૧૭ હોટેલનો ભારતીય માલિક યુએસ એરપોર્ટ પર સૂટકેસ ચોરતા ઝડપાયો

૧૭ હોટેલનો ભારતીય માલિક યુએસ એરપોર્ટ પર સૂટકેસ ચોરતા ઝડપાયો

। ન્યૂયોર્ક ।

અમેરિકાના મેમ્ફિસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સૂટકેસની ચોરી કરવાના કેસમાં ભારતીય મૂળના હોટેલિયર દિનેશ ચાવલાની ધરપકડ કરવામાં આવી છે. તેણે ગુનો કબૂલી લીધો છે અને ભૂતકાળમાં પણ આવી ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી છે. તેને હાલમાં ૫,૦૦૦ ડોલરના જામીન પર છોડવામાં આવ્યો છે.

દિનેશ ચાવલાની અમેરિકાના મિસિસિપીમાં ૧૭ હોટેલો છે. તે ચાવલા હોટેલ્સનો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. તે હાલમાં ક્લિવલેન્ડમાં એક લક્ઝરી હોટેલ બનાવી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર સાથે પણ તે હોટેલનો બિઝનેસ કરી ચૂક્યો છે અને તે ટ્રમ્પની ચાર હોટેલોમાં બિઝનેસ પાર્ટનર રહી ચૂક્યો છે. આ વર્ષે જ તેની ભાગીદારી પૂરી થઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પનો નાનો ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર ફેબ્રુઆરીમાં જ તેની સાથેની પાર્ટરનશિપમાંથી અલગ થયો હતો. દિનેશ ચાવલાએ ટ્રમ્પ પરિવાર સાથે હોટેલ ખોલવાનો પ્રયાસ કર્યો હતો, જોકે એ નિષ્ફળ રહ્યો હતો.

મિસિસિપીના ક્લિવલેન્ડના રહેવાસી દિનેશ ચાવલાને ગયા ગુરુવારે ચોરીના કેસમાં પકડવામાં આવ્યો હતો. પોલીસે આપેલી જાણકારી મુજબ ૧૮ ઓગસ્ટે દિનેશ ચાવલા એરપોર્ટની બહાર એક સૂટકેસને તેની કારમાં મૂકતો નજરે પડયો હતો. એ પછી તેની ફ્લાઇટ પકડવા માટે એરપોર્ટની અંદર ગયો હતો. જોકે દિનેશ ચાવલા પાછો ફર્યો ત્યારે પોલીસે એરપોર્ટ પર તેની ધરપકડ કરી હતી. ચાવલાની કારમાંથી ચોરી થયેલી સૂટકેસ અને એક મહિના પહેલાં પણ ચોરી કરાયેલી બીજી સૂટકેસ પોલીસને મળી આવી હતી. આ સૂટકેસોમાં આશરે ૪,૦૦૦ ડોલરનો સામાન હતો.

તેણે ચોરીનો આરોપ માન્ય કર્યો છે. તેણે આ પહેલાં પણ આ રીતે ચોરી કરી હોવાની વાત પણ સ્વીકારી છે. તેણે પોલીસને કહ્યું હતું કે ચોરી કરવી એ ગુનો છે અને મને એની જાણ છે પણ આ ચોરી માત્ર મજા માટે અને સસ્પેન્સ ઊભું કરવા માટે કરી છે. ટ્રમ્પ અને ચાવલા ૧૯૮૮થી એકબીજાને ઓળખે છે. એ સમયે દિનેશ ચાવલાના પપ્પા વી. કે. ચાવલાએ ડોનાલ્ડ ટ્રમ્પ સિનિયર પાસે ગ્રીનવૂડમાં એક મોટેલ ખોલવા મદદ માગી હતી.