હવે ક્યારેય નહીં થાય વિક્રમ લેન્ડર સાથે સંપર્ક, ISRO સહિત આખા દેશની આશા રહેશે અધુરી!

હવે ક્યારેય નહીં થાય વિક્રમ લેન્ડર સાથે સંપર્ક, ISRO સહિત આખા દેશની આશા રહેશે અધુરી!

ચંદ્રયાન-2 મિશન અંતર્ગત ચંદ્ર પર મોકલવામાં આવેલા વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે સંપર્ક અત્યાર સુધી નથી થઇ શક્યો. 22 જુલાઈનાં લોન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન-2 મિશન અંતર્ગત 7 સપ્ટેમ્બરનાં વિક્રમ લેન્ડરને ચંદ્રની સપાટી પર લેન્ડ કરાવવાનું હતુ, પરંતુ ચંદ્રની સપાટીથી કેટલાક અંતરથી તેનો સંપર્ક છૂટી ગયો. હવે આજે વિક્રમ લેન્ડર સાથે સંપર્કનો અંતિમ દિવસ છે. જો આજે ઇસરોનાં વૈજ્ઞાનિક આમાં સફળ ના થઇ શક્યા તો કદાચ તેનાથી ક્યારેય સંપર્ક નહીં થાય. આ પાછળ કારણ છે કે તેની મિશન લાઇફ ફક્ત 14 દિવસની હતી, જે આજે ખત્મ થઈ રહી છે.

ઇસરોએ વિક્રમ લેન્ડરની મિશન લાઇફ 14 દિવસની નક્કી કરી હતી

7 સપ્ટેમ્બરનાં હાર્ડ લેન્ડિંગની સાથે ચંદ્રમાની સપાટી પર પહોંચેલા લેન્ડરથી સંપર્ક ફરીવાર સાધવાનાં પ્રયત્નોમાં અત્યાર સુધી સફળતા હાથ લાગી નથી. ચંદ્રમાનાં એક દિવસનો સમયગાળો પૃથ્વી પરનાં 14 દિવસ બરાબર છે. ખગોળશાસ્ત્રીઓ અનુસાર સૂર્યનું અજવાળુ હવે ઓછું થઇ રહ્યું છે અને ચંદ્ર પર અંધારુ થશે. ઇસરોએ વિક્રમ લેન્ડરની લાઇફ 14 દિવસની નક્કી કરી હતી. હવે તમામ ધ્યાન ઑર્બિટર પર છે. પોતાના તમામ નિર્ધારિત લક્ષ્યોને ઇસરો ઑર્બિટર દ્વારા મેળવશે. ઑર્બિટર 100 ટકા કાર્ય કરી રહ્યું છે. તેમાં લાગેલા 8 પેલોડ સંપૂર્ણ રીતે એક્ટિવ છે. તે યોજના અનુસાર સતત કામ કરી રહ્યું છે.

આશા હતી કે વિક્રમ લેન્ડર સાથે ફરી સંપર્ક થશે

વિક્રમ લેન્ડરનાં હાર્ડ લેન્ડિંગ બાદ ઇસરોએ એ આશા જગાવી હતી કે વિક્રમ સાથે એકવાર ફરી સંપર્ક સાધવા માટે 14 દિવસનો સમય છે. આ 14 દિવસમાં ઇસરોએ થર્મલ ઑપ્ટિકલ તસવીરોથી વિક્રમની સ્થિતિની જાણકારી મેળવી. એ જાણવા મળ્યું કે લેન્ડિંગ હાર્ડ થઇ છે, પરંતુ તેના કારણે તેના ઢાંચામાં કોઈ નુકસાન નથી થયું. વૈજ્ઞાનિકોએ પોતાની આશાઓને જગાવી રાખી અને સતત ઇસરોએ પોતાના ડીપ સ્પેસ સેન્ટરથી સિગ્નલ મોકલ્યા. ઑર્બિટરે દરેક વખતે સિગ્નલનો રિસ્પોન્સ આપ્યો. બીજી તરફ વિક્રમ સુધી સિગ્નલ પહોંચ્યા ખરી, પરંતુ ત્યાંથી કોઇ જ રિસ્પોન્સ આવ્યો નહીં.

મુખ્ય બે રીતે ચંદ્રયાન-2 કરવાનું હતુ કાર્ય

ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-2એ મુખ્ય 2 રીતે કામ કરવાનું હતુ. ઑર્બિટરે જ્યાં ચંદ્રની સપાટીથી 100 કિમી દૂરથી ઑબ્સર્વ કરવાનું હતુ. તો લેન્ડર અને રોવરે ચંદ્રની જમીન પર ઉતરીને, ત્યાં હાજર માટીને ખોદીને સળગાવવાની હતી, જેથી તેમાં હાજર રાસાયણિક તત્વોની જાણકારી મેળવી શકાય, પરંતુ વિક્રમ સાથે સંપર્ક તૂટવાની સ્થિતિમાં આ પ્રયોગ હવે નહીં થઈ શકે.