હવે તલાક, તલાક, તલાક કહેનારાઓની ખેર નહીં, મોદી સરકારની ઐતિહાસિક સિદ્ધી

હવે તલાક, તલાક, તલાક કહેનારાઓની ખેર નહીં, મોદી સરકારની ઐતિહાસિક સિદ્ધી

મુસ્લીમ મહિલાઓને એક સાથે ત્રણ તલાકને ગેરકાયદેસર ગાણવતુ ઐતિહાસીક બિલ લાંબી ચર્ચા બાદ આખરે રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું છે. સાથે જ હવે આ બિલને લઈને કાયદો બનાવવાનો માર્ગ પણ સાફ થઈ ગયો છે. હવે રાષ્ટ્રપતિ પાસેથી મંજુરી મળતા જ આ બિલ કાયદો બનશે. ઉપલા ગૃહમાં આ મામલે આજે હાથ ધરવામાં આવેલા મતદાનમાં બિલના સમર્થનમાં 99 અને વિરોધમાં 84 મત પડ્યા હતાં.

મતદાન દરમિયાન બીએસપી, પીડીપી, ટીઆરએસ, જેડીયૂ, એઆઈએડીએમકે અને ટીડીપી જેવી અનેક પાર્ટીઓએ વોક આઉટ કર્યું હતું. આ બિલ પસાર થતાની સાથે જ વિરોધ પક્ષની નબળી રણનીતિ પણ ખુલ્લી પડી ગઈ છે. આ બિલ પર શરૂઆતથી જ આક્રમકતાથી વિરોધ કરનારી કોંગ્રેસ છેલ્લી ઘડીએ પોતાના જ સાથી પક્ષોને સાથે એકજુથ રાખી શકી નહોતી.

આ અગાઉ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાના પ્રસ્તાવ પણ 100ની સરખામણીમાં 84 મતોથી ફગાવી દેવામાં આવ્યો. લાંબા સમયથી પડતર રહેલા આ બિલને મોદી સરકારે સફળતાપૂર્વક પાસ કરાવીને એ પણ સાબિત કરી દીધું છે કે, ઉપલા ગૃહમાં તેની રણનીતિ એકદમ સટીક હતી. અત્યાર સુધી બિલનો વિરોધ કરનારી જેડીયૂ, ટીઆરએસ, બીએસપી અને પીડીપી જેવા પક્ષોએ તો મતદાન દરમિયાન જ તેમાં ભાગ લીધો નહોતો જેથી ભાજપ માટે આ બિલ પાસ કરાવવું વધારે સરળ બન્યું હ્તું.

અગાઉ 26 જુલાઈએ આ સત્રમાં લોકસભામાં પસાર થઈ ચુક્યુ હતું. મોદી સરકાર પહેલા કાર્યકાળ વખતથી જ આ ટ્રિપલ તલાક બિલ પસાર કરવાના પ્રયાસ રહી હતી. ગત કાર્યકાળમાં પણ આ બિલ લોકસભામાં પસાર થઈ જતુ હતું પરંતુ રાજ્યસભામાં અટકી પડતુ હતું. જોકે સરકાર આ મામલે અધ્યાદેશ પણ લાવી ચુકી છે. આ વખતે મોદી સરકારના બીજા કાર્યકાળમાં કેટલાક ફેરફાર સાથે બિલ રજુ કરવામાં આવ્યું હતું. આખરે મોદી સરકારને લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોમાં આ બિલ પસાર કરવામાં ઐતિહાસિક સફળતા મળી છે.

અમે હાર જીત વિષે ક્યારેય નથી વિચાર્યું : કાયદા મંત્રી

રવિશંકર પ્રસાદે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ કાર્યવાહી નહોતી થઈ શકતી અને નાની-નાની વાતો પર ત્રણ તલાક આપવામાં આવી રહ્યા હતા. અમે આ કારણે ફરીથી કાયદો લઈને આવ્યા છીએ. તેઓએ કહ્યું કે લોકોની ફરિયાદ બાદ બિલમાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા છે. હવે તેમાં જામીન અને સમજૂતીની જોગવાઈ પણ રાખવામાં આવી છે. આ સવાલને વોટ બેંકના ત્રાજવે ન જોખવામાં આવે, આ સવાલ ન્યાય, નારી ગરિમા અને નારી ઉત્થાનનો છે.

કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં કહ્યું કે, કેટલાક લોકોને બિલમાં કેટલીક ખામીઓ લાગી, તેમને લાગ્યું કે તેનો દુરુપયોગ થઈ શકે છે તો અમે તેમાં ફેરફાર કર્યા, એફઆઈઆર માત્ર પત્ની, પત્નીઓના લોહીની સગાઈમાં આવનારા લોકો દ્વારા નોંધી શકાશે. અમે તેમાં જામીન, કસ્ટડી અને દંડની જોગવાઈ પણ રાખી છે.