સ્ટેચ્યૂ ઓફ યુનિટી વૈવિધ્યસભર વારસાનું કેન્દ્રબિંદુ : વડા પ્રધાન મોદી

સ્ટેચ્યૂ ઓફ યુનિટી વૈવિધ્યસભર વારસાનું કેન્દ્રબિંદુ : વડા પ્રધાન મોદી

। કેવડિયાકોલોની ।

ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૫મી જન્મ જયંતીના પૂર્વ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે આવી પહોંચ્યા હતા. તેઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સંકલિત વિકાસ માટેના ૧૭ પ્રોજેક્ટસનું લોકાર્પણ અને ૪ નવા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યુ હતું. આ પ્રોજેક્ટોને કારણે કેવડિયા વિસ્તાર વિશ્વ સ્તરના એક પ્રવાસન કેન્દ્ર તરીકે ઊભરી આવ્યો છે. આ પ્રસંગે મોદીએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તાર વૈવિધ્યસભર વારસાને જાણવાનું ‘સિંગલ પોઇન્ટ ડેસ્ટિનેશન’ બની રહેશે.

વડા પ્રધાન મોદી શુક્રવારે બપોરે ૧૨ કલાકે કેવડિયાકોલોનીમાં બનેલા હેલિપેડ ખાતે આવી પહોંચ્યા હતાં. તેઓ સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ દેવવ્રત પણ હતા. તેઓનો કાફલો હેલિપેડથી જ સીધો એકતાવનની મુલાકાતે ગયો હતો. જ્યાંથી તેઓ એકતા મોલ ગયા હતા. ત્યારબાદ મોલની બાજુમાં આવેલા ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્કમાં ગયા હતા. વડા પ્રધાન ત્યાં મૂકવામાં આવેલી ટ્રેનમાં બેસીને સમગ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં ર્ફ્યા હતા. ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થીમ બેઝ પાર્કમાં મિરર મેઈઝ, ૫-D થિયેટર, ભૂલ-ભુલૈયા પણ છે.

નરેન્દ્ર મોદીએ પ્રથમ ચરણમાં આરોગ્ય વન, એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું લોકાર્પણ કર્યુ હતું. બપોર બાદ અન્ય પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ પૂર્ણ કર્યુ હતું. આ તમામ પ્રોજેક્ટસ પ્રવાસીઓને આકર્ષવા અને માણવા માટે આહલાદક નજરાણા પુરવાર થશે. કેવડિયા ખાતે આ લોકાર્પણ પ્રસંગે રાજયના મુખ્ય સચિવ ડો. અનિલ મુકિમ અને વન વિભાગના અગ્ર સચિવ ડો. રાજીવ ગુપ્તાએ આ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી વડા પ્રધાનને આપી હતી. આ બધા જ પ્રોજેક્ટ વિક્રમજનક સમયમાં પૂર્ણ થતા કેવડિયા વિશ્વસ્તરના એક પ્રવાસન કેન્દ્ર તરીકે ઊભરી આવ્યું છે.

આરોગ્ય વનનું લોકાર્પણ કરતા પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, કેવડિયા સ્થિત ‘ધ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક’ પોષણને સ્પર્શતા અનેકવિધ આયામો વિષે જાગ્રતિ ફેલાવવા માટેનું સર્જનાત્મક સ્થળ છે. અહીંનું એક મહત્ત્વનું આકર્ષણ છે : ટ્રેન રાઈડ, જે તમને અલગ-અલગ સ્થળે લઇ જઈને વિધવિધ આકર્પણો દર્શાવશે. આરોગ્ય વનનું લોકાર્પણ કરતા પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, આ વન ભારતની ષધીય વૈભવના પ્રતીક સમાન છે. જ્યાં વિવિધ રોપાની સાથે ભારતની પ્રાચીન આયુર્વેદિક નીરોગિતાની પ્રણાલિકા તથા ઉત્તમ આરોગ્ય અંગેની જાણકારી પ્રાપ્ત કરવાનું સુંદર સ્થળ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજનો કાર્યક્રમ

  • ૮ થી ૮.૧૦ સુધી સરદારની પ્રતિમાનું પૂજન કરશે
  • સવારે ૮.૧૦ થી ૯ સુધી રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કરી રાષ્ટ્રજોગ સંબોધન કરશે
  • ૧૦.૨૦ થી ૧૧.૩૫ સુધી પ્રોબેશનલ IASને વર્ચ્યુઅલ સ્પીચ આપશે
  • ૧૧.૫૦ થી ૧૨ સુધી સી પ્લેન સેવાનો પ્રારંભ કરાવી અમદાવાદ જવા રવાના થશે
  • બપોરે ૧ કલાકે અમદાવાદ પહોંચશે