હાઇડ્રોક્સિક્લોરોક્વિનની 8.5 કરોડ ટેબ્લેટનો જંગી પુરવઠો ભારત 108 દેશોને પૂરો પાડશે

હાઇડ્રોક્સિક્લોરોક્વિનની 8.5 કરોડ ટેબ્લેટનો જંગી પુરવઠો ભારત 108 દેશોને પૂરો પાડશે

। નવી દિલ્હી ।

ભારત હાલમાં મેડિકલ ડિપ્લોમસી અજમાવી રહ્યું છે. કોવિડ-૧૯નો સામનો કરવા ભારત ૧૦૮ જેટલા દેશોને ૮.૫ કરોડ જેટલી હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટેબ્લેટ તેમ જ ૫૦ કરોડ પેરાસિટોમોલ ટેબ્લેટનો જથ્થો પૂરો પાડવા જઈ રહ્યું છે. સરકારના એક ટોચના અધિકારીએ આ માહિતી આપી હતી. ભારત આ ઉપરાંત આ ટેબ્લેટ તૈયાર કરવા જરૂરી એવો પેરાસિટોમલ ગ્રેન્યુઅલ્સનો ૧,૦૦૦ ટન જથ્થો પણ પૂરો પાડી રહ્યું છે. અત્યારસુધીમાં ૬૦ જેટલા દેશોને ૪,૦૦૦ જેટલા કન્સાઇનમેન્ટ રવાના થઈ ચૂક્યા છે. ભારત કુલ ૧૦૮ દેશોને ષધનો જથ્થો પૂરું પાડવા જઈ રહ્યું છે. દવાનો આ પુરવઠો ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન, વિદેશી ઇવેક્યુશન ચાર્ટર વિમાન તેમ જ ડિપ્લોમેટિક કાર્ગો રાહે આ જથ્થો પૂરો પડાઈ રહ્યો છે. ભારત સહિતના મોટાભાગના દેશો પોતાની ઉડ્ડયન સેવા સ્થગિત રાખી ચૂક્યા છે તેવામાં ૧૦૮ દેશોને દવા પુરવઠો પૂરો પાડવો તે ખૂબ જ જટિલ કામગીરી કહી શકાય.

મોરેશિયસ, સેશલ્સને ભેટરૂપે મોકલાયેલો દવાનો જથ્થો વાયુસેનાના વિશેષ વિમાનની મદદથી પહોંચ્યો હતો. હવે અફઘાનિસ્તાનને દવાનો પુરવઠો મોકલવામાં આવી રહ્યો છે.

૩૧ દેશોને કોવિડનો સામનો કરવા સહાય  

અધિકારીઓએ જણાવ્યા મુજબ કોવિડ-૧૯નો સામનો કરવાની સહાયના રૂપમાં ૩૧ જેટલા દેશોને હાઇડ્રોક્સિક્લોરોક્વિન અને પેરાસિટોમોલનો જથ્થો પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે. કેટલાક દેશો સુધી ડિલિવરી થઈ ચૂકી છે. કોરોના વાઇરસથી વધુ પડતા પ્રભાવિત મિત્ર દેશોને તાકીદે દવાનો પુરવઠો પહોંચતો કરવાને મુદ્દે ધ્યાન અપાઈ રહ્યું છે.