હેરિટેજ સિટીના ધાબા પરથી પતંગ ચગાવવાના ભાડામાં તોતિંગ વધારો, એક દિવસનું ભાડું જાણીને લાગશે ઝાટકો

હેરિટેજ સિટીના ધાબા પરથી પતંગ ચગાવવાના ભાડામાં તોતિંગ વધારો, એક દિવસનું ભાડું જાણીને લાગશે ઝાટકો

ઉત્તરાયણ આડે હવે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે અમદાવાદ જેવા વિસ્તારમાં અને એમાંય જૂનું અમદાવાદ તો સવારથી સાંજ સુધી એએએ….કાપ્યો….ના અવાજથી ગુંજી ઊઠે છે. બીજી તરફ શહેરના કોટ વિસ્તારની રસપ્રદ વાત એ છે કે, અહીંની પોળોમાં પતંગ ચગાવવા માટે ધાબા ભાડેથી મેળવવા પડે છે. આ ટ્રેન્ડ છેલ્લા ઘણા વર્ષોથી શરૂ થયો છે. જેથી સામાન્ય ચીજવસ્તુઓના જેવી રીતે ભાવ વધ્યા છે તેવી જ રીતે આ વર્ષે પતંગ ચગાવવા માટે મળતા ધાબાના ભાડામાં પણ તગડો વધારો થયો છે.

ગત વર્ષ કરતાં આ વખતે ધાબાના ભાવમાં વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. ગત વર્ષે નાના ધાબાના રૃ.૫થી ૬ હજાર અને મોટા ધાબાના રૂપિયા 10થી 12 હજાર ભાડું હતું. પરંતુ આ વખતે ભાડામાં પાંચથી સાત હજારનો વધારો થતા મોટા ધાબાનું ભાડું 20 હજાર સુધી પહોંચ્યું હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, વિદેશમાં રહેતા પસંત રસિકો અત્યારથી જ ધાબા બુક કરાવવા લાગ્યા છે.

ગાંધીરોડ, પાંચકૂવા, ખાડિયાની પોળમાં ધાબાની ડિમાન્ડ

શહેરના રાયપુર, ગાંધીરોડ, ખાડિયા, રિલીફ રોડ, સહિત કોટ વિસ્તારમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી વખતે ધાબાની ડિમાન્ડ થાય છે. આ ધાબાઓનું એક દિવસનું ભાડું રૂપિયા 5 હજાર સુધી બોલાતુ હોય છે. મહત્ત્વનું છે કે, વિદેશમાં તેમજ અન્ય રાજ્યમાં રહેતા પતંગ રસિકો અમદાવાદની પોળોમાં ઉત્તરાયણની ઉજવણી કરવા આવતાં હોય છે. જેથી આ લોકો ભાડેથી ધાબા રોકતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે.

ધાબા માલિકો કેટરિંગ ર્સિવસ સાથે પણ પેકેજ આપે છે

ધાબા માલિકો દ્વારા જાતે જ કેટરિંગ ર્સિવસ સાથેના પેકેજ પણ પૂરા પાડી રહ્યાં છે. જેમાં ફીરકી, પતંગ, મ્યુઝિક, સિસ્ટમથી લઈ બ્રેક ફાસ્ટ, લંચ અને હાઈ-ટીનો પણ સમાવેશ કરવામાં આવે છે.

પતંગ-દોરીના ભાવમાં 15 ટકાનો વધારો પરંતુ બજારમાં ગ્રાહકો નહીં

ગત વર્ષે પતંગની એક કોડી રૂપિયા 60માં વેચાતી હતી તે આ વખતે રૂપિયા 80માં વેચાઈ રહી છે તેમજ દોરીમાં પણ 10થી 15 ટકાનો વધારો થયો છે. મહત્ત્વનું છે કે, પતંગના ભાવ વધ્યા છે પરંતુ બજારમાં મંદી જોવા મળી રહી છે. તહેવારો નજીક આવે એટલે ગ્રાહકોની ભીડથી માહોલ બનતો હોય છે પરંતુ હજુ સુધી આ માહોલ નથી.