૧૦માંથી એક વ્યક્તિ કોરોના વાઈરસ હોવાની ખબર પડતાં પહેલાં અનેકને ચેપ લગાડે : સર્વે

૧૦માંથી એક વ્યક્તિ કોરોના વાઈરસ હોવાની ખબર પડતાં પહેલાં અનેકને ચેપ લગાડે : સર્વે

કોરોના વાઇરસના ૧૦ ટકા દર્દીઓને એવા લોકોએ ચેપ લગાવ્યો જેમને ખબર જ નહોતી કે તેઓ માંદા છે, કોરોનાનો ચેપ તેમને લાગી ગયો છે. તેમને બીજાઓને ચેપ લગાવ્યાના દિવસો પછી કોરોનાનાં લક્ષણો દેખાયાં હતાં. સિંગાપોરમાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે કોરોનાના ૧૦માંથી એક દર્દીને સ્વસ્થ દેખાતી વ્યક્તિએ કોરોનાનો ચેપ લગાડયો છે. આ પરિણામ દર્શાવે છે કે કોરોનાનો ચેપ અદૃશ્ય રહીને અજાણ લોકો દ્વારા પોતાનો પગપેસારો કરી રહ્યો છે. એક કેસ એવો છે જેમાં કોરોનાનો દર્દી ચર્ચની એક બેઠક પર બેઠો હતો, કલાકો પછી એ જ બેઠક પર ૫૨ વર્ષની એક મહિલા આવીને બેઠી તો એને પણ ચેપ લાગી ગયો. એ માણસ ચર્ચની બેઠક પર બેઠો હતો ત્યારે સ્વસ્થ હતો. કલાકો પછી એને કોરોનાનાં લક્ષણ દેખાયાં હતાં. આ હકીકત ચર્ચમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ઝડપાયેલાં દૃશ્યોના આધારે જાણવા મળી હતી.  આ અભ્યાસ પછી અમેરિકાને સૂચન કરવામાં આવ્યું છે કે કોરોના વાઇરસ સાવ ગુપચુપ છાનાં પગલે ચેપ ફેલાવે છે. એટલે કોરોનાના દર્દીના કોઈપણ રીતના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોનાના કેરિયર જ ગણવા.  સિંગાપોરમાં ૨૪૩ કોરોના કેસોનો, તેનો ચેપ લાગ્યો હોય એવા ૧૫૭ સ્થાનિક લોકોનું નિરીક્ષણ કરાયું

એકબીજા વચ્ચે અંતર રાખવામાં આવે તો બચી શકાય

કોરોનાનાં આ લક્ષણના કારણે જ નિષ્ણાતોને હજી સમજમાં નથી આવતું કે કોરોનાના ચેપનો ફેલાવો શી રીતે પકડવો ! આ વાઇરસ જગતભરમાં ૯,૪૦,૦૦૦ લોકોને ચેપ લગાવી ચૂક્યો છે અને ૪૭,૦૦૦ લોકોનો ભોગ લઈ ચૂક્યો છે.  આ અભ્યાસનાં પરિણામોએ સાબિત કરી આપ્યું કે દરેક દેશના તમામ નાગરિકો એકબીજાથી દૂર જ રહે તો જ એનો ફેલાવો ધીમો પાડી શકાય. એ સાથે તેને રોકવા માટેના અકસીર ઉપાય પણ શોધવા જરૂરી બને છે. આ સંશોધન કરનાર લોરેન એન્સેલ મેયર્સ ઓસ્ટીન શહેરમાં આવેલી ટેકસાસ યુનિર્વિસટીમાં સંશોધક છે. તેમણે જગતના વિવિધ દેશોમાં કોરોના વાઇરસના ફેલાવાનો અભ્યાસ કર્યો છે.

ઘણી વખત વ્યક્તિને લક્ષણો દેખાતાંનથી પણ તે કેરિયર બની જાય છે

સિંગાપોરના આ અભ્યાસમાં જાન્યુઆરીથી માર્ચ દરમિયાનના ૨૪૩ કોરોના વાઇરસ કેસોનો અને તેનો ચેપ લાગ્યો હોય એવા ૧૫૭ સ્થાનિક લોકોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નાગરિકો બીજા કોઈ દેશમાં ગયા જ નહોતા. એમાં જાણવા મળ્યું કે કોરોનાનાં લક્ષણ જરાય ન હોય એવા આ કેરિયરોએ કોરોનાનો ઝડપી ફેલાવો ધરાવતા સાત વિવિધ જૂથોમાં ચેપ ફેલાવ્યો હતો. સ્થાનિક કેસોની સંખ્યાના ૬ ટકા લોકો આ રીતે ચેપનો ભોગ બન્યા છે. આ અભ્યાસે ચીનમાં અગાઉ કરવામાં આવેલા અભ્યાસને સાચો સાબિત કર્યો છે. ચીનના અભ્યાસમાં પણ કહેવામાં આવ્યું હતું કે દસમાંથી એક માણસને એવા લોકોનો ચેપ લાગ્યો જેમને હજી કોરોનાનાં કોઈ લક્ષણ બહાર નહોતાં આવ્યાં.   ચીન પછી તરત જ જર્મનીમાં પણ કોરોના વાઇરસના ફેલાવા પર અભ્યાસ કરવામાં આવ્યો હતો એમાં પણ આ જ હકીકત જાણવા મળી હતી.  આ તથ્ય આ વાઇરસને અતિ ભયાનક બનાવે છે.

૨૫ ટકા લોકોમાં લક્ષણ જણાતા નથી : અમેરિકી સંશોધક

મ્યુનિક શહેરમાં આવેલી બુન્ડેસ્વેહર ઇન્સ્ટિટયૂટ ઓફ માઇક્રોબાયોલોજીના સંશોધકોએ એવા નવ લોકોના નાક અને ગળાનાં સેમ્પલ લીધાં જેમને માત્ર સામાન્ય થાક કે કફ જ હતો, પરંતુ એ સેમ્પલ તપાસ્યા તો એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કોરોના વાઇરસ જોવા મળ્યા. આવા લોકો કોરોનાનો ચેપ લાગ્યા પછી એના કોઈ જાતનાં લક્ષણો વિકસાવ્યા વગર એનો ચેપ અન્ય લોકોને લગાડતા રહે છે.  અમેરિકાના રોગ પ્રતિરોધ અને નિયંત્રણ કેન્દ્રના ડાયરેક્ટર ડો. રોબર્ટ રેડફિલ્ડે જણાવ્યું કે દર ચારમાંથી એક માણસ આ કેટેગરીમાં જોવા મળે છે. જોકે હજી સુધી એ જાણવા મળ્યું નથી કે કયા પ્રકારના કેરિયરથી કેટલા લોકોને ચેપ લાગે છે, પરંતુ અંદાજે ૨૫ ટકા કોરોના વાઇરસ ધરાવતા લોકોને એનાં કોઈ લક્ષણ દેખાતાં નથી. તેથી સ્વસ્થ લાગતા માણસોએ પણ બહાર નીકળે તો માસ્ક અને હાથમોજાં પહેરવાં જોઈએ. એમ કરવાથી તમને ચેપ લાગવાની શક્યતા સાવ નાબૂદ થતી નથી, પરંતુ તમે બીજા લોકોને ચેપ લગાવો એની શક્યતા જરૂર નહીંવત્ કરી શકાય છે.