સ્પષ્ટતા / શું ચીનથી આવેલા પેકેજમાં કોરોના વાયરસ હોઇ શકે? અમુક માન્યતાઓ અને વાસ્તવિકતા

સ્પષ્ટતા / શું ચીનથી આવેલા પેકેજમાં કોરોના વાયરસ હોઇ શકે? અમુક માન્યતાઓ અને વાસ્તવિકતા

અમુક થિયરીના લીધે લોકોમાં ભ્રમ ફેયાઇ રહ્યો છે, જાણકારોએ અમુક બાબતોની સ્પષ્ટતા કરી છે .

ઇન્ટરનેશનલ ડેસ્ક: કોરોના વાયરસ અત્યારે ડેડલી બન્યો છે. વિશ્વના 77 દેશ આ વાયરસની ચપેટમાં આવ્યા છે અને કુલ 3 હજાર લોકો મોતને ભેટ્યા છે. ભારતમાં પણ કોરોના વાયરસનો છઠ્ઠો કેસ જયપુરમાં નોંધાયો છે. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે લોકોએ ગભરાવાની જરૂર નથી. જ્યારથી આ વાયરસ ચર્ચામાં આવ્યો છે ત્યારથી તેને લઇને અલગ અલગ પ્રકારની અફવાઓ અને થિયરી ચાલી રહી છે. તેથી અહીં અમુક બાબતો વિશે સ્પષ્ટતા કરવામાં આવી છે. ન્યૂયોર્ક સિટી હેલ્થ+હોસ્પિટલ સિસ્ટમ વાઇડ સ્પેશ્યલ પેથોજન્સ પ્રોગ્રામના સિનિયર ડાયરેક્ટર ડો. સાયરા મદાદ અને કોલમ્બિયા યુનિવર્સીટીમાં એપીડેમીઓલોજીના પ્રોફેસર સ્ટીફન મોર્સે વાયરસને લગતા અમુક સવાલો વિશે સ્પષ્ટતા કરી હતી.

શું ચીનથી આવેલા સામાન પર કોરોના વાયરસ હોય છે ?
નિષ્ણાંતોના મતે વાયરસ માનવ શરીરની બહાર જીવિત રહેતો નથી. તેથી કોઇ પેકેજ જો ચીનથી બોક્સ કે કેન્ટેનરમાં આવ્યું હોય અને તેના પર વાયરસ હોય તો તે જીવિત હોય તે વાત શક્ય નથી.

કોરોના વાયરસના લીધે મૃત્યુ થાય તે નક્કી છે ?

કોરોના વાયરસના લીધે વ્યક્તિ મૃત્યુ જ પામે તે હકીકત નથી કારણ કે આ વાયરસ વિશે હજુ વધારે માહિતી સામે આવી નથી. જોકે જે પ્રમાણે ડેટા સામે આવી રહ્યો છે તે જોતા જો કોઇ વ્યક્તિ સ્વસ્થ હોય તો તે રિકવર થઇ શકે છે. 3 માર્ચ સુધીના આંકડા પ્રમાણે કુલ 91333 લોકો આ વાયરસના સંક્રમણનો ભોગ બન્યા છે જ્યારે 48275 લોકો રિકવર થઇ ચૂક્યા છે. અત્યંત ગંભીર રીતે બીમાર કોઇ વ્યક્તિને આ સંક્રમણ લાગૂ પડે તો તેમાં ખતરો રહે છે. આ વાયરસમાં મૃત્યુ થવાનો દર 2 ટકા જેટલો કહી શકાય છે.
તકેદારી તરીકે શું કરવું જોઇએ ?
તબીબો અને જાણકારોના કહ્યા પ્રમાણે હાથને વારંવાર ધોવા જોઇએ. આંખ અને નાકને તમારો હાથ ન અડકે તેનું ધ્યાન રાખવું જોઇએ. બહુ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું હિતાવહ છે. કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિના ખૂબ નજીક આવવાથી આ વાયરસ ફેલાય છે.

માસ્ક ક્યારે પહેરવું જોઇએ?
જો તમે સ્વસ્થ હો તો માસ્ક પહેરવાની જરૂર નથી. જો તમે કોઇ સંક્રમિત વ્યક્તિની સારવાર કરી રહ્યા હો તો માસ્ક પહેરી શકાય. ઉધરસ કે છીંક વધારે આવતી હોય તો માસ્ક પહેરી શકાય. માસ્ક પહેરવાની સાથે હાથ ધોવાથી લઇને અન્ય હાયજીન પ્રક્રિયાઓનું યોગ્ય રીતે પાલન કરવું જરૂરી છે.

શું કોરોના વાયરસની કોઇ દવા છે ?
અત્યાર સુધી કોરોના વાયરસ માટે કોઇ ખાસ પ્રકારની દવા રેકમન્ડ કરવામાં આવતી નથી

પાળતુ પ્રાણીઓમાંથી વાયરસ ફેલાય છે ?
હજુ સુધી એવો કોઇ ડેટા સામે આવ્યો નથી કે પાળતુ પ્રાણીઓ જેવા કે શ્વાન કોરોના વાયરસથી સંક્રમિત હોય. જોકે તેમને અડક્યા બાદ સાબુથી હાથ ધોવા હિતાવહ છે.