હારેલો જુગારી બમણું રમેઃ ટ્રમ્પ ખુરશી નહીં છોડવાના મૂડમાં છે

હારેલો જુગારી બમણું રમેઃ ટ્રમ્પ ખુરશી નહીં છોડવાના મૂડમાં છે

આવતા મહિનાની ત્રીજી તારીખે અમેરિકાના મતદારો નક્કી કરશે કે ૫૯મા રાષ્ટ્રપતિની ખુરશીમાં કોણ હશે- રિપબ્લિકન પાર્ટીના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કે ડેમોક્રેટિક પાર્ટીના જો બિડેન? ટ્રમ્પ બીજાં ચાર વર્ષ માટે ચંૂટણી લડી રહ્યા છે. ટ્રમ્પના શાસનનો વર્તમાન ગાળો બહુ વિવાદાસ્પદ રહ્યો છે અને એમાં કોરોના વાઈરસની ઉપાધિમાં તો તેમના વહીવટની સરેઆમ નાકામી સામે આવી છે.

મહામારી, આર્થિક મંદી અને વંશીય તનાવ જેવી મુસીબતો વચ્ચે યોજાઈ રહેલી આ ચૂંટણી ટ્રમ્પ માટે અઘરી સાબિત થઇ રહી છે. સપ્ટેમ્બર મહિનામાં અમેરિકામાં થયેલા અલગ-અલગ મીડિયાના સરવેમાં પ્રતિસ્પર્ધી બિડેનની લોકપ્રિયતા ૫૦ ટકાએ ટકેલી હતી, જ્યારે ટ્રમ્પ ૪૦ ટકાની આસપાસ ચક્કર મારતા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણી બીડેન જીતી જશે એવું કોઈ કહેતું નથી, પરંતુ ટ્રમ્પ માટે ચઢાણ સહેલું નથી, તેમાં બધા જ સહમત છે.

ટ્રમ્પ ખુદ ભ્રમમાં નથી. કદાચ એ નર્વસ પણ છે. તેની એક સાબિતી એ છે કે તેમણે પાછલા ઘણા પ્રસંગોએ એવો સંકેત આપ્યો છે કે ચૂંટણીનાં પરિણામો જો તેમના પક્ષમાં નહીં હોય, તો તેઓ આસાનીથી સત્તા નહીં છોડે. ૨૪ સપ્ટેમ્બરે વ્હાઈટ હાઉસમાં પત્રકાર પરિષદમાં એક પત્રકારે ટ્રમ્પને સીધું જ પૂછ્યું હતું કે, ‘તમે શાંતિપૂર્ણ રીતે સત્તાના હસ્તાંતરણની ખાતરી આપશો?’ ત્યારે તેમણે કહ્યું હતું, ‘એ તો જોવું પડે. એમ હસ્તાંતરણ નહીં થાય.’ તેમાં પાછા તે કોરોનામાં પટકાઈને ચૂંટણીપ્રચારમાંથી આઉટ થઇ ગયા છે. આમાં એ વધુ મરણિયા બનશે.

ત્રીજી નવેમ્બરે મતદારો ઈલેક્ટોરલ કોલેજ ચૂંટે, તે પછી ૧૪મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિની પસંદગી થાય અને ૨૦મી જાન્યુઆરીએ શપથ લેવાય. એટલે ટ્રમ્પ પાસે બે મહિનાનો ગાળો રહેશે. જો ઈલેક્ટોરલ કોલેજમાં બહુમતી મળતી નજર ન આવે, તો તે કાનૂની રીતે તેને પડકારે, તેવું લાગે છે. કોરોનાની મહામારીના કારણે અમેરિકામાં રાજ્યોએ તેમના મતદારોને ટપાલથી મતદાન કરવાનો વિકલ્પ આપ્યો છે. ટ્રમ્પ શરૂઆતથી ટપાલથી મતદાનના વિરોધી છે અને તેમને ડર છે કે તેમની જીતમાં તેનાથી ર્ફ્ક પડી શકે છે.

વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પના નર્વસ સંકેતથી રાજકીય અને મીડિયા વર્તુળોમાં ખાસ્સી હલચલ મચી ગઈ હતી. તે જ અઠવાડિયે બીજા એક પત્રકારે તેમના સંભવિત પરાજયની સ્થિતિમાં ફ્રીથી તેમને સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંતરણ અંગે પૂછ્યું અને ટ્રમ્પે ફ્રીથી કહ્યું, “જોઈએ શું થાય છે. તમને તો ખબર જ છે કે હું (ટપાલથી) મત માટે સખત ફ્રિયાદ કરી રહ્યો છું. આ મતો દુર્ઘટના છે.”

તે જ વખતે ટ્રમ્પના પ્રતિસ્પર્ધી જો બીડેનને તેમના કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું કે પ્રતિકૂળ પરિણામો આવ્યાં તો ટ્રમ્પ શાંતિપૂર્ણ રીતે સત્તા છોડવાના મૂડમાં નથી, તો બિડેને કહ્યું કે, “અમેરિકાના લોકો આ ચૂંટણી નક્કી કરશે, અને વ્હાઈટ હાઉસમાંથી ઘૂસણખોરોને બહાર કાઢવા માટે અમેરિકન સરકાર પૂર્ણપણે સક્ષમ છે.”

અમેરિકામાં  ખૂબ ચર્ચા ચાલે છે કે ટ્રમ્પ જો ચૂંટણી હારી જાય, તો તે શું કરશે. એક થિયરી એવી છે કે તે પરિણામોને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. અમેરિકન સુપ્રીમ કોર્ટમાં નવ ન્યાયાધીશ છે અને તેમાંની એકમાત્ર મહિલા ન્યાયાધીશ જસ્ટિસ રૂથ બેડર ગીન્સબર્ગનું ૧૯મી સપ્ટેમ્બરે જ અવસાન થયું છે. ગીન્સબર્ગ ઉદારવાદી હતી અને તેના માનવાધિકારોની રક્ષા માટે તેમજ સ્ત્રીઓની સમાનતા માટે ‘કુખ્યાત’ હતી. તે સ્વતંત્ર વિચારોવાળી ન્યાયાધીશ હતી. તે બીમાર હતી અને તેણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે હું ચૂંટણીનાં પરિણામ આવે ત્યાં સુધી જીવતી રહું, જેથી ટ્રમ્પ તેમને અનુકૂળ ન્યાયાધીશને બઢતી ન આપે. પરંતુ ગીન્સબર્ગનું તે પહેલાં અવસાન થયું અને ટ્રમ્પે તેમના સ્થાને કન્ઝર્વેટિવ એમી કોને બર્રેટની નિમણૂક કરી છે. નવેમ્બરથી જાન્યુઆરીનો જે સમય છે, તેમાં ટ્રમ્પ ચૂંટણી પરિણામોમાં કાનૂની ગૂંચ ઊભી કરે એવું મનાય છે.

રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ પાસે વ્યાપક સત્તાઓ છે અને તે એના એકાધિકારોનો ઉપયોગ કરીને ખુરશી પર ચીટકી રહી શકે છે. મિલિટરી અને સિક્રેટ ર્સિવસ તેમના સીધા આદેશ હેઠળ કામ કરે છે, પરંતુ બિડેન કહે છે તેમ, જો સ્પષ્ટ પરિણામ આવ્યું, મતલબ કે પાતળી સરસાઈના બદલે મોટી સરસાઈથી પરિણામ આવ્યું, તો સિક્રેટ ર્સિવસના એજન્ટો ટ્રમ્પને સન્માન સાથે વ્હાઈટ હાઉસની બહાર લઇ જઈ શકે છે.

તેવા સંજોગોમાં એવી પણ ચિંતા વ્યક્ત થઇ રહી છે કે ટ્રમ્પના સમર્થકો હિંસા પર ઊતરી આવે. તેમણે તેમના સમર્થકોને મતદારો પર ‘નજર’ રાખવા કહ્યું છે, જે એક રીતે ર્ગિભત ધમકી જ છે. ટ્રમ્પ આપખુદ શાસક છે અને ચાર વર્ષથી હિંસાની ભાષામાં જ બોલતા આવ્યા છે. તે વિરોધીઓને ગણતા નથી, ટીકા સહન કરતા નથી, મીડિયાને ફેક ન્યૂઝ કહે છે અને પત્રકારો સાથે તોછડાઈ કરે છે. અમેરિકામાં ગોરા પોલીસના હાથે એક અશ્વેતની હત્યા થઇ તે પછી જે હિંસા થઇ હતી, તેમાં ટ્રમ્પે સડકો પર મિલિટરી ઉતારવાની ધમકી આપી હતી. તે અસાધારણ વાત હતી, કારણ કે અમેરિકાના ઇતિહાસમાં મિલિટરી ક્યારેય આંતરિક બાબતોમાં પડી નથી.

જે લોકતાંત્રિક વ્યવસ્થાથી તે ચૂંટાઈને આવ્યા છે, તેમાં જ તેમને વિશ્વાસ નથી. તેમને  લાગે છે કે ડેમોક્રેટિક શાસનવાળાં રાજ્યો તેમની સામે ષડ્યંત્ર કરી રહ્યાં છે અને ટપાલથી મતદાનની વ્યવસ્થામાં ગોટાળા કરશે. લોકતાંત્રિક વ્યવસ્થા અને મૂલ્યોમાં વિશ્વાસ હોય તો ટ્રમ્પે ખાલી એટલું જ કહેવાનું હતું કે તે લોકશાહીમાં લોકો સર્વોપરી છે અને હું લોકતાંત્રિક ચૂંટણીનાં પરિણામોનું સન્માન કરીશ, પરંતુ દુનિયા અનેક આપખુદ સત્તાધીશો (જેમ કે, રશિયાના પુતિન અને ચીનના શી જિનપિંગ)ની જેમ ટ્રમ્પ પોતાને ખુરશીની બહાર જોવા તૈયાર નથી.

અમેરિકન કોંગ્રેસના સૌથી જૂના અપક્ષ સેનેટર અને ડેમોક્રેટિક સમર્થક બર્ની સેન્ડરે એક ભાષણમાં કહ્યું હતું કે, “મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે હું તમારી સમક્ષ ક્યારેય આ વિષય પર ચર્ચા કરીશ; રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચૂંટણી હારી જશે, તો ચૂપચાપ ખુરશીમાંથી ઊતરી જશે? આ ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન વચ્ચે નથી. આ ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પ અને લોકશાહી વચ્ચે છે- અને એમાં લોકશાહીનો વિજય થવો જ જોઈએ.”

( Source – Sandesh )