હપ્તાનો ખેલ : ‘ધંધો કરવો હોય તો 5 હજાર આપવા પડશે’, AMCના નામે બીજા વેપારીઓ પાસેથી હપ્તાની ઉઘરાણી કરતો શાકભાજીનો વેપારી પકડાયો

હપ્તાનો ખેલ : ‘ધંધો કરવો હોય તો 5 હજાર આપવા પડશે’, AMCના નામે બીજા વેપારીઓ પાસેથી હપ્તાની ઉઘરાણી કરતો શાકભાજીનો વેપારી પકડાયો

  • શાકભાજીનો વેપારી બીજા વેપારીઓ પાસેથી હપ્તાની ઉઘરાણી કરતો હતો
  • વેપારીએ પૈસા ન આપ્યા તો એક્ટિવા પર અપહરણ કરીને ધમકી આપી

શહેરના વટવામાં રહેતા અને શાકભાજી વેચતા એક વ્યક્તિ પાસે AMCના નામે હપ્તાની ઉઘરાણી કરવાનો મામલો સામે આવ્યો છે. જેમાં આરોપીએ ‘ધંધો કરવો હોય તો 5 હજાર રૂપિયા આપવા પડશે’, કહીને શાકભાજીના વેપારીને ધમકી આપ્યા બાદ રૂપિયા ના મળતા તેનું અપહરણ કરીને ફટકારવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસને જાણ કરતા હવે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

એ.એમ.સીના નામે હપ્તાની ઉઘરાણી
ઘટનાની વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના અને વટવામાં રહેતા ભકારામ પ્રજાપતિએ ખોખરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે તે સી.ટી.એમ એક્સપ્રેસ હાઇવે સામે ગ્રીન માર્કેટમાં શાકભાજીની દુકાન ધરાવે છે. અગાઉ શાકભાજીનો ધંધો કરતો મહેશ જોષી તેમની પાસે છેલ્લા સાતેક દિવસથી તારે ધંધો કરવો હોય તો એ.એમ.સીના હપ્તા પેટે રૂપિયા 5 હજાર આપવાનું ફરિયાદીને જણાવ્યું હતું.

અન્ય શાકભાજીના વેપારીઓ પાસે પણ હપ્તાની ઉઘરાણી
જોકે ફરિયાદી કોઈ ખોટો ધંધો કરતો ના હોવાથી તેણે મહેશને પૈસા આપ્યા નહોતા. જોકે છેલ્લા બે-ત્રણ દિવસથી મહેશ પૈસા માટે ફરિયાદીને ધમકી આપતો હતો. પરંતુ ફરિયાદી પાસે સગવડ ના હોવાથી તેણે પૈસા આપ્યા ન હતા. જ્યારે મહેશ માર્કેટ ના અન્ય શાકભાજીના વેપારીઓ પાસેથી પણ આ રીતે પૈસાની માંગણી હોવાનો ફરિયાદીને જાણવા મળ્યું હતું.

પૈસા ન મળવા પર વેપારીનું અપહરણ
ગઈકાલે સવારે ગ્રીન માર્કેટની બહાર મહેશે ફરિયાદી પાસે રૂપિયાની માંગણી કરતા ફરિયાદીએ રૂપિયા આપવાની ના પાડી હતી. જેથી મહેશ ઉશ્કેરાઈ ગયો હતો અને ગંદી ગાળો બોલી અને જબરજસ્તી ‘આજે તો તારી ખબર લઉ’ તેમ કહીને એક્ટીવા પર બેસાડી દીધો હતો અને નજીકમાં કેનાલ પર લઇ ગયો હતો. કેનાલ પર ઍક્ટિવા પાર્ક કરી મહેશે ફરિયાદીને જણાવ્યું હતું કે, આજે તો તારી ખબર લઇ લઉં. તું કેવો પૈસા આપતો નથી. જો કે આ દરમિયાન ફરિયાદીએ રૂપિયા આપવાની ખાત્રી આપતા મહેશ તેને કઈ ગ્રીન માર્કેટ પહોંચ્યો હતો. પરંતુ આગાઉથી ફરિયાદીના ભાઈએ પોલીસને જાણ કરેલી હોઈ પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થતાં પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

( Source – Divyabhaskar )