું હતું કે, આ આંકડા સ્થળાંતરીઓના તેમના પોતાના દેશ અને સ્થળાંતર દેશના વિકાસમાં તેમના દ્વારા અપાયેલા યોગદાન માટે અત્યંત મહત્ત્વના છે. નિયમિત, સુરક્ષિત અને વાજબી સ્થળાંતરના કારણે વિકાસના લક્ષ્યાંકો હાંસલ કરવામાં ઘણી મદદ મળી રહેશે.