સ્વામિનારાયણ સંપ્રદાયનો અદ્ભુત ગ્રંથ- શિક્ષાપત્રી

સ્વામિનારાયણ સંપ્રદાયનો અદ્ભુત ગ્રંથ- શિક્ષાપત્રી

આપણા ભારતમાં વિવિધ ઉત્સવોની ઊજવણી કરવામાં આવે છે. આ ઉત્સવોમાં વસંતપંચમીનું સ્થાન અનોખું છે. સૂર્ય જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરે ત્યારથી વૃષભ રાશિમાં પ્રવેશ કરે ત્યાં સુધીના સમયગાળાને વસંતનો સમય ગણવામાં આવે છે. વસંતપંચમીના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાને વિશ્વ સમક્ષ સૌએ કેવી રીતે જીવન જીવવું જોઈએ તે માટે શિક્ષાપત્રી રૂપી ગ્રંથ આપ્યો. આ શિક્ષાપત્રીની રચના શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં મહા સુદ પંચમીના રોજ સંવત ૧૮૮૨માં વડતાલમાં કરી છે. જેની અંદર કુલ ૨૧૨ શ્લોકો છે.

શિક્ષાપત્રી એટલે…શિક્ષા એટલે હિતનો ઉપદેશ અને પત્રી એટલે પોતાનો અભિપ્રાય જેનાથી અન્ય સ્થળે પહોંચાડી શકાય તે સાધન. અર્થાત્ શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્ર-લેખ. મનુષ્યોએ પોતાનું જીવન કેવી રીતે જીવવું તેનો માર્ગ દેખાડી આપતું અણમોલ શાસ્ત્ર.

સરદાર વલ્લભભાઈ પટેલ કહે છે કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી પ્રમાણે સમાજ વર્તે તો દેશમાંથી પોલીસ થાણા તથા સર્વ પ્રકારની કોર્ટો ઉઠાવી લેવી પડે.

આ શિક્ષાપત્રી ઉપર ખુદ શ્રી સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા છે કે, ‘આ જે શિક્ષાપત્રી તે અમારું સ્વરૂપ છે. માટે તેને પરમ આદર થકી માનવી અને જે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચે પામશે.’ માટે આ અમારા આશ્રિતે આ શિક્ષાપત્રીનો નિત્યે પાઠ કરવો અને જેને વાંચતાં ન આવડતું હોય તેમણે શ્રવણ કરવું અને વાંચી સંભળાવે તેવો કોઈ ન હોય તો છેવટે આ શિક્ષાપત્રીની પૂજા કરવી અને એક ઉપવાસ કરવો.

આવી ૨૧૨ શ્લોકની સદ્બોધીની શિક્ષાપત્રીમાંથી અહીંયા ૨૧ જેટલા મનનીય સંસ્મરણો ચૂંટીને મૂકવામાં આવ્યા છે. તો આપણે તેને વાંચીએ અને તેને જીવનમાં ઉતારી કૃતાર્થ બનીએ.

  • અહિંસા આદિક સદાચાર, તેને જે મનુષ્ય પાળે છે તે આલોક ને પરલોકને વિશે મહાસુખિયા થાય છે. (શ્લોક-૮)
  • ઝીણા એવા જૂ, માંકડ, ચાંચડ આદિ કોઈ જીવ પ્રાણીમાત્રની પણ હિંસા ન કરવી. (શ્લોક-૧૧)
  • ક્રોધ અથવા કોઇ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો. (શ્લોક-૧૪)
  • ધર્મ કરવાને અર્થે પણ, કોઈએ ચોરનું કર્મ ન કરવું. (શ્લોક-૧૭)
  • ક્યારેય વ્યભિચાર ન કરવો તથા ભાંગ, મફર, માજમ ગાંજો એ આદિક વ્યસન તેનો ત્યાગ કરવો. (શ્લોક-૧૮)
  • જે કૃતઘ્ની હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહાર કાર્યને વિશે કોઈની લાંચ ન લેવી. (શ્લોક-૨૬)
  • ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું. (શ્લોક-૩૦)
  • જે લોકોને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી હોય તથા ગુરુ એ સર્વેનું અપમાન ન કરવું. (શ્લોક-૩૫)
  • વિચાર્યા વિના તત્કાળ કંઈ કાર્ય ન કરવું અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી. (શ્લોક-૩૬)
  • કોઈનો વિશ્વાઘાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાનાં વખાણ ન કરવાં. (શ્લોક-૩૭)
  • જે વસ્ત્ર પહેર્યે થકે પણ પોતાનાં અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું. (શ્લોક-૩૮)
  • નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. (શ્લોક-૬૩)
  • ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એમનું સન્માન કરવું. (શ્લોક-૬૯)
  • ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે, માટે કોઈક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો. (શ્લોક-૭૩)
  • સર્વ જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું. (શ્લોક-૭૯)
  • ભગવાનને વિશે ભક્તિને સત્સંગ કરવો તે બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. (શ્લોક-૧૧૪)
  • હરકોઈ અન્નાર્થી મનુષ્ય તેની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નના દાને કરીને સંભાવના કરવી. (શ્લોક-૧૩૧)
  • પૃથ્વીને વિશે સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરાવવી, કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે. (શ્લોક-૧૩૨)
  • પોતાની મા, બેન અને દીકરી તે સંગાથે પણ આપત્કાળ વિના એકાંત સ્થળને વિશે ન રહેવું. (શ્લોક-૧૩૬)
  • માતા-પિતા અને ગુરુ તથા રોગાતુર તેમની સેવા તે જીવનપર્યંત કરવી. (શ્લોક-૧૩૯)
  • અમારે આશ્રિત એવા જે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રી માત્રનો સ્પર્શ ન કરવો અને સ્ત્રીઓ સંગાથે બોલવું નહિ અને જાણીને તે સ્ત્રીઓ સન્મુખ જોવું નહિ તથા દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહિ ને કોઈ બીજા પાસે પણ કરાવવો નહિ. (૧૭૫)

આવો અદ્ભુત ગ્રંથ શ્રી સ્વામિનારાયણ ભગવાને કેવળ કૃપા કરીને આપણા સૌને કોઈને આપ્યો છે તો આપણે તેનું વાંચન કરીએ, વિચારીએ અને વર્તમાનમાં મૂકીને સુખિયા થઈએ.

સંસ્કાર

  • સાધુ હરિકૃષ્ણસ્વરુપદાસજી કુમકુમ