હાઇકોર્ટમાં અરજી / અમદાવાદમાં અભ્યાસ કરતાં બહારના રાજ્યોના વિદ્યાર્થીઓએ કહ્યું,‘અમને દારૂ પીવા દો’

હાઇકોર્ટમાં અરજી / અમદાવાદમાં અભ્યાસ કરતાં બહારના રાજ્યોના વિદ્યાર્થીઓએ કહ્યું,‘અમને દારૂ પીવા દો’

  • NID-IIMની બે વિદ્યાર્થિની સહિત પાંચે દારૂબંધી સામે હાઇકોર્ટમાં અરજી કરી
  • રાજ્યમાં લોકોને ઘરમાં બેસી દારૂ પીવા પર રોક લગાવતા કાયદાને ભેદભાવયુક્ત ગણાવ્યો

અમદાવાદ: દારૂબંધીના કાયદાના અમલ પર રોક લગાવવા હાઇકોર્ટમાં કુલ પાંચથી પણ વધુ અરજી થઇ છે. તે પૈકી એક અરજી મૂળ બહારના રાજ્યોની અને ગુજરાતમાં એનઆઈડી અને આઈઆઈએમમાં ભણતી બે યુવતીઓએ કરી છે. તમામ અરજીઓમાં એવી રજૂઆત કરાઇ છે કે, રાજ્યભરમાં ઘરમાં બેસીને લોકોના દારૂ પીવાના અધિકાર પર તરાપ મારી શકાય નહીં. ગુજરાત બહારથી આવતા કેટલાક ડિગ્નિટરીઝ, બિઝનેસમેન અને ખેલાડીઓને દારૂ પીરસવામાં આવે છે. પરંતુ ગુજરાતના લોકોને ઘરમાં બેસીને દારૂ પીવા દેવા રોક લગાવી છે તે ભેદભાવયુક્ત નીતિ છે.
અરજીમાં એવી દલીલ કરાઇ છે કે, દારૂબંધીના કાયદાથી લોકોની ગુપ્તતાના અધિકારનો ભંગ થાય છે. સરકાર કોઇ વ્યક્તિના દારૂના સેવન કરવાના અધિકારને પ્રતિબંધિત જાહેર કરી શકે નહીં. આહાર અને પીણા પીવાની પસંદગી પર દરેક માણસનો વ્યક્તિગત અધિકાર છે અને તેના પર સરકાર રોક લગાવી શકે નહીં. સરકારને વ્યક્તિગત સ્વાતંત્ર્ય પર તરાપનો હક નથી.
બહારથી આવતી કંપનીના લોકોને દારૂની છૂટ હોય તો રાજ્યના લોકોને કેમ નહીં?
અરજીમાં એવી રજૂઆત કરાઇ છે કે ગુજરાત સિવાયના રાજ્યોમાં દારૂ પીવાને લીધે બહારથી આવતી કંપનીઓ મોટાપાયે રોકાણ કરી રહી છે. પણ ગુજરાતમાં દારૂબંધીને લીધે મોટી કંપનીઓ મૂડીરોકાણ કરવા પણ ખચકાય છે. બહારથી આવેલી કંપનીના લોકો માટે દારૂની છૂટછાટ મળતી હોય તો ગુજરાતના લોકો સાથે કેમ ભેદભાવ રાખવામાં આવે છે? અરજીમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, ખ્રિસ્તી જાતિમાં વાઇન જેવા પીણા પીવા તે સંસ્કૃતિક પંરપરા છે. સરકારના દારૂબંધીના કાયદાને લીધે ખ્રિસ્તી જાતિની કેટલાક લોકોની પરંપરા પણ અવરોધાય છે. અરજદારોએ એવી રજૂઆત કરી હતી કે, દારૂબંધીનો કાયદો વ્યક્તિ સ્વાતંત્રય પર તરાપ સમાન છે. પરંતુ સરકાર બનાવેલા કાયદાને કારણે લોકોને ગુપ્તતાનો કે ખાણીપીણીની પસંદગીનો અધિકાર મળતો નથી.