હવે બિગ બજાર, ફૂડ બજાર પર રિલયાન્સનો કબજો, રૂપિયા 24,713 કરોડમાં ડીલ કરી ફાઇનલ

હવે બિગ બજાર, ફૂડ બજાર પર રિલયાન્સનો કબજો, રૂપિયા 24,713 કરોડમાં ડીલ કરી ફાઇનલ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ની પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ(RRVL) એ આજે એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે તેણે ફ્યુચર ગ્રુપ પાસેથી લગભગ 24,713 કરોડ રૂપિયામાં તેનો રિટેલ એન્ડ હોલસેલ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ બિઝનેસને હસ્તગત કર્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ ફ્યુચર ગ્રુપની આ રિટેલ એન્ડ હોલસેલ ક્ષેત્રની કંપનીને રિલાયન્સ રિટેલ એન્ડ ફેશન લાઈફસ્ટાઈલ લિમિટેડ(RRFLL)માં ટ્રાન્સફર કરવામાં આવશે. આ સિવાય લોજિસ્ટિક્સ એન્ડ વેરહાઉસિંગ કામકાજને પણ RRVLમાં ટ્રાન્સફર કરવામાં આવશે એવી માહિતી છે. રિપોર્ટ પ્રમાણે મર્જર બાદ RRFLL, ફ્યુચર એન્ટરપ્રાઇઝ લિમિટેડ(FEL)માં 6.09 ટકા હિસ્સો ખરીદવા માટે પ્રેફરેન્સિયલ ઈશ્યૂમાં 1,200 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ સિવાય ઈક્વિટી વોરન્ટ્સના પ્રેફરન્શિયલ ઇશ્યૂમાં 400 કરોડ રૂપિયાનું રોકાણ કરશે, જે ઈશ્યૂ પ્રાઈઝના 75 ટકા રૂપાંતરણ અને બેલેન્સની ચુકવણીને આધિન રહેશે. આ સાથે જ RRFLL દ્વારા FELનો વધારાનો 7.05 ટકા હિસ્સો હસ્તગત કરાશે.

ઈશા અંબાણીએ કહી આ વાત:

રિપોર્ટ પ્રમાણે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણીએ કહ્યું કે આ કરાર કરવા સાથે જ ફ્યુચર ગ્રુપના ફોર્મેટ્સ તથા બ્રાન્ડ્સને વધુ યોગ્ય સ્વરૂપ આપવા અને ભારતમાં આધુનિક ક્રાંતિ લાવવામાં અગત્યની ભૂમિકા ભજવવા અને બિઝનેસ ઈકોસિસ્ટમને સુરક્ષિત રાખવા બદલ અમને ખુશી થઈ રહી છે. નાના વેપારીઓ-કિરાણા તેમ જ વિશાળ કન્ઝ્યુમર બ્રાન્ડ સાથે સક્રિય સંકલન ધરાવતા અમારા ઉત્તમ મોડેલ સાથે અમે રિટેલ ઉદ્યોગમાં પણ વૃદ્ધિને વેગ આપવાની કામગીરીને જાળવી રાખશું.

રિપોર્ટ પ્રમાણે આ હસ્તાંતરણ SEBI, CCI, NCLT, શેરધારકો, ધિરાણકર્તાઓ તેમ જ હિતધારકોની મંજૂરીને આધિન છે. ઉલ્લેખનીય છે કે RRVLએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની છે અને તે પોતાની પેટાકંપનીઓ મારફતે કન્ઝ્યુમર સપ્લાય ચેઈન કારોબાર તથા કન્ઝ્યુમર રિટેલ બિઝનેસની કામગીરી ધરાવે છે.