સ્ટડી / રસી નહીં બને તો અમેરિકામાં 70% લોકો કોરોના પોઝિટિવ થઇ જશે

સ્ટડી / રસી નહીં બને તો અમેરિકામાં 70% લોકો કોરોના પોઝિટિવ થઇ જશે

નિષ્ણાતોનો દાવો- અમેરિકાના 22 રાજ્યમાં સંક્રમણ તેજ બન્યું, 8 રાજ્યમાં સ્થિતિ સામાન્ય સ્તરે, 20માં ઘટી રહ્યું છે

વોશિંગ્ટન. જો રસી નહીં બને તો અમેરિકામાં કોરોના વાઇરસથી 70 ટકા લોકો સંક્રમિત થઇ જશે. યુનિવર્સિટી ઓફ મિનેસોટાના નિષ્ણાતોએ એક સ્ટડીના આધારે આ દાવો કર્યો છે. આ યુનિવર્સિટીના ચેપી રોક સંશોધન નીતિ વિભાગના ડાયરેક્ટર ડૉ. માઇકલ ઓસ્ટેરહોમે કહ્યું કે આ વાઇરસ આરામ કરવાનો નથી. રસી કે હર્ડ ઇમ્યુનિટી વધવાથી જ કોરોના રોકાઇ શકે છે. અમેરિકાની અંદાજિત વસતી 33,10,02,651 છે. હાલ અમેરિકામાં 1 ટકાથી પણ ઓછા એટલે કે 21,62,261 કોરોના સંક્રમિત મળ્યા છે જ્યારે કોરોનાથી 1,17,858 મોત થઇ ચૂક્યા છે.

ડૉ. ઓસ્ટેરહોમે કહ્યું કે નવા આંકડાથી જાણવા મળે છે કે અમેરિકાના 50 રાજ્યમાંથી 8માં સંક્રમણ સ્થિર છે. 22માં કેસો ઝડપથી વધી રહ્યા છે જ્યારે 20 રાજ્યમાં સંક્રમણનો દર ઘટ્યો છે. બોસ્ટન યુનિ.ની સ્કૂલ ઑફ મેડિસિનના નિષ્ણાત ડૉ. નાહિદ ભદેલિયાએ કહ્યું કે દક્ષિણ અને પશ્ચિમના રાજ્યોમાં સ્થિતિ વધુ ખરાબ થશે. 

ન્યૂયોર્ક, હ્યૂસ્ટન ફરી લૉકડાઉન ભણી, ત્યાં ડિસ્ટન્સિંગ તૂટી રહ્યું છે
ન્યૂયોર્ક સિટી અને હ્યૂસ્ટનમાં ફરી લૉકડાઉન લદાઇ શકે છે. અધિકારીઓએ કહ્યું કે તંત્ર આ અંગે વિચારી રહ્યું છે. બન્ને શહેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ થઇ રહ્યો છે. ત્યાં સુધી કે લોકો બાર, રેસ્ટોરન્ટની બહાર દારૂ પીને માસ્ક પહેર્યા વિના ફરી રહ્યા છે.

ન્યૂયોર્ક સ્ટેટના ગવર્નર એન્ડ્રયૂ ક્યૂમોએ કહ્યું કે સરકારને સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગની 25 હજારથી વધુ ફરિયાદો મળી છે. એવામાં જુદા-જુદા તબક્કામાં અનલૉકનું આયોજન જોખમમાં મુકાશે. સૌથી વધુ ફરિયાદો મેનહટન અને હેમ્પટન્સમાંથી મળી છે. બીજી તરફ અધિકારીઓએ કહ્યું છે કે ટેક્સાસના હ્યૂસ્ટન શહેરમાં પણ મોટા ભાગના લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રહ્યા નથી.