સુખ – સુવિધાઓ અને ધનથી મન શાંત થતું નથી, જ્યાં સુધી ઈચ્છાઓ રહેશે ત્યાં સુધી અશાંત જ રહેશે

સુખ – સુવિધાઓ અને ધનથી મન શાંત થતું નથી, જ્યાં સુધી ઈચ્છાઓ રહેશે ત્યાં સુધી અશાંત જ રહેશે

આ સમયે લોકો માનસિક સ્ટ્રેસનો સામનો કરી રહ્યા છે. સ્ટ્રેસને લીધે કામમાં મન લાગતું નથી. મનની શાંતિ સુખ-સુવિધાઓ અને ધનથી મળતી નથી. આ માટે ઈચ્છાઓનો ત્યાગ કરવો પડે છે. જ્યાં સુધી ઈચ્છાઓ રહેશે ત્યાં સુધી મન અશાંત રહેશે, આ વિશે એક લોક કથા પ્રચલિત છે..જાણીએ આ કથા..

જૂના જમાનામાં એક રાજા દાન-પુણ્ય કરતા હતા, પરંતુ તેમને પોતાના સારા કામ પર ઘણું અભિમાન હતું. રાજાની પ્રસિદ્ધી દૂર-દૂર સુધી ફેલાયેલી હતી. રોજ સવારે જરૂરિયાતમંદ લોકોની લાંબી લાઈન રહેતી હતી. એક દિવસ રાજા પાસે એક સંત આવ્યા.

રાજાએ સંતને કહ્યું કે, ‘ગુરુદેવ તમે જે ઈચ્છો તે મારી પાસેથી માગી શકો છો. હું તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી શકું છું.’ સંત સમજી ગયા કે આ રાજા અભિમાની છે. સંતે કહ્યું કે, ‘મારા આ કમંડલને સોનાના સિક્કાથી ભરી દો.’

રાજાએ કમંડલ જોયું તો તે નાનું દેખાઈ રહ્યું હતું. રાજાએ કહ્યું કે,‘આ તો બહુ નાનું કામ છે. હું અત્યારે જ તે ભરી દઉં છું. રાજાએ પોતાની પાસે રાખેલી સિક્કાની થેલી કાઢી અને કમંડલમાં નાખી , પરંતુ જેવા સિક્કા કમંડલમાં ગયા તેવા ગાયબ થઇ ગયા.’

રાજાને ગુસ્સો આવ્યો તેમણે વધારે સિક્કા મગાવ્યા તે પણ કમંડલમાં ગાયબ થઇ ગયા. આ જોઇને રાજાને આશ્ચર્ય થયું. રાજાને પોતાનું વચન પૂરું કરવું હતું આથી તે પોતાના ખજાનામાંથી વધારે સિક્કા મગાવી રહ્યા હતા.

રાજા જેવા સિક્કા કમંડલમાં નાખતા હતા તેવા તે ગાયબ થઇ રહ્યા હતા. તે કમંડલ ખાલી જ હતું. રાજાએ હાથ જોડીને માફી માગી અને કહ્યું કે, ‘કૃપા કરીને આ કમંડલનું રહસ્ય જણાવો. આટલું ધન નાખ્યા છતાં તે કેમ ભરાયું નહિ?’

સંતે કહ્યું, ‘રાજા, આ કમંડલ મનનું પ્રતિક છે. જેમ આપણું મન સુખ-શાંતિ, ધન અને જ્ઞાનથી ભરાતું નથી તેવી જ રીતે આ કમંડલ પણ ક્યારેય ભરાઈ નહિ શકે. મનની ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી. મનની શાંતિ માટે આપણે દરેક પરિસ્થિતિમાં સંતોષી રહેવું જોઈએ. ક્યારેય અભિમાન ના કરો. ઈચ્છાઓ અને ઘમંડનો ત્યાગ કરશો તો મન શાંત રહેશે.’